એક્સ્ટ્રા ફિલ્મફેર એવોર્ડ્સ !

ગાંધીનગરની ગિફ્ટસિટીમાં જે ફિલ્મફેર એવોર્ડ યોજાયો એમાં સૌથી નવાઈની વાત એ હતી કે એવોર્ડ પત્યા પછી ‘ડ્રીન્ક એન્ડ ડ્રાઈવ’નો એકપણ કેસ ના નોંધાયો !

હદ થઈ ગઈ, નહીં ? ચલો, છોડો. આપણે ગઈકાલનું એવોર્ડ ફંકશન આગળ વધારીએ…

*** 

બેસ્ટ હ્યુમન રાઇટ્સ ફિલ્મ
અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરની ‘લેડી કિલર !’ કઈ રીતે ? અરે ભઈ, એ ફિલ્મ એટલી હદે ફ્લોપ ગઈ કે લાખો કરોડો માનવીઓ એની ક્રુરતાથી બચી ગયા ને !

*** 

બેસ્ટ એનિમલ લવર્સ ફિલ્મ
કુત્તે ! પૂછો કેમ ? કેમકે ફિલ્મનું નામ ભલે ‘કુત્તે’ હોય પરંતુ આખી ફિલ્મમાં કોઈપણ કુતરા પાસે એક્ટિંગ કરાવી નહોતી ! નો એનિમલ વેર હર્ટ !! બધું હર્ટ કરવાનું કામ માણસોએ જ કર્યું...

*** 
બેસ્ટ એજ્યુકેશન ફિલ્મ
‘OMG2’... જોવાની વાત એ છે કે ફિલ્મ ‘એડલ્ટ્સ’ માટે જ હતી ! એવા એડલ્ટ્સ જેઓ ઓલરેડી સેક્સ વિશે જાણે છે ! ટુંકમાં, આ બેસ્ટ ‘સિલેબસ-રિવિઝન’ હતું !

*** 

બેસ્ટ એડવેન્ચર સ્પોર્ટ મુવી
‘ડંકી’!! જે કામ માત્ર 10 કલાકની ફ્લાઇટમાં બેઠાં બેઠાં થઈ શકે એના બદલે, પહાડોમાંથી, રણમાંથી, દરિયામાંથી, જંગલમાંથી અને લોખંડના કન્ટેનરોમાંથી શી રીતે થઈ શકે તેની અત્યંત સાહસિક જર્ની બતાડતી આ ફિલ્મ છે !

*** 

બેસ્ટ શાંતિપ્રિય ફિલ્મ
‘ટાઇગર-3’... કેમકે આજકાલ તો બધી ફિલ્મોમાં પાકિસ્તાનને દુશ્મન દેશ જ બતાડે છે પણ આ ફિલ્મમાં ભારતના બે ભૂતપૂર્વ રૉ એજન્ટો છેક ત્યાં જઈને પાકિસ્તાનની મહિલા વડાપ્રધાનની હત્યા થતાં અટકાવે છે ! (ટાઈગર-4માં આ જ કપલ ઇમરાન ખાનને પાકિસ્તાનમાંથી જીવતા છોડાવીને ભારતમાં લાવશે ! જોજો.)

*** 

... પણ વર્સ્ટ પ્રેરણાત્મક ફિલ્મ
‘12th ફેઇલ...’ શા માટે ? કેમકે આ જ પ્રોડ્યુસરે ‘થ્રી ઇડિયટ્સ’ બનાવીને યુવાનોને શીખવાડેલું કે ગોખણપટ્ટી, પરીક્ષાઓ, માર્ક્સ એ બધું નકામું છે. હવે એ જ પ્રોડ્યુસર આ ફિલ્મમાં બતાડે છે કે 12 કલાક ઘંટીથી લોટ દળીને, 5 કલાક વાંચીને અને માત્ર 3 કલાક ઊંઘવાથી કોઈ બિમાર નથી પડતું ! બલકે IPS ઓફિસર બની જવાય છે ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments