છેલ્લા થોડા મહિનાથી દેશના પોલિટીકલ બજારમાં નવી નવી પ્રોડક્ટો આવી છે ! હવે એનો રિવ્યુ પણ થવો જોઈએ ને…
***
BJP બ્રાન્ડ વોશિંગ પાવડર
બજારમાં સૌથી હિટ રહેલી આ પ્રોડક્ટ ભલભલા ભ્રષ્ટ નેતાના ચરિત્ર અને કેરિયર ઉપર લાગેલા દાગને ચપટીમાં સાફ કરી આપે છે !
નવાઈની વાત એ છે કે આ પ્રોડક્ટ અપનાવવા માટે ગ્રાહકે પૈસા આપવા નથી પડતા ! ઉલટા સામેથી પૈસા મળે છે !
***
I.N.D.I.A. બ્રાન્ડ એધેસિવ
છ સાત મહિના પહેલાં લોન્ચ થયેલી આ પ્રોડક્ટ નાની મોટી પાર્ટીઓને જોડવા માટે હતી. બજારમાં આવતાંની સાથે જ દેશભરમાં હલચલ મચાવી ચૂકેલી આ બ્રાન્ડ બંગાળ અને પંજાબના માર્કેટોમાં ફેઇલ ગઈ છે એવા રિપોર્ટો પછી તેની બ્રાન્ડ વેલ્યુ આજકાલ ઘટી ગઈ છે.
***
યોગી બ્રાન્ડ બુલડોઝર
મૂળ મહારાષ્ટ્રના સંજય રાઉતના કોપીરાઈટ હતા. એ પ્રોડક્ટને યુપીના યોગીજીએ અપનાવીને તેનું જોરદાર માર્કેટીંગ કર્યું. પરંતુ તાજેતરમાં એ પ્રોડક્ટની ફ્રેન્ચાઇઝી ઉત્તરાખંડમાં લોન્ચ કરવા જતાં ઘણા ડખા થયા છે. પ્રોડક્ટની સાઈડ ઇફેક્ટમાં આગજની, પથ્થરમારો તથા વાહનોની તોડફોડ બહાર આવતાં ઉત્તરાખંડની ફ્રેન્ચાઈઝીના રીવ્યુ બગડી રહ્યા છે.
***
ગુજરાત બ્રાન્ડ ડુપ્લીકેશન
આ એક એવી અફલાતૂન બ્રાન્ડ છે જેમાંથી તમે ધારો તેવી ડઝનબંધ ડુપ્લીકેટ પ્રોડક્ટો બનાવી શકો છો ! જેમકે ડુપ્લીકેટ ટોલનાકું, ડુપ્લીકેટ સરકારી ઓફિસ, ડુપ્લીકેટ PM ઓફિસર, ડુપ્લીકેટ પોલીસો, ડુપ્લીકેટ વૈજ્ઞાનિક, દેશનું બજાર રાહ જોઈને બેઠું છે કે હવે ડુપ્લીકેટ EVM મશીન ક્યારે લોન્ચ થશે !
***
પલટુરામ બ્રાન્ડ ટ્યુબલાઈટો
જેનું હાઈએસ્ટ પરફોર્મન્સ બિહારમાં જોવા મળ્યું છે તેવી આ ટ્યુબલાઇટો દેશભરમાં પ્રચલિત થઈ રહી છે. આમાં ગ્રાહકને જાતજાતની ટ્યૂબલાઇટો થાય છે… ‘મારું સન્માન નહોતું જળવાતું’ ‘હું ખોટી જગ્યાએ હતો’ ‘ફરી ઘરે પાછો આવ્યો છું’ ‘મારા સિધ્ધાંતો જ મને ખેંચી લાવ્યા છે !’ અને બેસ્ટ-ટ્યુબલાઇટ… ‘હું લોકોની સેવા કરવા અહીં આવ્યો છું !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment