શોલે કા 'કાલિયા'.. વિજુ ખોટે : રોલ નાના, ગજું મોટું !

જસ્ટ વિચાર કરો, છેક 1975માં આવેલી ‘શોલે’નાં અમુક પાત્રો આજે 49 વરસ પછી પણ બધાને યાદ છે ! એ તો ઠીક, ગયા સોમવારે જેની વાત માંડી હતી એ ‘સાંભા’નો તો આખી ફિલ્મમાં એક જ ડાયલોગ હતો, એ પણ ત્રણ જ શબ્દોનો : ‘પુરે પચાસ હજાર !’ એ જ રીતે હવે જરા યાદ કરો, ફિલ્મમાં  કાલિયાના મોઢે કેટલા ડાયલોગ હતા ? ફક્ત એક : ‘સરદાર, મૈં ને આપ કા નમક ખાયા હૈ !’ છતાં બોલો, આજે એ કાલિયો હજી આપણને યાદ છે !

જોકે એ પછી ‘અતિથિ તુમ કબ જાઓગે’માં પરેશ રાવલ એ જ કલાકારને એક ફિલ્મ શૂટિંગમાં જોઈ જાય છે અને વારંવાર પૂછ્યા કરે છે : ‘કિતને આદમી થે?’ એમાંને એમાં તો આખેઆખો ફિલ્મનો સેટ કડડડ ભૂસ કરતો તૂટી પડે છે !  છતાં જોવાની વાત એ છે કે આવડો મોટો સેટ તૂટી પડ્યો એ હજી યાદ કરાવો તો જ યાદ આવે, પણ ‘શોલે’નો કાલિયા ? તરત જ નજર સામે પ્રત્યક્ષ દેખાઈ જાય છે !  

આમ જુઓ તો આમાં કંઈ ‘કાલિયા’ની એક્ટિંગનો કમાલ પણ નથી, પરંતુ એનો મતલબ એ પણ નહીં કે કાલિયાનો રોલ ભજવનાર વિજુ ખોટે સાવ મામુલી એકસ્ટ્રા કલાકાર હતા. એમની કહાણી પણ રસપ્રદ છે.

અચ્છા, વિજુ ખોટેની બીજી ઓળખાણ આપું ? જુની ફિલ્મોના પાકા રસિયાઓને તો ખબર જ હશે કે એક જમાનામાં કોમેડિયન મહેમૂદની જેની સાથે ઓન-સ્ક્રીન જોડી જામી ગઈ હતી તે શુભા ખોટેના આ નાના ભાઈ થાય !  શુભા ખોટે જ્યારે યુવાન હતાં ત્યારે એમની ઉપર મહેમૂદની સાથે ગાયનો પણ પિક્ચરાઇઝ થયેલાં (જાનાં તુમ્હારે પ્યાર મેં, મૈં રંગીલા પ્યાર કા રાહી, તડપાઓગે તડપા લો, અપની ઉલ્ફત પે જમાને કા, અજહું ના આયે બાલમા) આમ જોવા જાવ તો શુભા ખોટે એ જમાનામાં લગભગ સેકન્ડ હિરોઈનનું સ્થાન ધરાવતાં હતાં, પણ પછી વિજુ ખોટેની ફિલ્મોમાં એન્ટ્રી શી રીતે થઈ ?

તો એમ સમજો ને, કે એ તો થવાનું જ હતું કેમકે શુભા અને વિજુના પિતાજી નંદુ ખોટે એ સમયના મરાઠી નાટકોના બહુ જાણીતા અભિનેતા હતા. એટલું જ નહીં, મુંગી ફિલ્મોના જમાનામાં પણ એ રૂપરી પરદે અભિનય કરતા હતા. અને પેલાં દુર્ગા ખોટે ખરાં ને !  (બોલો, ‘ખોટે’ કો ‘ખરા’ બોલના પડતા હૈ !) એ જ, જે મુગલે આઝમમાં રાની જોધાબાઈ બનેલા, તે વિજુ અને શુભાનાં માસી થાય. (અચ્છા, સાચું કહેજો, આ ‘ખોટે’ અટક ક્યાંથી આવી હશે ? તો વાત એમ છે કે એટલી ડીપ રિસર્ચ તો અમે પણ નથી કરી.)

હવે જુઓને, ઘરમાં જ આખો ફિલ્મી માહોલ હોય તો વિજુભાઈને ફિલ્મમાં જવાનું જ હોય ને ? પણ શરૂઆતમાં એવું નહોતું. એ ભાઈ ભણવામાં હોંશિયાર હતા. મોટી બહેન અને પપ્પા જોડે ફિલ્મોનાં શુટિંગમાં જાય પણ ખરા. પરંતુ કંઈ એક્ટિંગનો ચસકો શરૂશરૂમાં લાગ્યો નહીં. હા, બાળપણમાં પિતાજીના કહેવાથી એક બે ફિલ્મોમાં બાળ કલાકારનો રોલ કરી પણ લીધો, પરંતુ કદાચ એવું બન્યું હશે કે ફિલ્મના યુનિટમાં જે જમવાનું આવે તેમાં એમને ‘નમક’ વધારે લાગ્યું હશે એટલે એમણે નક્કી કર્યું હશે કે ‘યે સરદાર કા ઇતના નમક ખાયા સો ખાયા, અબ નહીં ખાઉંગા !’

વિજુભાઈને બી.કોમ. થયા પછી ફિલ્મોમાં જવું જ નહોતું એટલે એમણે પોતાનું પ્રિન્ટિંગ પ્રેસ ચાલુ કર્યું. જોકે તકદીરમાં ‘એક્શન’ ‘કટ’ અને ‘રિ-ટેક’ જ લખાયા હશે એટલે એ પ્રેસ કંઈ ચાલ્યું નહીં. બે અઢી વરસમાં એનું ‘પેકઅપ’ થઈ ગયું. હવે એમણે વિચાર્યું કે ‘એક્ટર કા બેટા એક્ટર નહીં તો ઔર ક્યા બનેગા ?’ શરૂઆતમાં જ એક ‘યા મલક’ નામની એક મરાઠી ફિલ્મ બતૌર હીરો મળી ગઈ પરંતુ એ ચાલી નહીં. બીજી બાજુ, પેલા પ્રિન્ટીંગ પ્રેસમાં બાપાને કીધા વિના ખાસ્સી રકમ ડૂબી ગઈ હતી એટલે ફરી બાપાને કીધા વિના એની ભરપાઈ કરવા માટે જે કામ મળ્યું એ કરવાનું શરૂ કરી દીધું.

પેલી તરફ મોટી બહેન શુભાનું પણ મહેમૂદ સાથેનું ‘સેટિંગ’ કોઈ કારણસર તૂટી ગયેલું. શુભાજીને હવે એવા દમદાર રોલ મળતા નહોતા એટલે એમણે પણ હીરોની બહેનના, હીરોઈનની પડોશણના એવા રોલ લેવા માંડ્યા. વિજુ ખોટેને પણ સતત નાના મોટા રોલ મળતા જ હતા પરંતુ એમણે હિન્દી ફિલ્મો ઉપરાંત અનેક મરાઠી ફિલ્મોમાં પણ અભિનય કરવાનું ચાલુ રાખ્યું. વિજુ ખોટેનો ચહેરો, કદ-કાઠી અને અવાજ એવો હતો કે તે કોઈપણ રોલમાં ફીટ થઈ શકતા હતા. રંગભૂમિના અનુભવને કારણે કોમિક ટાઇમિંગની સેન્સ પણ બહુ સારી હતી, એટલે સરવાળે કોમેડિયન, વિલન, વિલનના ડાબા-જમઆ હાથ, ઇન્સ્પેક્ટર, પ્રોફેસર, સ્કુલ માસ્તર, પડોશી, ચાચા-મામા, ચોર, ટપોરી, હવાલદાર… એમ કરતાં કરતાં લગભગ 400થી વધારે રોલ કરી નાંખ્યા !  બોલો.

એ જમાનામાં એવું હતું કે એક કલાકાર અમુક ટાઇપના રોલમાં ફીટ થઈ જાય પછી જિંદગીભર એને એવા જ રોલ મળ્યા કરે !  જગદીશ રાજ નામના એક કલાકારનો તો ગિનેસ બુકમાં રેકોર્ડ છે કે એમણે ઇન્સ્પેક્ટરનો રોલ 144 વખત કર્યો હતો !  કહે છે કે એમણે પોતાના માપનો ઇન્સ્પેક્ટરનો ડ્રેસ જાતે જ સીવડાવી રાખેલો !  જોકે વિજુ ખોટેને એવું મુડીરોકાણ કરવાની જરૂર નહોતી પડી કેમકે એમને ભલે નાના મોટા રોલ મળતા પણ એમાં વરાયટી ઘણી હતી.

છતાં જોવાની વાત એ છે કે ‘શોલે’ના એકમાત્ર ડાયલોગવાળું પાત્ર ફેમસ થઈ ગયું !  વિજુ ખોટેનું બીજું ફેમસ પાત્ર કદાચ ‘અંદાજ અપના અપના’ (1994)નું હતું. જેમાં તે વિલનના ચમચાનો રોલ કરે છે અને તેના દરેક ખતરનાક આઇડિયા ફ્લોપ ગયા પછી કહે છે : ‘સોરી, ગલતી સે મિસ્ટેક હો ગયા !’

વિજુ ખોટે પોતે નાના કલાકાર હતા અને 2020માં આવેલી ‘કામયાબ’ નામની ફિલ્મમાં એવા જ નાના કલાકારનો રોલ પણ કરેલો. જોકે ફિલ્મ રીલીઝ થાય અને પોતે એ રોલ જોઈ શકે એ પહેલાં 30 સપ્ટેમ્બર, 2019ના રોજ એમનું મૃત્યુ થયું. આમાં ભગવાનની જ ‘ગલતી સે મિસ્ટેક’ કહેવાય ને !

- મન્નુ શેખચલ્લી

***


E-mail :mannu41955@gmail.com

Comments

Post a Comment