બોર્ડર ઉપર વૉર !

દિલ્હીની એક નાનકડી ન્યુઝ ચેનલની ઓફિસમાં એક રિપોર્ટરનો ફોન આવ્યો :

‘સર, આપણી ચેનલ માટે બહુ જોરદાર મામલો છે !’

‘અચ્છા ? શું છે ? મર્ડર-બર્ડર થયું છે ?’

‘ના ના !’

‘તો કોઈ મોટી હસ્તિનું લફરું બહાર આવ્યું છે ?’

‘ના ના, સર એનાથી પણ મોટું છે !’

‘અચ્છા ? કંઈ કોમી રમખાણનો મામલો હાથ લાગ્યો લાગે છે !’ 

‘અરે, એનાથી પણ મોટું છે !’

‘અચ્છા ? શું છે ?’

‘સર ! વૉર ફાટી નીકળી છે વૉર ! સર ! તોપો પહોંચી ગઈ છે ! ફાયરીંગ પણ ચાલુ થઈ ગયું છે !’

‘ઓહો એટલું બધું ?’

‘અરે સર, એ તો ઠીક, ત્યાં કેમિકલ્સનો ઉપયોગ થઈ રહ્યો છે ! અને સર, તમને શું કહું ? ડ્રોન વિમાનો વડે કેમિકલ ગેસ છોડાઈ રહ્યો છે !’

‘શું વાત કરે છે ? આ તો જબરદસ્ત મામલો છે !’

‘તો સર, હું ત્યાં પહોંચી જાઉં ? સાથે એક કેમેરામેનને લેતો જઈશ !’

‘અલ્યા, તારામાં આટલી હિંમત ક્યારથી આવી ગઈ ? તને કંઈક થઈ ગયું તો ?’

‘સર મને કંઈ નહીં થાય. તમે ચિંતા ના કરો !’

‘હા પણ તું આઘેઆઘેથી બધું શૂટિંગ કરી લાવે તો મને શું ફાયદો ?’

‘ના ના સર ! હું છેક બોર્ડર પર જઈને એકેએક ઘટનાનું જોરદાર કવરેજ કરીશ !’

‘એ તો ઠીક છે... પણ યાર, છેક બોર્ડર સુધી જવાનો ખર્ચો...’

‘સર, થોડો ખર્ચો તો કરવો પડશે ને ? સામે મસાલો પણ જોરદાર જ છે ને ! ડ્રોન... કેમિકલ્સ... ફાયરિંગ... તોપ...’

‘ઠીક છે... કઈ બોર્ડર ઉપર જવાનો છે ? એલઓસી ? ડોકલામ બોર્ડર ? રાજસ્થાન બોર્ડર ? કચ્છ બોર્ડર ?’

‘ના ના સર, એટલે બધે દૂર નથી જવાનું ! આ તો જસ્ટ શંભુ બોર્ડર જવાનું છે !’

‘શંભુ બોર્ડર ? એ વળી ક્યાં આવી ?’

‘હરિયાણા બોર્ડર સર ! ત્યાં ખેડૂતો સામે ગોળીબાર, ટિયરગેસ અને વોટર કેનન યાને કે પાણીની તોપ વડે -’

(ફોન કટ થઈ જાય છે... પણ ચેનલનો માલિક મુંઝાઈ ગયો છે કે સાલું, આપણી બોર્ડરો આપણા જ દેશની અંદર ક્યારે આવી ગઈ ?)

***

- મન્નુ શેખચલ્લી

Comments

  1. Lalit Lad (Mannu Shekhchalli)-You are genius! Hats off to you. Keep writing-we are enjoying!!

    ReplyDelete

Post a Comment