‘શોલે’માં સાવ બે ડાયલોગ બોલનારાં કેરેક્ટરો પણ ફેમસ થઈ ગયાં, ત્યાં ઠાકુરના વિશ્વાસુ નોકર રામલાલને તો એ હિસાબે આખેઆખો નિબંધ બોલવા મળ્યો કહેવાય ને ? કેમ કે જયા ભાદૂરી જ્યારે હસતી ખેલતી નવી વહુ હતી ત્યારે કેવી હતી, એનો આખો ફ્લેશ-બેક રામુકાકાને મોઢે કહેવાય છે ! પણ બોસ, જોવાની વાત એ છે કે ‘શોલે’ના ડાયલોગોની આખેઆખી કેસેટ બહાર પડી હતી એમાં રામુકાકાનો એકપણ ડાયલોગ હતો જ નહીં ! કેવું કહેવાય નહીં ?
જોવાની વાત એ પણ છે કે આજે તમે ‘શોલે’ જોવા બેસો તો રામુકાકાની વિગ રીતસર ચોંટાડેલી લાગે છે ! સવાલ એ પણ છે કે જો ગબ્બરે ઠાકુરના આખા ફેમિલીને ગોળીઓથી વીંધી નાંખ્યું તો ફક્ત રામુકાકા અને જયા ભાદુરીને શા માટે જીવતા છોડ્યાં ? એનો ફની જવાબ અમારા જમાનામાં એવો ચાલતો હતો કે ગબ્બરે ઠાકુર માટે વહુને ખવડાવવા માટે રાખી મુકી અને રામુકાકાને ‘ધોવડાવવા’ માટે રાખી મુકેલા !
પણ બોલો, આ રામુકાકા યાને કે અભિનેતા સત્યેન કપ્પુ ઉપર એક આખેઆખું ગાયન પણ પિક્ચરાઈઝ થયું છે ! યાદ છે ? અરે ‘હાથ કી સફાઈ’નું ગાયન… ‘ઉપરવાલે તેરી દુનિયા મેં…’ એમાં સત્યેન કપ્પુ રીતસર ખિસ્સાં કાતરવાની નિશાળ ચલાવે છે ! (આજે અલગ વાત છે કે નિશાળો મા-બાપનાં ખિસ્સા કાતરવા માટે ચાલતી હોય છે.)
ઓક્ટોબર 2007માં જેમનું અવસાન થયું એ સત્યેન કપ્પુની છેલ્લી ફિલ્મ 2006માં આવી ત્યાં સુધીમાં આ વર્સેટાઇલ કલાકાર હિન્દી, ગુજરાતી, મરાઠી અને ભોજપુરી ફિલ્મોમાં મળીને ટોટલ 350 જેટલા રોલ ભજવી ચૂક્યા હતા !
સોરી, રોલ તો એ જમાનામાં ફિક્સ હતા ને ? કાં તો ગરીબ બાપ, કાં તો ઇમાનદાર ઇન્સ્પેક્ટર, અથવા કોર્ટમાં વકીલ કે પછી નાનો કોમેડીયનનો રોલ ! જોકે સત્યેન કપ્પુએ એના આસપાસના ઓમપ્રકાશ, નઝીર હુસેન, સજ્જન, કનૈયાલાલ કે મનમોહન ક્રિશ્ના જેવી કોઈ ટિપિકલ વિચિત્ર અવાજની કે દોઢ-ચાંપલી ચાલ-ઢાલની સ્ટાઇલ અપનાવી નહોતી એટલે સાલું, ખ્યાલ જ નહોતો રહેતો કે બોસ, આ માણસને આપણે વરસમાં આ ચૌદમી ફિલ્મમાં જોયો !
જોકે તકદીર જુઓ સત્યેન કપ્પુનું કે જે 1961માં ‘કાબુલીવાલા’ ફિલ્મમાં પહેલો રોલ મળ્યો ત્યારે ભાઈસાહેબ હતા 30 વરસના, છતાં માથાના વાળમાં ધોળો કલર ચોપડીને એમને ડિરેક્ટર બિમલ રોયે 55 વરસના બનાવી દીધેલા ! પણ સત્યેન કપ્પુ કદી હિરો બનવા જ નહોતા માગતા. (આમાં એવું ના કહી શકો કે ‘દ્રાક્ષ ખાટી છે’ કેમકે આમાં ‘ભાવતું ’તું ને વૈદે કીધું’ એવી વાત છે.)
અચ્છા, ‘ભાવતું તુ’ ને વૈદે કીધું’ વાળી વાતમાં પણ એવું છે કે દસ દસ વરસ સુધી હિન્દી ફિલ્મોમાં મળનારા નાના-નાના રોલની સંખ્યા માંડ દસ-પંદર જ હતી પરંતુ એક હિન્દી નાટકના એક જ શો વડે આખી કરિયરની ટ્રેન રાતોરાત એક્સ્પ્રેસ ગાડીના પાટા ઉપર ચડી ગઈ !
એ એક જ રાત્રે એમને ત્રણ ત્રણ મોટી ફિલ્મોમાં મહત્વના રોલ મળી ગયા. એક હતી ‘જવાની દિવાની’ જેમાં સત્યેન કપ્પુ રણધીર કપૂરના નકલી મોટાભાઈ બનીને કોમિક એન્ટ્રી મારે છે બીજી હતી ‘સીતા ઔર ગીતા’ જેમાં તે હેમામાલિનીના (સીતાના) કાકા બને છે અને ત્રીજી હતી શક્તિ સામંતની ‘કટી પતંગ’ !
