આપણાવાળા જ્યારે ફોરેન ફરવા જાય ત્યારે હોંશથી કહેતા હોય છે કે ‘બોસ, એફિલ ટાવર એકવાર જોવો છે, હોં ?’ અથવા ‘નાયગ્રા ધોધનું બહુ સાંભળ્યું છે તો બોસ, જોઈએ તો ખરા ?’ અમુક અનોખા ગુજરાતીઓને તો વળી ઇટાલીમાં જઈને ‘રિયલ ઇટાલિયન પિઝા’ ખાવાના પણ ધખારા હોય છે. (જોકે બેંગકોક પતાયા જનારા કદી કશું કહેતા નથી.) પરંતુ જ્યારે આપણા NRIઓ અહીં આવે છે ત્યારે એમની પાસે પાક્કું ‘ટુ-ડુ’ (શું શું કરવું)નું લિસ્ટ હોય છે.
***
ચટાકેદાર વાનગીઓ ઝાપટવી છે
એમનું આખું ખાઉ-લિસ્ટ લગભગ રેડી હોય છે. ‘બોસ, ત્યાં આવીને આપણે તો બાજરીનો રોટલો, રીંગણનો ઓળો, ઘીવાળી ખિચડી-કઢી, લસ્સણની ચટણી, અડદ-મરીના તીખ્ખા પાપડ અને એવું સીધું સાદું દેશી જ ખાવું છે હોં…’
પણ આ તો માત્ર લિસ્ટની શરૂઆત છે. પછી ધીમે ધીમે એમાં ફરમાઈશો ઉમેરાતી જાય છે. ‘અહીંનું બેસ્ટ ઉંબાડીયું ક્યાં મળે ? સુરતી પોંક મળે ખરો ? પેલા ફેમસ વણેલા ગાંઠીયા ચટણી હાર્યે હોય છે ને, ઈ થઈ જાય ! તમારે ત્યાં ખાઉગલીમાં શું શું મળે ? અમારે ત્યાં ભેળપુરી મળે તો ખરી પણ યાર, આંયાં જેવી મજા જ નંઈ ને ? હાલો, કાંઈ સાઉથ-ઇન્ડિયન પંજાબી ટ્રાય કરસું ? દાદુ, તમારે ઇન્ડિયામાં કે’વું પડે હો, ખાવાની વાતે કોઈ ખોટ જ નંઈ ! લ્યો ત્યારે, હવે એક્સો વીસનો માવો ખવરાવી દ્યો એટલે…’
આટલું બધું તીખું તમતમતું ઝાપટવા છતા આપણે જમવામાં ઘીવાળી રોટલીનો આગ્રહ કરીએ તો કહેશે ‘ભાભી, આવી રોટલીમાં કેલેરીઝ બોવ હોય, એને બર્ન કરવા વળી એક્સરસાઇઝું કરવી પડે !’
લો બોલો, પેલું બધું ઝાપટીને પોતે (બન્ને છેડેથી) બર્ન થતા હોય તો પણ આવી સલાહો આપે જ, આપે !
***
મંદિરે / સ્વામીજી પાસે જવું છે
વિદેશમાં રહેતા ઇન્ડિયનો આપણા કરતાં સો ગણા વધારે ધાર્મિક હોય છે એનો ઇંગ્લેન્ડના PM સુનકથી મોટો પુરાવો બીજો કોઈ છે જ નહીં ! તમે માર્ક કરજો, એ પણ ઇન્ડિયા આવીને પહેલાં સાસુ-સસરાને મળે છે અને પછી સીધા મંદિરે જ જાય છે ! એ જ રીતે આપણા દરેક NRIની પ્રાયોરીટી નંબર ટુ પોતાની કુળદેવી / કુળદેવતાનું મંદિર અથવા પોતાના સ્વામીજી હોય છે.
આનો ફાયદો આપણા દેશીઓ પણ લઈ લેતા હોય છે. ‘આ તો છેક લંડનથી આવ્યા છે…’ એમ કહીને આપણે પણ (એકસ્ટ્રા દાન આપ્યા વિના) VIP કેટેગરીમાં ઘૂસ મારી લઈએ છીએ ! આ તો સારું છે કે આપણણે આમાં કોઈ દલાલી નથી રાખતા. છતાં વટ તો મારી જ લઈએ છીએ કે ‘અમારે જ એમને અહીં લાવવા પડે ને ! એમને જાતે ક્યાંથી ફાવે?’ બોલો.
***
ડેન્ટિસ્ટની એપોઇન્ટમેન્ટ છે
ભગવાન કે સ્વામીજી પછીની એમની આ ટોપ-મોસ્ટ પ્રાયોરીટી છે. (અને એ વાતે કોઈએ દાંત કાઢવાના નથી !) NRIઓની દાંતની ટ્રિટમેન્ટ એમની જન્મભૂમિના પોકાર સમાન છે ! ‘આ… અબ લૌટ ચલેં… ચેર બિછાયે, દાંત દબાયે… તુજ કો પૂકારે દેસ તેરા !’ (અહીં સમૂહગાનમાં જે ‘આઆઆ…’ સંભળાય છે તે તમામ NRI દર્દીઓ છે, જે દવાખાનામાં ડોક્ટરે ભેરવેલી સ્પ્રીંગો વડે મોં ખુલ્લાં રાખીને પીડાદાયક ચિત્કારો કરી રહ્યા છે !)
જે NRIઓ ભારતમાં આવીને અહીંના ડેન્ટિસ્ટો પાસે નથી જતા એમણે પાછલી જિંદગીમાં પ્રશ્ચાતાપ રૂપે અહીંની જ હોસ્પિટલોમાં ઓપન-હાર્ટ સર્જરીઓ કરાવવી પડે છે. (કેમકે બન્ને ટ્રિટમેન્ટો ત્યાં વિદેશમાં મોંઘી પડે છે.)
***
આપવા માટે ગિફ્ટો લેવાની છે
વરસો પહેલાં એ લોકો ત્યાંથી 75 રૂપિયે મિનિટના ભાવનો મોંઘો કોલ કરીને પૂછતા કે ‘તમારા માટે સું લયાવું?’ હવે તો સાલું, નાઈકીના શૂઝ અને લિવાઇસનાં જિન્સ પણ ત્યાં કરતાં અહીં સસ્તાં મળે છે એટલે એવું પૂછતા જ બંધ થઈ ગયા છે !
છતાં કંઈક આપવું તો પડે ને ? એટલે એના માટે ખાસ મુંબઈમાં બે દિવસનું ‘સ્ટોપ-ઓવર’ થાય છે… જેમાં ચોક્કસ માર્કેટોમાંથી (હકીકતમાં તો ફોર્ટ એરિયાની ફૂટપાથો પરથી) ફોરેન મેડ લાગતાં પરફ્યુમો, ટી-શર્ટો, ગોગલ્સો, ચોકલેટો વગેરેનું શોપિંગ કરવામાં આવે છે.
અને હા, એરપોર્ટની ડ્યૂટી-ફ્રી શોપમાંથી એકાદ ‘ફોરેન લિકર’ની બાટલી, બેગમાં નાંખતા આવવાનું હોય છે. રાઈટ ?
***
ફ્રેન્ડ્ઝ જોડે ‘બેઠક’ કરવાની છે
અહીં આખો મામલો એટલો ઉલ્ટો હોય છે કે પેલો NRI હજી ઇન્ડિયામાં પગ મુકે એ પહેલાંથી જ અહીંવાળા દેશીઓ એની જોડે બેસીને ‘પ્રોગ્રામ’ કરવા માટે ઉંચકાઈ રહેલા હોય છે ! જાણે ફોરેનના ઓરીજીનલ માલનો શુંય મોટો હાઈ-ફાઈ ટેસ્ટ આવતો હશે ?
પરંતુ આ દેશીઓ બહુ સિસ્ટેમેટીક રીતે ઉલ્લુ બની જાય છે કેમકે પેલો NRI બહુ તડપાવ્યા પછી બાટલું ખોલતી વખતે કોથળામાંથી બિલાડું કાઢતો હોય એમ ‘એક્સ્પ્લેનેશન’ આપે છે કે ‘યુ સી, મારે ઇન-લોઝ જોડે શેર કરવું પડ્યું ને, એમાં થોડુંક વપરાઈ ગયું છે ! બાકી…’ (હકીકતમાં તો એણે જ સાચવીને બીજી બાટલીમાં કાઢી લીધું હોય.)
આમાં ને આમાં આપણા દેશીઓના ભાગે માંડ દોઢ-દોઢ સેન્ટિમેટર જેટલું આવે ! છતાં કહેવાય શું ? ‘ભઇબંધ આયેલો ને, એની જોડે અસ્સલ ફોરેનનું ઓરીજિનલ કાલે પીધું ! બોલ.’
***
શોપિંગ અને પેકિંગ કરવાનું છે
‘ટુ-ડુ લિસ્ટ’માં આ છેલ્લી છતાં સૌથી અગત્યની આઈટમ હોય છે. અહીં શોપિંગમાં કંઈ પાટણનાં પટોળાં કે સીદી સૈયદની જાળીઓ નથી લઈ જવાની હોતી. ઉલ્ટું ‘ત્યાં તો બધું જ મળે છે’ એમ કહેતા જવાનું અને છતાં, અહીં જે દસ ગણા ઓછા ભાવે મળે છે એવા મરી-મસાલા-હળદર-હિંગ-પાપડ-લોટ (હા, લોટ !) વગેરેનું જ ‘શોપિંગ’ કરતા જવાનું હોય છે !
અને ‘પેકિંગ’ ? ભૂલેચૂકે એમ ના સમજતા કે બેગમાં પેક શી રીતે કરવું એની વાત થતી હશે… આ તો હેન્ડ બેગેજમાં આપણાથી કેટલા કિલો ઊંચકી શકાશે અને લગેજમાં કેટલું ઠાંસી શકાશે… એ બધું ઘરેલું ‘વજનકાંટા’ના આધારે પેક થતું હોય છે !
લ્યો ત્યારે, ફેરથી આવજો ઇન્ડિયામાં !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Very realistic still full of humor. Well done.
ReplyDelete