(ઇલેક્ટોરલ) બોન્ડ 007 !

બોન્ડ, માય નેમ વૉઝ ઇલેક્ટરોલ બોન્ડ !’
આવો ડાયલોગ બહુ ટુંક સમયમાં આપણને સાંભળવા મળશે. કેમકે 2018માં દાખલ કરવામાં આવેલાં ઇલેક્ટોરલ બોન્ડને સુપ્રીમ કોર્ટે રદ નાંખ્યાં છે !

હવે ? અરે, હવે વળી શું ? હવે ઇલેક્ટોરલ બોન્ડ નામના આ હિરોની યાદગાર સિક્વલો અને પ્રિક્વલો આવશે…

*** 

સ્કાયફોલ ’24 (આકાશ તૂટ પડા)
ઇલેક્ટોરલ બોન્ડ નામના હિરો જ પતી જવાને કારણે અમુક મોટાં મોટાં પ્રોડક્શન હાઉસોની કમાણી ઉપર જે રીતે આભ તૂટી પડ્યું છે એની ટ્રેજિક સ્ટોરી લઈને આવશે આ મુવી...

*** 

લીવ એન્ડ લેટ ડાઈ (જીયો ઔર મરને દો)
જિયો ફિલ્મ્સના બેનર હેઠળ આવનારી આ મેગા-બજેટ ફિલ્મમાં એક 56 ઇંચની છાતીવાળો હિરો એના દુશ્મનોને શી રીતે કચ્ચરઘાણ વાળે છે એની એક્શનથી ભરપૂર ફિલ્મનું સ્પેશીયલ ઇફેક્ટનું બજેટ જ સેંકડો કરોડનું હશે...

*** 

ડોક્ટર Know (જાણભેદુ જીગરવાળો)
છેલ્લા છ વરસથી ઈલેક્ટોરલ બોન્ડ નામનો એજન્ટ સુપર પાવરવાળો શી રીતે બની ગયો ? એનાં તમામ કારસ્તાનો જાણનારા એક જાણભેદુએ સુપર-પાવરની દૂંટીમાં જ તીર મારી દીધું છે ! હવે એ ઇલેક્ટોરલ બોન્ડ શી રીતે લડત આપશે ? એન્ડમાં હિરો કોણ સાબિત થશે ? અને વિલન કોણ નીકળશે ? ક્રિસ્ટોફર લોલનની સ્ટોરીને પણ ટક્કર મારે એવી આ ફિલ્મમાં RTI નામની હિરોઈનની એન્ટ્રી હજી બાકી છે...

*** 

ઓન હર મમ્મી’ઝ સિક્રેટ સર્વિસ
આમાં તો પેલો ઇલેક્ટોરલ બોન્ડ વિલન જ છે ! અને જે હિરો છે એ પોતાની મમ્મીની ‘ખોઈ હુઈ ઇજ્જત વાપસ’ લાવવા માટે મુહોબ્બત કી દુકાનને લારીમાં લઈને રોડ ઉપર નીકળી પડ્યો છે ! હવે મુહોબ્બત જીતશે કે નફરત ? જોવા માટે આજે જ એડવાન્સ બુકિંગ કરાવો...

*** 

ફોર યોર ED ઓન્લી
અહીં બોન્ડની સિક્રેટ એજન્સી MI16ને બદલે ED ગોઠવાઈ ગઈ છે ! ઇલેક્ટોરલ બોન્ડ હવે ભાગેડૂ બની ગયો છે ! પણ ED એને શોધવાને બદલે બીજાં ભલતાં જ ઠેકાણે ઇન્વેસ્ટીગેશનો કરતી રહે છે ! બીજી તરફ ઇલેક્ટોરલ બોન્ડ વેશપલટો કરીને ક્યાંને ક્યાં ઘૂસી રહ્યો છે... કયા કરેગી ED ? દેખિયે સિક્વલ મેં...

***

- મન્નુ શેખચલ્લી

Comments