બોધકથામાં ટ્વિસ્ટ !

અમુક બોધકથાઓ હકીકતમાં બોધકથા નહીં, પણ બુધ્ધુકથાઓ હોય છે ! કેમકે એમાં આજના જમાનામાં હોય છે એવાં સ્માર્ટ પાત્રો જ નથી હોતાં !

જો એમાં આજની પ્રજાનાં નમૂના હોય તો બોધકથામાં શું બને ? જુઓ નમૂનો…

*** 

એક સોદાગર પશુમેળામાં ગયો. ત્યાં તેણે બહુ ઊંચા દામ આપીને એક પાણીદાર ઊંટ ખરીદ્યું.

ઘરે આવીને તેણે પોતાના નોકરને કહ્યું ‘લે, આ ઊંટને સરખી રીતે બાંધી દે અને એના દાણાપાણીની વ્યવસ્થા કર.’

નોકરે ઊંટને બાંધતાં પહેલાં એની પીઠ ઉપરથી કાઠી ઉતારી. પણ જોયું તો કાઠીની નીચે એક મખમલની પોટલી છે ! પોટલી ખોલીને જોયું તો અંદર અતિશય મોંઘા હીરા હતા !

નોકર સોદાગર પાસે જઈને કહે છે ‘તમે તો ફાવી ગયા ! આ પોટલીમાં જે હીરા છે એના વડે તો તમે બીજા પચાસ ઊંટ ખરીદી શકો !’

સોદાગરે કહ્યું ‘ના, આ તો પેલા ઊંટના માલિકની મિલકત છે. એને પાછી આપવી જોઈએ.’

નોકરે કહ્યું ‘એને શી ખબર પડવાની છે ? તમે રાખી લો ! આખા રાજ્યના સૌથી મોટા સોદાગર બની જશો.’

છતાં નોકરની સલાહને અવગણીને સોદાગર ફરી પશુમેળામાં ગયો. પેલા ઊંટના માલિકને શોધ્યો અને તેની મખમલી પોટલી પાછી આપી.

પોટલીમાં બધું સહી સલામત જોઈને ઊંટનો વેપારી ઘેલોઘેલો થઈ ગયો. ‘તમે મને બરબાદ થતો બચાવી લીધો છે ! લો, આમાંથી તમને પસંદ હોય એવા બે હીરા લઈ લો ! ઇનામ સમજીને નહીં તો મારા તરફથી ભેટ સમજીને લઈ લો.’

સોદાગરે કહ્યું, ‘આમાંથી બે હીરા તો મેં કાઢી જ લીધા છે !’

હવે વેપારી ચોંકી ગયો. તેણે પોટલીના તમામ હીરા ગણ્યાં ! જોકે એકપણ હીરો ઓછો નહોતો થયો !

હવે સોદાગર મહાન માણસની જેમ છાતી કાઢીને બોલ્યો. ‘મારી પાસે જે બે હીરા છે તેમના નામ ઇમાનદારી અને વિશ્વાસ છે !’

(આહાહા…)

(બોધકથા પુરી… હવે ટ્વિસ્ટ સાંભળો…)

સોદાગર પાછો ઘરે આવીને જુએ છે તો પેલો નોકર પણ ગાયબ છે અને ઊંટ પણ ગાયબ છે !

પેલી તરફ પેલો વેપારી જોહરી પાસે હીરા વેચવા જાય છે ત્યારે ખબર પડે છે કે તમામ હીરા નકલી છે !

- પેલો નોકર કળા કરી ગયો હતો.

***

- મન્નુ શેખચલ્લી

Comments