આમ તો મહિલાઓ માટેની જે સરકારી હેલ્પલાઇન છે એમાં બિચારાં જે બહેનો ફોન રિસીવ કરતાં હોય એમને તો સાસુ, નણંદ, ધણી વગેરે વિશેની ફરિયાદો જ સાંભળવી પડતી હશે ને ?
પરંતુ અમારું નમ્ર સુચન છે કે બહેનોને આ સિવાય પણ ઘણી હેલ્પ જોઈતી હોય છે. દાખલા તરીકે…
***
‘જુઓ, તમને વિડીયો કોલમાં બતાડું છું.... આજે મારે આ બરગંડી કલરની સાડી પહેરવી છે પણ એની જોડે બ્લાઉઝ કયા કલરનું પહેરું ? ડાર્ક કોન્ટ્રાસ્ટમાં સારું લાગશે કે સેઇમ કલર મેચિંગમાં બરોબર લાગશે ? જરા હેલ્પ કરો ને...’
***
‘અને આ તો જસ્ટ તમને એમ જ પૂછવું હતું કે આજે છે ને, અમે લોકો બહાર જમવા જવાના છીએ... તો જસ્ટ સજેસ્ટ કરોને, કે કઈ રેસ્ટોરન્ટની આગળ સેલ્ફીઓ સારી આવે છે ? આ તો નવો આઈ-ફોન લીધોને, એટલે !’
***
‘મારે શું થાય છે, કહું ? હું જ્યારે મારી બનાવેલી ગરમાગરમ વાનગીનો વિડીયો એકદમ નજીકથી લઉં ને, તો વાનગીમાંથી જે વરાળ નીકળે છે ને, એનાથી વિડીયોનું પિક્ચર સાવ ઝાંખુ થઈ જાય છે ! અને દૂરથી વિડીયો લઉં તો વરાળ દેખાતી જ નથી ! વાનગી ઠંડી હોય ને, એવું લાગે છે ! તો... તમારા ધ્યાનમાં એવું કોઈ ફિલ્ટર ખરું ? કે આમ, વરાળ આપડા કેમેરા ઉપર લાગે તો ખરી, પણ પિક્ચર ના બગડે...?’
***
‘મેડમ, હું આપું છું એ નંબર જરા ટ્રેસ કરાવો ને ! એનું લોકેશન ક્યાં બતાડે છે ? કેમકે મારા હસબન્ડ તો ઓફિસનું કહીને નીકળ્યા છે પણ મને ડાઉટ લાગે છે...’
***
‘આ જુઓ, તમને મેં જે બહેનના ફોટા સેન્ડ કર્યા ને, એણે જે ડ્રેસ પહેર્યા છે એ કેટલાનો હશે ? મારી બેટી મને કહે છે કે મેં તો છેક દુબઈથી મંગાયો છે, પંદર હજારનો છે ! તમે પેલું નવું નીકળ્યું છે ને, આંગળી વડે સ્ક્રીન ઉપર ચક્કરડું કરીએ એટલે બધી ઇનફરમેસન આપે છે... એમાં જોઈને મને કહો ને !’
***
(અને આ ટાઈપના તો હજારો ફોન આવશે...)
‘યાર, કંઈ સજેસ્ટ કરો ને, સાંજે જમવામાં શું બનાવું ?’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment