હેં અલ્યા... એવું કેવું ?

આજકાલ અમુક ઘટનાઓ એવી બની રહી છે કે સમજવું અઘરું છે ! છેવટે આપણે એટલું જ કહેવું પડે  કે ‘હેં અલ્યા… એવું કેવું?’ દાખલા તરીકે…

*** 

કતારમાં ફાંસીની સજા પામેલા આપણા ભૂતપૂર્વ નેવી અફસરોને નિર્દોષ છોડાવી લાવ્યા એને ભારતની કુટનીતિનો વિજય કહેવાય...

પણ વિજય માલ્યા અને મેહુલ ચોકસી જેવા ભારતમાં જ સાદી કેદના ગુનેગારો હોય એવા કૌભાંડીઓને હજી વિદેશમાંથી પાછા લાવી શકાતા નથી !

- હેં અલ્યા... એવું કેવું ?

*** 

એક બાજુ આપણા વાહન વ્યવહાર મંત્રી દાવો કરે છે કે દેશમાં રોજના ૨૦ કિલોમીટર જેટલા નવા હાઈવે સતત બની રહ્યા છે !

અને બીજી બાજુ પંજાબથી દિલ્હી આવતા હાઈવે ઉપર લોખંડના ખીલાઓવાળા પટ્ટા અને સિમેન્ટના મોટા મોટો ગર્ડરો મુકાઈ ગયા છે !

- હેં અલ્યા, એવું કેવું ?

*** 

આપણા જ દેશમાં આપણા જ ભગવાન રામના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા આપણા જ દેશના વડાપ્રધાન કરે એની સામે હજારો લોકોને વાંધો હતો...

પણ એ જ વડાપ્રધાને યુએઈ જઈને ત્યાં એક મંદિરનું ઉદ્‌ઘાટન કર્યું એમાં યુએઈ નામના દેશમાં કોઈને કશો વાંધો જ નથી !

- હેં અલ્યા... એવું કેવું ?

*** 

બાંગ્લાદેશના વડાપ્રધાને વિરોધપક્ષના લગભગ તમામ નેતાઓને જેલભેગા કરીને ચૂંટણી જીીત લીધી એમાં ખાસ ઉહાપોહ ના થયો...

પણ પાકિસ્તાનમાં ફક્ત એક જ નેતાને જેલભેગો કરીને ચૂંટણી થઈ ગઈ તો અહીં ચાર દિવસથી કલબલાટ ચાલી રહ્યો છે !

- હેં અલ્યા... એવું કેવું ?

*** 

અને ગઈકાલે વેલેન્ટાઇન ડે પત્યો ત્યાં સુધીમાં ગિફ્ટ શોપ, કાર્ડ શોપ, ચોકલેટ શોપ અને ફ્લાવર શોપમાં ઢગલાબંધ ઘરાકી થઈ ગઈ...

પરંતુ જે પાર્ટી ‘મુહોબ્બત કી દુકાન’ ચલાવે છે તેમાંથી અનેક લોકો છોડી છોડીને જઈ રહ્યા છે !

- હેં અલ્યા... એવું કેવું ?

***

- મન્નુ શેખચલ્લી

Comments