કમલનાથ - કમલ =?

કમલનાથ ભાજપમાં જોડાશે… જોડાશે… જોડાશે… કરતાં છેવટે ના જોડાયા ! આમાં જાતજાતનાં સમીકરણો બદલતાં રહ્યાં, પણ છેવટે જે થયું એમાં પણ ગમ્મત કંઈ ઓછી નથી ! જુઓ…

*** 

ભાજપને… ‘કમલ’ના ‘નાથ’ બનીને તેમને ‘નાથવાની’ ઇચ્છા હતી. પણ ‘કમલ’ છેવટે ‘જલ-કમલ-વત’ રહ્યા ! બોલો.

*** 

‘કમલમ્’ને પણ એમ હતું કે ‘કમલમ્’માં કમલ-નાથને બેસાડીને આપણે બતાડી દઈશું કે જુઓ આખરે… કોનો ‘હાથ’ ઉપર છે…
પણ બાજી ‘હાથ’માંથી ગઈ ! અને ગઈ તો પાછી ‘હાથ’માં જ ગઈ ! બોલો…

*** 

ભાજપને હતું કે ‘હાથ’વાળા ‘હાથ’ ઘસતા રહી જશે ! ‘હાથ’વાળા ‘હાથ’ ઉપર ‘હાથ’ ધરીને બેસી રહેશે…
પણ થયું એવું કે ‘હાથ’વાળા હવે ‘હાથ’ આગળ ધરીને કહી રહ્યા છે કે ‘દે તાલી !’

*** 

આમ જોવા જાવ તો જે ‘અંદરુની ચોટ’ લાગી છે એમાં ‘કમલમ્’ને થોડી ‘મલમ’ની જરૂર તો છે જ ! કારણકે આમાં થયું છે એવું કે ‘હાથે’ કર્યા તે હૈયે વાગ્યાં છે !

*** 

ભાજપની હાલત એવી છે કે જાતે તમાચો મારી ગાલ લાલ રાખ્યા હોય…
પણ કહેવાય થોડું, કે તમાચો મારનારો ‘હાથ’ કોનો હતો ?

*** 

જોકે ભાજપે પોતાની આદત મુજબ ફરી કીચ્ચડ ઉછાળવાનું શરૂ કરી દીધું છે…
એનાથી સાબિત તો એ જ થાય છે કે સાચું ‘કમલ’ તો કીચ્ચડમાં જ ખીલે છે !

*** 
કહે છે કે કમલનાથના પુત્રને ભાજપ ‘છિંદવાડા’થી લોકસભાની ચૂંટણી લડાવશે….
લો, આ તો કમલનાથ માટે પરફેક્ટ રેડી-મેઈડ ડાયલોગ થઈ ગયો : ‘રિશ્તે મેં હમ તુમ્હારે બાપ લગતે હૈ… નામ હૈં કમલનાથ !’

*** 

છેવટે બહુ ટુંકમાં કહીએ તો…
‘કમલનાથ?’… કમલ, મલ હાથ !

***

- મન્નુ શેખચલ્લી

Comments