... બાકીના ફિલ્મફેર એવોર્ડ્સ !

સૌથી મોટી નવાઈ તો એ હતી કે બમ્બૈયા ઇન્ડસ્ટ્રીનું એવોર્ડ ફંકશન ગાંધીનગર જેવી પોલિટીકલ નગરીમાં થાય ! અને એમાં ય વળી નવી નવી લિકર પોલીસીવાળી ગિફ્ટ-સિટીમાં !

- આ તો સારુ થયું કે આ વરસે ‘શરાબી’ ‘નયા નશા’ અથવા ‘પીકે’ નામની કોઈ ફિલ્મો નહોતી ! જોકે એવોર્ડ ફંકશનમાં અમુક એવોર્ડ્ઝ ખૂટતા હતા ! જેમકે…

*** 

બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટ
‘આર્ચિઝ’નાં પાંચ પાંચ બાળકો ! જેમનાં લોહીમાં, વારસામાં અને DNAમાં અભિનય હોવા છતાં આટલી બાલિશ એક્ટિંગ શી રીતે કરી બતાડી ? તાલિયાં...

*** 

બેસ્ટ કુરિયોગ્રાફી
‘એનિમલ’ ફિલ્મની એ ઇન્ટરવલ પહેલાંની લાંબી ફાઈટ ! (જેમાં ગાયનો જ વાગતાં હતાં ને ?) શું હાઇલી ક્રિએટીવ ડાન્સ ડિરેક્શન હતું, કે માત્ર એક હીરોના હાથે દોઢસો-દોઢસો ડાન્સરો મરી રહ્યા છે ! એમાંય એક આખા ગ્રુપના ડાન્સરો તો ખાસ માસ્ક પહેરીને આવેલા ! (જેથી અગાઉ મરી ગયેલા ડાન્સરો ફરી ડાન્સ કરી શકે !)

*** 

બેસ્ટ લિરીક્સ (ગીતના શબ્દો)
ફરી એકવાર ‘એનિમલ’નું ગાયન ! સાલું, કઈ ભાષામાં લખાયું છે એ ગુગલ કર્યા વિના જ દેશના કરોડો સંગીતપ્રેમીઓનાં મોઢે ચડી ગયું ! અને મિનિંગ તો હજી પણ કોઈને ખબર નથી !

*** 

બેસ્ટ કાર્ટુન કેરેક્ટર
‘કિસી કા ભાઈ કિસી કી જાન’નો સલમાન ખાન (ઇન્ટરવલ પહેલાંનો! ) બિચારો સલમાન ગમે એટલો સિરીયસ ડાયલોગ બોલે, ગમે એટલી ખતરનાક ફાઇટિંગ કરે, કે ગમે એટલો રોમેન્ટિક દેખાવાની કોશિશ કરે... સાલું, હસવું રોકી જ ના શકાય !

*** 

બેસ્ટ ડાયલોગ્સ
‘આદિપુરુષ’ના ! યાર, જે લોકોએ ફિલ્મ નહોતી જોઈ એમને પણ મોઢે થઈ ગયા હતા ! એટલું જ નહીં, એના ડાયલોગ રાઇટરે પબ્લિક ડિમાન્ડને માન આપીને એ જ ડાયલોગ્સ ફરીથી લખી આપ્યા ! બોલો.

*** 

બેસ્ટ સાઉન્ડ રેકોર્ડિંગ
‘ગદર-ટુ’ માટે ! મિત્રો, વિચાર કરો, એક બાજુ અમિષા પટેલ સાવ ધીમા અવાજે શું ગણગણી જાય તે સાંભળવું મુશ્કેલ હોય અને બીજી બાજુ સની દેઉલ ગામના બીજા છેડે આવેલા બંગલાના કાચ તૂટી જાય એવી રાડો પાડતો હોય... આ બન્નેને બેલેન્સમાં રાખીને રેકોર્ડિંગ કરવું કંઈ ખાવાના ખેલ હતા ?

(વધુ એવોર્ડ્ઝ કાલે.)

***

- મન્નુ શેખચલ્લી

Comments