લગ્ન દોસ્તનાં હોય અને એમાં દોસ્તારો મજાક મસ્તી ના કરે તો પછી મેરેજની મજા જ શું ?... અજમાવો અમુક સાવ નિર્દોષ નુસખા… (ગઈકાલથી આગળ)
***
વર-કન્યા સાથે ફોટા પડાવી લીધા પછી જતાં જતાં પાછા આવીને વરરાજાને એક સ્માર્ટફોન આપતાં કહેવાનું, ‘લે ! તારા ફોનમાંથી બધું ડિલીટ કરાવી નાંખ્યું છે ! હવે તું બિલકુલ સેફ છે !’
(આવું કન્યાને સંભળાય એ રીતે છતાં ધીમેથી કહેવાનું ! )
***
કન્યાને ઓલ-ધ-બેસ્ટ કહીને પછી ધીમેથી કાનમાં ફૂંક મારવાની ‘બી કેરફૂલ હોં ? મારા ફ્રેન્ડના હોઠ ઉપર મહિના પહેલાં જ પ્લાસ્ટિક સર્જરી કરાવેલી છે !’
***
સ્ટેજ ઉપરથી ઉતરતાં પહેલાં પેલાં કવર ભેગા કરીને કેશ ગોઠવી રહેલાઓને ખાસ પૂછવાનું ‘કેટલો વકરો થયો ? હજી ઘરાકી ખાસ નથી, નહીં ?’
***
(બુફે ડિનરોમાં પણ લાંબી લાઈનો લાગવા માંડે છે. ત્યાં પણ મસ્તી ચાલુ રાખો...)
લાઇનના છેડે હાથમાં ખાલી ડીશો ઊભા રહેલાઓને જોઈને પછી કહેવાનું ‘સાલું, કોઈ દુષ્કાળ રાહત છાવણીમાં આવી ગ્યા હોઈએ એવું નથી લાગતું ?’
***
કાઉન્ટર નજીક આવતું જાય એટલે ઊંચાનીચા થતાં કહેવાનું, ‘યાર, અહીં ટિફીન સર્વિસ નથી રાખી ?’
***
એકાદ ભાઈબંધ કહેશે ‘યાર, મારા પેટમાં તો બિલાડાં બોલે છે !’
તરત જ એને કહેવાનું ‘શું વાત કરે છે ? અહીં ચાઇનિઝ કાઉન્ટર ઉપર એવું બધું ખવડાવે છે ?’
***
ડીશમાં કાજુ કતરી મુકતાં પહેલાં કાઉન્ટરવાળાને કહેવાનું ‘ભાઈ, આ પેકિંગ તો બરાબર ખોલો ? આ ચોસલાંઓ ઉપર હજી એલ્યુમિનિયમની ફોઈલ ચોંટેલી છે !’
***
અને કોઈ ખિચોખીચ ભરેલી થાળી લઈને જતાં આન્ટીને અટકાવીને કહેવાનું : ‘વસૂલ છે, નહીં ?’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment