ફ્રેન્ડના મેરેજમાં મસ્તી -3 !

મેરેજની સિઝન હોય, એમાંય મેરેજ ફ્રેન્ડનાં હોય, (કે ફ્રેન્ડના બાબાનાં હોય) તો એમાં થોડી ઘણી મસ્તી કરવાનો હક તો બને જ છે ને ! લો, આ થોડા વધુ નુસખા…

*** 

લાઇવ ઢોકળાનાં કાઉન્ટર પાસે જ્યાં લાંબી લાઈન ઘણી હોય ત્યાં જઈને કહેવું : ‘પેલી સાઇડે લાઈવ ઢોકળાનું નવું કાઉન્ટર હમણાં જ ખુલ્યું છે ! કોઈને રાહ ના જોવી હોય તો...’

*** 

વડીલો હાથમાં ડીશો લઈને ઊભા ઊભા જ્યાં પોલિટીક્સ વગેરેની ચર્ચા કરતા હોય ત્યાં જઈને અચાનક જ ભજીયું મુકવાનું ‘અમિત શાહ આવ્યા લાગે છે.. કોઈને મળવું હોય તો-’

*** 

મોટી પૈસાદાર પાર્ટીઓ જમતી હોય એની બાજુથી પસાર થતાં ધીમા છતાં સંભળાય એવા અવાજે બોલવાનું : ‘જલ્દી પતાવો... ઇન્કમટેક્ષની રેડ પડવાની છે !’

*** 

હાથમાં ડીશ લઈને જમતાં જમતાં ફૂડ પોઇઝનિંગના કિસ્સા જ સંભળાવ્યા કરો... ‘ફલાણા મેરેજમાં બાસુંદી ખાવાથી 80 જણાને ઝાડા ઉલટી થઈ ગયેલા...’ ‘ઢીકણાંને ત્યાં બાસુંદી વાસી હતી એમાં ફૂડ પોઇઝનિંગ થયેલું એમાં તો 40 જણાને બાટલા ચડાવવા પડેલા, બોલો !’

તમારું સાંભળીને બીજા લોકો પણ ફૂડ પોઇઝનિંગના કિસ્સા કહેવા માંડશે ! બસ, આ જ વખતે લાગ જોઈને કહેવાનું : ‘બોસ, આ બાસુંદીનો ટેસ્ટ કંઈ વિચિત્ર નથીલાગતો ? મેં તો હજી બે ચમચી જ લીધો છે. પણ...’

(પછી જુઓ મજા...!)

*** 

કોઈની ડીશમાં બહુ ઓછું લીધેલું દેખાય તો એને પૂછવાનું ‘કેમ ખાતા નથી ? કેટરિંગના બિઝનેસમાં છો ?’

*** 

ધીમું ધીમું ગાતા અને ધીમાં ધીમાં લાઈવ વાજિંત્રો વગાડનારા પાસે જઈને પૂછવાનું ‘અલ્યાઓ હજી ખાધુ નથી કે શું ? જરા જોરથી વગાડો ?’

*** 

પછી એમના માઈકમાં એનાઉન્સમેન્ટ કરાવવાની : ‘બહાર એક વ્હાઈટ કલરની ઇનોવા કારમાંથી ધૂમાડા નીકળી રહ્યા છે ! જેની હોય એ ઝડપથી પહોંચી જાય...’

*** 

છેલ્લે મુખવાસના કાઉન્ટર પાસે જઈને પૂછવાનું : ‘અહીં ડીશો કેમ નથી રાખી ?’

***

- મન્નુ શેખચલ્લી
મન્નુ શેખચલ્લી

Comments