આપણે ત્યાં કહેવાય છે કે સૃષ્ટિમાં મુખ્ય ત્રણ લોક છે. (1) સ્વર્ગલોક (2) પૃથ્વીલોક અને (3) પાતાલ લોક…
પરંતુ આજના પૃથ્વીલોકમાં હવે નવા લોક (અર્થાત્ સાવ અલગ અલગ દુનિયા) નીકળ્યા છે ! જુઓ…
***
(1) ટીવી સિરિયલ લોક
1999 પછી પ્રચંડ ફેલાવો પામેલા આ લોકમાં તમે માત્ર એક રીમોટની ચાંપ વડે પ્રવેશ કરી શકો છો ! અહીં એકવીસ જાતના પરિવારો છે, એકતાળીસ જાતની સાસુ-વહુઓ અને એકસો એકાવન જાતના ઘરેલું કંકાસ છે !
પોતાના અસલી સગાંવ્હાલાંને ભૂલવા તથા અન્યના ઘરની અનુપમાઓ, ઇમલીઓ, રાધિકાઓ અને કોમોલિકાઓની દુનિયામાં દેશની લાખો મહિલાઓ રોજ આ ‘સિરિયલ લોક’માં પ્રવેશે છે !
(અને રડે પણ છે ! બોલો.)
***
(2) સોશિયલ મિડીયા લોક
2008 પછી વિશ્વવ્યાપી બનેલા આ લોકમાં પ્રવેશવા માટે માત્ર સવા બે ઇંચ બાય સાડા પાંચ ઇંચનું એક સાધન પુરતું છે ! (એને સ્માર્ટ ફોન કહે છે) અહીં અંદર ગયા પછી તો અનેક પેટા-લોક છે... ફેસબુક લોક, ઇન્સ્ટા લોક, સ્નેપ-ચેટ લોક, ટિન્ડર લોક વગેરે વગેરે.
આ ચમત્કારી લોકમાં તમે એક કરતાં વધારે સ્વરૂપ ધારણ કરી શકો છો. યુવક હો તો યુવતી બની શકો છો, યુવતી હો તો ચાર ચાર અલગ અલગ યુવતી પણ બની શકો છો ! ડોશીઓ જુવાન અને બુઢ્ઢાઓ પહેલવાન બની શકે છે !
અહીં બધું જ રંગીન છે ! બધા જ ખુશ છે ! બધા એકબીજાને ‘લાઇક’ કરે છે ! અને જો ના કરે તો તમે એને ‘બ્લોક’ કરીને ‘ડિલીટ’ પણ કરી શકો છો !
***
(3) ગેમ-લોક
ટચૂકડા સ્ક્રીનના દ્વારમાંથી ઘૂસ્યા પછી ટીન-એજરો તથા મહિલાઓ માટે રમત-જગતનાં રંગીન દ્વારો ખુલી જાય છે ! ટીન-એજરો અહિંસક રહીને ધારે એટલી ખૂનામરકી કરી શકે છે અને બપોરે આડી પડેલી મહિલાઓ એક પૈસો દાવ પર લગાવ્યા વિના કેન્ડીક્રશ કે તીનપત્તીમાં લાખો પોઇન્ટ્સનો દલ્લો કમાઈ શકે છે ! જોકે IPL વખતે અહીં લાસ-વેગાસ કરતાં વધારે રકમની ઉથલપાથલ થાય છે... (દેશની બડી ઇકોનોમી છે, ભાઈ !)
***
(4) દુઃખી લોક
આ આખી દુનિયા ઇન્ટેલેક્ચ્યુઅલો અને દેશપ્રેમીઓ માટે છે ! આવો દુઃખી લોકો ‘ન્યુઝ-લોક’ તથા ‘ફેક-ન્યુઝ લોક’ જોઈને સતત ડરતા-ડરાવતા અને રડતા-રડાવતા રહે છે ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment