ધર્મ અને રાજકારણ !!

આજકાલ જોરશોરથી ચર્ચા ચાલી રહી છે કે ધર્મ અને રાજકારણને એકબીજાથી અલગ રાખવા જોઈએ કે નહીં ? તો ચાલો, આપણે એ બન્નેને અલગ અલગ રાખીને જ સરખામણી કરી જોઈએ…

*** 

રાજકારણમાં તમારે ટેક્સ આપવો પડે છે. પણ ટેક્સ આપવાનું કોઈને ગમતું નથી.
ધર્મમાં તમારે દાન આપવાનું હોય છે. જે સૌ હોંશેહોંશે આપે છે.

*** 

ટેક્સ આપ્યા પછી લોકો હિસાબ માગે છે.
દાન આપ્યા પછી લોકો ફક્ત આશીર્વાદ જ માગે છે !

*** 

ધર્મમાં કહેવાય છે કે ઉપરવાળો બધું જુએ છે.
રાજકારણમાં આજકાલ કહેવાય છે કે ED બધું જુએ છે !

*** 

રાજકારણમાં હોય તેમણે રોડ, હોસ્પિટલો, સ્કુલો, કોલેજો, તળાવો, ડેમો, નહેરો, રેલ્વે સ્ટેશનો, એરપોર્ટો અને શૌચાલયો પણ બનાવી આપવાં પડે છે.

ધર્મસ્થાનોમાં એવું કશું નથી. એમાં તો બસ, ધર્મસ્થાનો જ ભવ્ય બનાવવાનાં હોય છે.

*** 

ધાર્મિક ગુરુ જે બોલે તેને સૌ જ્ઞાન માને છે.
રાજકીય નેતા જે બોલે તેને સૌ બકવાસ માને છે !

*** 

રાજકીય નેતાઓ વચનો આપે છે. પોતે પાળે છે કે નહીં, તેનાથી તેમને ફેર તો પડે છે.

ધાર્મિક ગુરુઓ આશીર્વાદ આપે છે... ફળે છે કે નહીં, તેનાથી ખાસ ફેર પડતો નથી.

*** 

છતાં રાજકીય નેતાઓ ઉપર કોઈને ભરોસો નથી.
પરંતુ ધાર્મિક ગુરુઓ ઉપર સૌને ભરોસો છે.

*** 
નેતાઓ ગરીબો પાસે વોટ માગે છે અને ધનવાનો પાસે નોટ માગે છે.
ધર્મસ્થાનો ગરીબો પાસે શ્રધ્ધા માગે છે અને અમીરો પાસે દાન માગે છે.

*** 

રાજકીય નેતાઓ મંડ્યા છે કે બધું સ્વચ્છ રાખો, આખું ભારત સ્વચ્છ રાખો !
ધાર્મિક ગુરુઓ કહે છે કે ફક્ત તમારું અંતરમન સ્વચ્છ રાખો, બસ.

*** 

નેતાઓ સરઘસ કાઢે છે, રોડ શો કરે છે.
ધર્મવાળા શોભાયાત્રા કાઢે છે.

- પણ એક નેતાએ થોડાં વરસો પહેલાં રથયાત્રા કાઢી, એમાં જ ભેળસેળ થવા માંડી !

*** 

ધર્મ કહે છે, આયુષ્યમાન ભવ !
નેતા કહે છે, આયુષ્યમાન કાર્ડ લઈ લો !

*** 

ધર્મસ્થાનોમાં ગરીબોને, ભૂખ્યાઓને મફતમાં ભોજન મળે છે.
પણ રાજકારણમાં તો ગરીબોને છેક ઘેરબેઠાં અને મફતમાં અન્ન પહોંચાડે છે !

સાલું, કન્ફ્યુઝિંગ છે, નહીં ?

***

- મન્નુ શેખચલ્લી

Comments