ચૂંટણીપંચે ચૂકાદો આપી દીધો કે મહારાષ્ટ્રમાં અજીત પવારની NCP જ અસલી NCP છે ! આ જ વાત ઉપર એક કાર્ટુન આવ્યું છે. જેમાં ચૂંટણીપંચના અધિકારી અજીત પવારનો હાથ પકડીને શરદ પવારને કહે છે કે ‘આ જ શરદ પવાર છે ! તમે નહીં !’
***
અમે અમારા ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઇડ સમા રણઝણસિંહ પાસે જઈને બ્રેકિંગ ન્યુઝ સંભળાવ્યા :
‘લ્યો, હવે મહારાષ્ટ્રમાં બે NCP અને બે શિવસેના થઈ ગઈ !’
‘બે શેની? સેના તો ત્યાં ત્રણ-ત્રણ છે !’
‘ત્રીજી સેના વળી કઈ ?’
‘કેમ ઓલ્યા રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નિર્માણ સેના નહીં ? ઈ યે શિવસેનાની પિતરાઈ બહેન જ થઈ ને !
‘આ જબરું ચાલ્યું છે. પાર્ટીઓની ડુપ્લીકેટો બનતી ચાલી છે.’
‘ઇન્ડિયાના પોલિટીક્સમાં એની નવાઈ જ ક્યાં છે ? જો તામિલનાડુમાં બે DMK છે, એક DMK અને બીજી AIDMK !’
‘હા ! કોમ્યુનિસ્ટ પાર્ટી પણ બે છે. એક CPI અને બીજી CPM !’
‘ઓ ભાઈ એમાંય હજી ઘણી માસિયાઈ બહેનો છે ! એક CPI માકિર્સસ્ટ-લેનિનીસ્ટ છે, બીજી CPI લેનિનીસ્ટ – માઓઇસ્ટ છે, ત્રીજી CPI માઓઇસ્ટ-નેક્સેલાઇટ છે ! હજી એક રિવોલ્યુશનરી સ્પેશિયાલિસ્ટ પાર્ટી છે અને એક ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક છે ! આ હંધીય પાર્ટીયુંની દાદીમા કોમ્યુનિસ્ટ પાર્ટી છે !’
‘ઓહોહો... ભારે મોટો વસ્તાર છે !’
‘વસ્તાર તો સૌથી મોટો કોંગ્રેસનો છે ! ઇન્દિરાજી વખતે બે ભાગલા પડ્યા એમાં એક કોંગ્રેસ (આઈ) થઈ, બીજી કોંગ્રેસ (S) થઈ. પછી કોંગ્રેસ (એસ)નું જનતા દળ થયું... જનતાદળમાં ય બે થયાં. એક નિતીશ કુમારનું JDU અને બીજું દેવગૌડાનું JDS... પેલી બાજુ કોંગ્રેસમાંથી જ શરદ પવારની NCP બની, મમતા બેનરજીની તૃણુમુલ કોંગ્રેસ બની, ચિદમ્બરમ્ની તામિલ મનિલા કોંગ્રેસ બની, આંધ્રપ્રદેશમાં જગન રેડ્ડીની YSRC યાને કે યુવાજન શ્રમિક રાયથુ કોંગ્રેસ બની... ભૂતકાળમાં બીજુ પટનાયકની ઉત્કલ કોંગ્રેસ, જગજીવન રામની કોંગ્રેસ ફોર ડેમોક્રસી... એ કે એન્થનીની કોંગ્રેસ (એ), પ્રણવ મુખરજીની રાષ્ટ્રિય સમાજવાદી કોંગ્રેસ...’
‘બાપલ્યા ! થાકી ગ્યા ગણતાં ગણતાં ! પણ આ ભાજપ એકની બે કેમ નથી થાતી ?’
‘ઇ થાશે ત્યારે બેની બાવીસ થાશે ! થોડાં જ વરસની વાર છે...’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment