હિન્દી ફિલ્મોના ઇન્ટેલિજન્ટ કોમેડિયન ગણાતા આઈએસ જોહરે હોલીવૂડની ચારેક ઇંગ્લીશ ફિલ્મોમાં અભિનય કર્યો હતો એ વાત હિન્દી ફિલ્મોના રસિયાઓ તો જાણતા જ હશે પણ ચાલુ ભાષામાં કહીએ તો જોહર સાહેબે એ ઇંગ્લીશ ફિલ્મોમાં ‘ઘૂસ’ શી રીતે મારી ?
તો કિસ્સો એવો છે કે ઇન્દ્રસેન જોહરના ગુજરાતી મિત્ર અંબાલાલ પટેલે એક બ્રિટીશર, જેનું નામ જ્હોન નેચબુલ ઉર્ફે બેરોન બ્રેબોર્ન હતું, (હા, મુંબઈનું જે બ્રેબોર્ન સ્ટેડિયમ છે તેનું નામકરણ આમના પિતાશ્રીના નામે થયું હતું.) તેમના માનમાં એક પાર્ટી રાખી હતી. ત્યાં એમની મુલાકાત થઈ. આ બ્રેબોર્ન સાહેબે ટીવી પ્રોડક્શનમાં વરસોનો અનુભવ મેળવ્યો હતો. અને હવે એમને ઇન્ડિયાના બેકગ્રાઉન્ડ ઉપર એક ઇંગ્લીશ ફિલ્મ બનાવવાની ઇચ્છા હતી. એ ફિલ્મ હતી ‘હેરી બ્લેક એન્ડ ધ ટાઇગર.'
હવે આ બ્રેબોર્નભાઈ તો ભારતનાં લોકેશનો અને એક્ટરોથી ખાસ પરિચિત નહોતા. વળી એ જમાનામાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દેવ આનંદ, દિલીપકુમાર અને ગુરુદત્ત જેવા આંગળીના વેઢે ગણાય એટલા જ લોકો શુધ્ધ અંગ્રેજી બોલી શકતા હતા. વળી એ કંઈ નવરા થોડા હતા કે આ વિદેશી લાટસાહેબની સાથે રખડપટ્ટી કરે ? આમાંને આમાં જોહરનું બ્રેબોર્ન સાહેબ જોડે ગોઠવાઈ ગયું. આઈએસ જોહરની સેન્સ ઓફ હ્યુમર મિસ્ટર બ્રેબોર્નને સતત ખુશમિજાજમાં રાખતી હતી.
થોડા જ દિવસોમાં મિ. બ્રેબોર્ને નક્કી કરી લીધું કે પેલી માણસખાઉ વાઘના શિકારની સ્ટોરીમાં જે ‘બાપુ’ નામનું ભારતીય પાત્ર છે તે આપણા ઇન્દ્રસેનજી ભજવશે ! ‘હેરી બ્લેક એન્ડ ધ ટાઇગર’ આવી 1958માં. એ પછી ‘નોર્થવેસ્ટ ફ્રન્ટિયર’ (1959) ‘લોરેન્સ ઓફ અરેબિયા’ (1962) અને ‘ડેથ ઓફ નાઇલ’ (1978)માં જોહર સાહેબે નાના છતાં મહત્વના રોલ કર્યા.
એમાંય ‘લોરેન્સ ઓફ અરેબિયા’માં તો દિલીપ કુમારને હોલીવૂડના સ્ટાર પીટર ઓ’ટુલની સામે પેરેલલ રોલ ઓફર થયેલો ! પણ દિલીપ કુમારે ના પાડી હતી. જોવાની વાત એ છે કે દિલીપ કુમારનું નામ હોલીવૂડના પ્રોડ્યુસર સુધી પહોંચાડવાનું કામ આઈએસ જોહરે જ કર્યું હતું ! (છેવટે એ રોલ ઓમાર શરીફ નામના ઇજિપ્તના એક્ટર પાસે ગયો અને તે હોલીવૂડના મોટા સ્ટાર બની ગયા.)
આ ફિલ્મો ઉપરાંત જોહર સાહેબ અમેરિકાની એક ‘માયા’ (1967) નામની ટીવી સિરીયલમાં પણ હતા ! આ માયાનું કનેક્શન પણ મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે હતું ! કઈ રીતે ? તો બોલો, પેલો ‘સન ઓફ ઇન્ડિયા’નો (નન્હા મુન્ના રાહી હું) બાળ કલાકાર યાદ આવે છે ? હા, એ જ છોકરો જેને ‘મધર ઇન્ડિયા’માં મહેબૂબ ખાને સુનીલ દત્તના બાળપણના રોલમાં લીધેલો !
કહે છે કે આ છોકરો અનાથ હતો જેને મહેબૂબ ખાને મુંબઈની ઝૂંપડપટ્ટીમાંથી શોધી કાઢ્યો હતો. એટલું જ નહીં, તેને પોતાનો દત્તક પુત્ર બનાવીને તેને ‘સાજિદ ખાન’ નામથી ફિલ્મમાં લોન્ચ કરેલો ! અહીં ના ચાલ્યો એટલે તે અમેરિકા જતો રહેલો, જ્યાં તેને ભારતનાં ‘જંગલોના બેકગ્રાઉન્ડ’માં બનેલી ‘માયા’ નામની ઇંગ્લીશ ફિલ્મમાં મેઇન રોલ મળી ગયેલો ! પછી એ જ ફિલ્મ ટીવી સીરિઝ રૂપે આવી, જેમાં જોહર સાહેબ પણ હતા ! બોલો, ક્યાંના છેડા ક્યાં અડે છે !
વાત આઈએસ જોહરની કરીએ તો એમના પાવરફૂલ અને સ્માર્ટ અંગ્રેજી હ્યુમરના ચમકારા ‘ફિલ્મફેર’ મેગેઝિનમાં છેક 1960થી લઈને 1976-77 સુધી સવાલ-જવાબની કોલમમાં ચાલતા રહ્યા. પરંતુ એ પછી એમને નડ્યાં ઇન્દિરા ગાંધી ! થયું એવું કે 1971માં જ્યારે ભારતે બાંગ્લાદેશને આઝાદી અપાવી ત્યારે જોહર સાહેબે તાત્કાલિક રોકડી કરી લેવા માટે ‘જય બાંગ્લાદેશ’ નામની એક સાવ રેઢિયાળ ફિલ્મ બનાવી નાંખી ! ત્યાં સુધી તો ઇન્દિરાજી ખુશ હતાં પણ 1976માં ઇમરજન્સી વખતે નસબંધીનો પ્રોગ્રામ ચાલ્યો તેની ફરી રોકડી કરવાની ખંજવાળ જોહર સાહેબને ઉપડી ! એમણે કોમેડી ફિલ્મ બનાવી ‘નસબંધી’ !
આ સાથે જ ઇન્દિરાજી છંછેડાયાં ! ફિલ્મને રીલીઝ થવા ઉપર પ્રતિબંધ તો મુકાયો જ (જોકે 1977ની ચૂંટણીમાં ઇન્દિરાજી હાર્યા પછી ‘નસબંધી’ ફરી રીલિઝ થયેલી) પણ જોહર સાહેબની ‘ફિલ્મફેર’વાળી કોલમ ભેદી રીતે ગાયબ થઈ ગઈ હતી !
એ પછી 1980માં જ્યારે ઇન્દિરાજી ફરી સત્તામાં આવ્યાં ત્યારે આઈએસ જોહરે ‘ભુટ્ટો’ નામનું એક અંગ્રેજી નાટક લખ્યું. નાટક અડધો પોણો કલાકનું જ હતું અને તેમાં ઇન્દિરાજીનું નામ સુધ્ધાં નહોતું લેવાયું છતાં મેડમના દબાણથી એ નાટક ઉપર પણ ‘બેન’ મુકાયેલો ! અહીં જોહર સાહેબ ફરી કટાક્ષના ચાબખા મારવામાં સોળે કળાએ ખીલ્યા હતા !
નાટકમાં એવું છે કે ભુટ્ટોને જ્યાં જેલમાં પુરવામાં આવ્યા છે એની બાજુની ખોલીમાં એક પાગલ કેદી છે. તેને ભુટ્ટોના હસવાના અવાજો સંભળાય એટલે તરત તેના પડઘા પાડતો હોય તેમ જોરજોરથી હસે છે ! (જોકે તે મંચ પર દેખાતો પણ નથી !)
આ નાટકનો એક તેજાબી સંવાદ છે કે ‘તમે બધા લોકોને બધા સમય માટે મુર્ખ ના બનાવી શકો એવું કહેનાર જ મુર્ખ છે કેમકે ઇતિહાસ એવી અનેક ઘટનાઓથી ભરેલો છે જેમાં સત્તાધીશોએ ઊભાં કરેલાં બનાવટી કારણોને લીધે લાખો લોકો મરી ગયાં છે, જેમાં એમને કશી જ લેવાદેવા નહોતી. ભારત અને પાકિસ્તાનમાં આજે લાખો એવા લોકો છે જે દુનિયાના નકશામાં કાશ્મીરને શોધી પણ શકતા નથી એ લોકો કાશ્મીર મુદ્દે એટલા બધા ઉશ્કેરાઈ જાય છે કે જાણે એમના બાપની મિલકત હોય !'
નાટકનો બીજો એક સંવાદ છે જેમાં ભુટ્ટો કહે છે઼ : ' વૉરની સ્પીચ હોવી જોઈએ પણ ખરેખર વૉર થવી ન જોઈએ. અને જો થાય તો પ્રાર્થના કરો કે તમે ભવ્ય રીતે વિજયી ના બનો !'
કેમ ? તો કહે છે : ' યુધ્ધ જીતેલી પ્રજા લોહીતરસી બની જાય છે. એમને વધુ ને વધુ વિજયો જોઈએ છે ! જુલિયસ સિઝરને જુઓ. તે યુધ્ધો જીતતો રહ્યો ત્યાં સુધી મહાન હતો પણ હારવા લાગ્યો તો એની પીઠમાં ખંજર ભોંકી દીધું... એલેક્ઝાન્ડર
(સિકંદર) ભૂલથી પહેલું યુધ્ધ જીતી ગયો તો પોતાના વતનથી હજારો માઈલ દૂર તે યુધ્ધો જ લડતો રહ્યો. છેવટે વિદેશમાં કોઈ વિચિત્ર બિમારીનો શિકાર બની તે ગંધાતી હોડીમાં મરી રહ્યો હતો ત્યારે એના દેશના લોકોએ નવો હીરો શોધી લીધો હતો !'
એ જ નાટકમાં ભુટ્ટો આગળ કહે છે: 'નજીકની વાત કરીએ તો ભારતમાં ગાંધીજીએ અંગ્રેજો સામે ભવ્ય જીત અપાવી પણ પાકિસ્તાન સામે લડવાને બદલે મિત્રતાની વાત કરી તો એને ગોળી મારી દીધી ! બાંગ્લાદેશમાં મુજીબ ઉર રહેમાને આપણી સામે જીતીને ચમત્કાર કર્યો પણ એ પછી એમની પાસે બીજો કોઈ ચમત્કાર નહોતો એટલે એ ફાધર ઓફ નેશનને એના કુટુંબ સહિત મારી નાખ્યો !'
ભુટ્ટો દ્વારા આઈએસ જોહરે રાજકારણીઓ ઉપર જબરજસ્ત ચાબખા મારતાં એમને ઉઘાડા પાડ્યા હતા. વધુ એક સંવાદ જુઓ... ' રાજકારણ એક જાદૂના ખેલ જેવું છે. લોકો સતત અચંબિત રહેવા જોઈએ. જો એક જાદૂની ટ્રિક ફેલ જાય તો તરત બીજો તમાશો શરૂ કરીને પ્રજાનું ધ્યાન ભટકાવી દેવું જોઈએ !'
બોલો, જોહર આવું લખે પછી ઇન્દિરાજી બગડે જ ને ?’
***
E-mail : mannu41955@gmail.com
Fantastic Mannubhai His dialogues prevails today also whether Indiraji or Saheb it applies to both ha ha ha ha
ReplyDeleteI liked his Pavitra Papi very much Thanks for nice post God bless you Sir
ReplyDeleteIf he would have been alive, he would have made pictures on GST, ADHAR CARD, KALA DHAN,
ReplyDeleteAnd he would have film on Rahul Gandhi "the Pappu" ha ha ha ha he was great
ReplyDeleteરાજકારણ એક જાદૂના ખેલ જેવું છે. લોકો સતત અચંબિત રહેવા જોઈએ. જો એક જાદૂની ટ્રિક ફેલ જાય તો તરત બીજો તમાશો શરૂ કરીને પ્રજાનું ધ્યાન ભટકાવી દેવું જોઈએ !'
ReplyDeleteબોલો, જોહર આવું લખે પછી ઇન્દિરાજી બગડે જ
👆 ઇન્દિરાજી જ કેમ, મોદી સાહેબ પણ કેમ ના બગડે ?