આજે વેલેન્ટાઈન ડે છે એટલે આ લવ-સ્ટોરી કહી શકાય. સ્ટોરીમાં એવું છે કે આખો મામલો ‘બેનને કોઈ લેતું નહોતું અને ભાઈને કોઈ દેતું નહોતું’ એવો હતો.
અ.સૌ. નીલમબેન (મૂળ અમદાવાદ, હાલ સાસરું નડીયાદ)ની એકની એક દિકરી જિગુ ઉર્ફે જીજ્ઞાનો જમણો કાન બહેરો હતો અને ડાબી આંખ ફાંગી હતી. આ વાત આખા નડિયાદ ઉપરાંત આખા ગુજરાતમાં ફેલાયેલી એમની નાતમાં સૌને ખબર હતી. ઉપરથી જિગુ બિચારી નવમુ ફેલ છે એ વાત પણ નડિયાદની નિશાળનાં 499 છોકરાંઓને ખબર હતી કેમકે જિગુડી સાતમામાં, આઠમામાં અને નવમામાં બબ્બે વાર નપાસ થયેલી હતી.
પેલી તરફ શ્રીમાન નિરંજનભાઈ (મૂળ નડિયાદ, ભણતર અમદાવાદ અને હાલ – કેનેડા)નું પણ એવું જ હતું. એમનો એકનો એક દિકરો જેગ્સ ઉર્ફે જિજ્ઞેશનો ડાબો કાન પરમેનેન્ટ હડતાળ પાડીને બેઠો હતો અને જમણી આંખ સતત ડાબી આંખને શોધતી હોય એમ ત્રાંસી જ રહેતી હતી.
ઉપરથી જેગ્સે કેનેડામાં પણ ભણતર ખાતામાં કશું જમા કરાવ્યું નહોતું છતાં એના લગ્ન માટેના બાયોડેટામાં આઈટી પોસ્ટ ડિપ્લોમા ઇન ટોરેન્ટો યુનિવર્સિટી અને જોબના ખાનામાં મેનેજર ઇન રેપ્યુટેડ સોફ્ટવેર કંપની એવું નિરંજનભાઈએ જાણી જોઈને લખાવેલું.
આ બાજુ જીગુડીની મમ્મીએ પણ હથેળીમાં ચમચી ભરીને મિનરલ વોટર લઈને, ગેસની સગડીની સાક્ષીએ સોગંદ લીધેલાં કે મારી જિગુડીને હું પરણાવીને જ જંપીશ ! એટલા ખાતર અ.સૌ. નીલમબેને પણ મેરેજના બાયો-ડેટામાં જીગુડીનું ભણતર બી.કોમ. (ફર્સ્ટ ક્લાસ) અને હોબી : કુકીંગ એન્ડ ગરબા ડાન્સિંગ લખાવેલું.
બન્ને પાર્ટીએ પોતપોતાની સગવડ અને બજેટ મુજબના ઓનલાઇન મેરેજ બ્યુરોમાં પોતાના (ફેક) પ્રોફાઇલ નોંધાવી રાખેલા. પણ નસીબ કહો કે કમનસીબ, બન્ને પાર્ટીને સામસામી એન્ટ્રીઓ મળી નહોતી. જીગુડીની મમ્મી રોજ સવાર પડે ને તુલસી-ક્યારે પાણીનો લોટો રેડ્યા પછી તરત જ મોબાઇલ ખોલીને જુએ કે મારી રૂપાળી દિકરી માટે આજે કંઈ ઇન્કવાયરી આવી છે ?
ઇન્કવાયરી આવતી પણ ખરી. પણ અ.સૌ. નીલમબેનનો સ્વભાવ એટલો ચીકણો કે તરત જ ફોનમફોની કરીને સામી પાર્ટીની ઝીણામાં ઝીણી ડિટેઈલોની ખણખોદ કરવા માંડે ! છોકરો ખરેખર કેટલું ભણેલો છે ? એ લોકો ખરેખર કેટલું કમાય છે ? આ મર્સિડીઝ આગળ ઊભા રહીને જે ફોટો પડાવ્યો છે એની નંબર પ્લેટ ઉપરથી ચેક કરોને, એનો માલિક ખરેખર કોણ છે ?
જિગુડીના પપ્પા દર વખતે કહી કહીને થાક્યા કે ‘તું આટલી બધી પડપૂછ કરે છે, પણ આપણી જ લગડી આઇટમમાં જે લોચા છે એનું શું ? સત્તર ફિલ્ટરો નાંખીને ફોટા પડાવ્યા છે અને ફોટોશોપ મંતરી મંતરીને એને રૂપાળી બનાવી છે, પણ જ્યારે સામેની પાર્ટીને ફેસ-ટુ-ફેસ મળવા જશે ત્યારે… આપણી નુકસાની આઈટમની પોલ ખુલી જશે, એનું શું ?’
જોકે અ.સૌ. નીલમબેન એ બાબતમાં ઓવર કોન્ફીડન્ટ હતાં. એ કહેતાં : તમને આમાં સમજ ના પડે. એકવાર પ્રોપર પાર્ટી મળી જાય પછી ખબર પડે એવો ટાઇમ જ નહીં આપવાનો ! ફટાફટ ફેરા જ ફેરવી નાંખવાના !
જિગુડીના પપ્પા પૂછતા કે ‘એ પછી?’ પણ આ સવાલ જિગુડીની મમ્મી એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાંખતી હતી પણ જિગુડી શું કરશે ? એના બીજા કાનમાં તો ‘નો એન્ટ્રી’ અને નો ‘એક્ઝિટ’ બન્ને એકસાથે છે !
આમ કરતાં કરતાં તો મેરેજબ્યુરોવાળા પણ કંટાળી ગયા હતા. હવે તો એમના એવા મેસેજો આવતા હતા કે તમને મોટી ઉંમરની કેટેગરીમાં અથવા ડિવોર્સ થયેલી કેટેગરીમાં ઇન્ટ્રેસ્ટ ખરો ? જો એવું હોય તો…
એવામાં એક દિવસે અ.સૌ. નીલમબહેને અચાનક ફાઇનલ કરી નાંખ્યું : ‘લો જુઓ ! આ કેનેડાવાળો છોકરો કેવો લાગે છે ? મેં તો ડન કરી દીધું છે ! એમના તરફથી પણ યસ આવી ગયું છે !’
‘પણ તેં કંઈ ઇન્કવાયરી - ’ જિગુડીના પપ્પાની વાત અડધેથી કાપી નાંખતા મમ્મીએ કહી દીધું. ‘એમાં ઇન્કવાયરી શું કરવાની ? એમનો ફેમિલી ફોટો જોતાં જ સમજાઈ ગયું કે બધું ઓક્કે જ છે ! મેં તો છોકરાના પપ્પા જોડે ફોન પર વાત પણ કરી લીધી છે !”
જિગુડીના પપ્પાના ગળામાંથી હજી સરખી રીતે 'હેં ?' નીકળે એ પહેલાં તો બધું ‘ઓક્કે’ અને ‘ડન’ થઈ ગયું !
‘જુઓ, હું અને જિગુ અહીંથી મુંબઈ જઈશું. ત્યાં ટોરેન્ટોથી જેગ્સ અને એના ડેડી ડાયરેક્ટ ફ્લાઈટમાં મુંબઈ આવશે. મુંબઈમાં જ કોર્ટ-મેરેજ થઈ જશે. પછી જિગુડી એની માસીને ત્યાં થોડા દિવસ મુંબઈમાં રહેશે અને જિગ્સ બીજા દિવસે ફ્લાઈટમાં ટોરેન્ટો બેક જતો રહેશે !’
‘અને એના પપ્પા ?’
‘ઓહ, એના પપ્પાને સુરતમાં અને અહીં નડિયાદમાં થોડી પ્રોપર્ટીનું કામ છે એટલું હું એમની જોડે બાય રોડ રિટર્ન થઈશ !’
બધું જ નીલમબેનના પ્લાનિંગ મુજબ જ થયું ફક્ત આઉટ-ઓફ-પ્લાનમાં એવું થયું કે બાય રોડ આવતાં ટેક્સી ટ્રાફિક-જામમાં પાંચ કલાક માટે ફસાઈ ગઈ ! પછી એની બેટરી ઉતરી ગઈ ! એટલે વચ્ચે ગામડામાં રોકાઈ જવું પડ્યું ! અને સુરતની પ્રોપર્ટીના કામમાં પણ ધાર્યા કરતાં સાત દિવસ વધારે થઈ ગયા.. પણ બધું પતી ગયું ! હાશ !
- હવે તમે પૂછવાના કે આમાં લવ-સ્ટોરી ક્યાં છે ?
તો વાત એમ છે કે અ.સૌ. નીલમબેન (હાલ નડિયાદ મૂળ અમદાવાદ) અને શ્રીમાન નિરંજનભાઈ (મૂળ નડિયાદ અભ્યાસ અમદાવાદ) જુવાનીમાં અમદાવાદમાં એક જ કોલેજમાં સાથે ભણતા હતા !
અને જ્યારે નીલમનાં લગ્ન થયાં ત્યારે નિરંજને ચીઠ્ઠી મોકલેલી કે ‘દોનોં ને કિયા થા પ્યાર મગર, મુઝે યાદ રહા… તૂ ભૂલ ગઈ…’ પણ નીલમ ભૂલી નહોતી ! પેલો ફેમિલી ફોટો ઓનલાઇન જોતાં જ…
(બોલો, હવે તો લવ-સ્ટોરી થઈ ને?)
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Nice 🙂
ReplyDelete