આ નાટક મૂળ તો મરાઠી લેખક પુ. લ. દેશપાંડેનું હતું અને સત્યેન કપ્પુ મરાઠીમાં અનેકવાર ભજવી ચૂક્યા હતા પણ પહેલીવાર જ્યારે હિન્દીમાં ભજવાયું ત્યારે નાટકના પ્રોડ્યુસરે થોડી ફિલ્મી હસ્તિઓને જોવા માટે આમંત્રણ આપેલું. આ નાટકમાં સત્યેન કપ્પુ એવા ચગ્યા કે શો પતતાંની સાથે જ વારાફરતી ત્રણ પ્રોડ્યુસરોએ એમને પોતાનાં વિઝિટિંગ કાર્ડ પણ પહોંચાડીને કીધેલું કે ‘જરા મળી જજો ને !’
પરંતુ આ રાતોરાત ત્રણ મોટા રોલ સુધીની સફર જરા ટેઢીમેઢી હતી. સત્યેન કપ્પુનું મૂળ નામ સત્યેન્દ્ર શર્મા. જન્મ્યા મુંબઈમાં, 1931માં. એક જમાનામાં એમના પિતાજીની આઇસ્ક્રીમની ફેકટરી હતી. ‘ડિલાઇટ કુલ્ફી’ મુંબઈની જાણીતી બ્રાન્ડ હતી. પરંતુ સંજોગો પલટાયા. મા અને બાપ બન્નેનું મૃત્યુ થયું. અનાથ સત્યેન્દ્ર અને એના ભાઈ રાધેશ્યામને એમના પરિવારજનોએ હરિયાણાના કુરુક્ષેત્રમાં સંસ્કૃત ગુરુકુલમાં ભણવા મુકી દીધા.
અહીં સંસ્કૃત ભણતાં ભણતાં અને સંસ્કૃતમાં જ પૌરાણિક નાટકો ભજવતાં સત્યેન્દ્રને અભિનયનો રંગ ચડી ચૂક્યો હતો. ગુરુકુલ છોડ્યા પછી પંજાબના પાનીપતથી એ મુંબઈમાં અભિનેતા બનવા જ આવ્યા હતા. પરંતુ અગાઉ કહ્યું તેમ, હિરો તો બનવું જ નહોતું, એટલે IPTA નામની સંસ્થામાં જોડાયા. (જી હા, અહીંથી જ શૈલેન્દ્ર, કે. એ. અબ્બાસ, શૌકત આઝમી, સાહિર લુધિયાનવી, જેવી હસ્તિઓ ફિલ્મોમાં આવી.)
અહીંથી જ બિમલ રોયે એમનું હીર પારખીને ‘કાબુલીવાલા’ અને ‘બંદિની’માં નાના છતાં મહત્વના રોલ આપ્યા. જોકે ગુજરાન તો નાટકમાં જે પુરસ્કાર મળે (શો પતે પછી કવરમાં દરેકને પોતાના ભાવ મુજબ રૂપિયા મળે. ખોલીને જોઈ લેવાનું. ક્યારેક કવર ખાલી પણ હોય !) તેના વડે જ ચાલતું હતું. પરંતુ પેલી રાતના શો પછી તકદીર પલટાયું.
સત્યેન્દ્ર શર્માએ પોતાનું નામ પણ બદલ્યું. બાળપણમાં બધા એમને ‘કપ્પુ’ કહીને બોલાવા હતા એટલે ફિલ્મી નામ રાખ્યું : સત્યેન કપ્પુ !
લેખની શરૂઆત ‘શોલે’થી કરી તો એ પણ જોવા જેવી વાત છે કે સલીમ જાવેદની લખેલી ઘણી સ્ક્રીપ્ટો એમને મળી છે અને ફળી તો છે જ ! ‘સીતા ઔર ગીતા’ ઉપરાંત ‘દિવાર’માં અમિતાભ બચ્ચનનો ઇમાનદાર બાપ, જેની લાશ ટ્રેનમાં મળી આવે છે, ‘મજબૂર’માં મેઇન વિલનનો રોલ, ‘હાથ કી સફાઈ’માં પાકિટમારી સ્કુલના માસ્ટર, ‘જંજીર’માં ઇન્સ્પેક્ટર, જે નાના અમિતાભના પાલક પિતા બને છે, ‘યાદોં કી બારાત’માં જેક, ‘ઇમાન ધરમ’માં સરકારી વકીલ, ‘ડૉન’માં ઇન્સ્પેક્ટર વર્મા, ‘કાલા પથ્થર’માં રઘુનાથ ખાણ-મજદૂર.. અને હા, અમિતાભ સાથે ગણવા બેસો તો લગભગ બીજી વીસેક ફિલ્મો તો ખરી જ !
અને બોલો, 1988માં સત્યેન કપ્પુની 25 હિન્દી ફિલ્મો રીલીઝ થયેલી ! મરાઠી અને ભોજપુરી તો અલગ !
***
- મન્નુ શેખચલ્લી
E-mail :mannu41955@gmail.com
Comments
Post a Comment