તમારી જુની ફિલ્મો યંગસ્ટરોને દેખાડવાનાં જોખમો !

જુની ફિલ્મોના ચાહકો આજે સિનિયર સિટીઝનો થઈ ગયા છે. યુ-ટ્યુબ અને FM ચેનલો પર જુનાં ગાયનો સાંભળી સાંભળીને આપણે આહા…હા… કર્યા કરીએ ત્યાં સુધી ઠીક છે પણ સાહેબો, ભૂલેચૂકે પણ હરખપદૂડા થઈને આજના જુવાનિયાઓને જોડે બેસાડીને જુની ફિલ્મો બતાડવાના ધખારા ઉપડતા હોય તો ચેતી જજો !

આ શેના જેવું છે ખબર છે ? તમે વરસો પછી તમારા દીકરા-દિકરીઓ અને પૌત્રો-પૌત્રીઓને લઈને પોતાના ગામડે પાછા ફરી રહ્યા છો… અને કારમાં તમે મોટે ઉપાડે યાદગિરીઓનાં પોટલાં છોડતાં ‘અમારી સ્કુલનું મોઓટું ગ્રાઉન્ડ હતું. અને ગામના છેડે મોઓઓટું તળાવ હતું, અને પેલા મોઓઓઓટ્ટા વડલા નીચે અમે સાતતાળી રમતા, અને પેલી મોઓઓઓટ્ટી ટેકરી ઉપરથી ગિલોલ વડે પથરા મારીને મોઓઓઓટાં ખેતરોમાંથી ચકલાં ઉડાડતા…’ એવી બધી ડીંગો હાંકતા હાંકતાં જ્યારે તમે ખરેખર તમારા ગામડે પહોંચો ત્યારે તમે જ ભોંઠા પડી જાવ કે સાલું સ્કુલનું ગ્રાઉન્ડ આવડું અમથું જ હતું ? તળાવ સાવ ખાબોચિયા જેવડું ક્યારે થઈ ગયું ? અને બોસ, વડલો તો હજી છે પણ આવડો જ હતો ? અને પેલી ટેકરી ? જવા દો, ત્યાં હવે શું જઈને લાડવા લેવા છે !

હકીકત એ છે કે તમને એ બધું મોટ્ટું લાગતું હતું કેમકે તે વખતે તમે પોતે નાના હતા ! સેઇમ વસ્તુ ફિલ્મોમાં થાય છે ! તમારી કિશોરવયમાં કે યુવાનીમાં તમે નાના હતા અને ફિલમનો પરદો તમારા પહોળા કરેલા બે હાથ કરતાં બાવીસગણો મોટ્ટો હતો !

છતાં ચાલો, જુનાં ગાયનો તો હજીયે યંગ જનરેશન જોઈને એન્જોય કરી લે છે કેમકે આજકાલનાં નવાં ગાયનોમાં કશો ભલેવાર નથી. (અને જુનાં ગાયનોની સ્ટાઈલો આવી જ હતી એમ સ્વીકારી લે છે) પણ મારા વડીલ મિત્રો, જો ભૂલેચૂકે તમે મોટે ઉપાડે કોઈ મુવી ‘બતાડવા’ બેઠા, તો લખી રાખજો, તમે પોતે દાઢી ખંજવાળતા હશો કે ‘સાલું, આમાં આવું… ટોટલ પોલમપોલ હતું ?’

હજી તમે આશ્વાસન ખાતર માની લો કે આજના યંગસ્ટર્સને ‘શોલે’ વિશે એટલું બધું સાભળ્યું હોય એટલે એમને મજા પડશે. પણ બોસ, પહેલા જ સીનમાં પેલી ટ્રેન આવે… ઊભી રહે… ઠાકુર અંદરથી ઉતરે… રામુકાકો લેવા આવ્યો હોય તે સામાન ઉપાડે… ટાંગો ટપુટપુ કરતો દોડે… અને પાંચ મિનિટ લગી ટાઈટલો જ પડ્યાં કરે… એટલામાં જ તમારાં બચ્ચાંઓ બગાસાં સંતાડવાની કોશિશ કરતા થઈ જશે ! 

પછી ઠાકુરની હવેલી પર પહોંચ્યા પછી પેલા ઇન્સ્પેક્ટરને બે નાનકડા પાસપોર્ટ સાઇઝના ફોટા બતાડ્યા પછી એ ‘છટે હુએ બદમાશો’ની લાંબી વારતાની માંડણી કરનારો ફ્લેશ-બેક શરૂ થાય ત્યાં સુધી તો પુરી બાર મિનિટ થઈ ગઈ હોય ! … એમાં તો ઠીક છે કે ડાકુઓ ગોળીઓના અવાજથી તમારાં બચ્ચાંઓ જરા બેઠા થઈ જશે ! પણ આટલું રિ-એક્શન તો મિનરવા ટોકિઝમાં પાંચ પાંચ વરસ ચાલેલી ફિલ્મને જ મળે ! 

બાકી તમે જો એમને મોટા ઉપાડે ‘મુગલ-એ-આઝમ’ બતાડો તો એનું અઘરું અઘરું ઉર્દું સાંભળીને કહેશે ‘આમાં નીચે હિન્દી સબ-ટાઈટલો નથી?’ અને બોસ ‘પાકિઝા’ ? તોબા તોબા… મીનાકુમારીને જોતાં જ કહેશે ‘આ સાવ બુઢ્ઢી નથી લાગતી ?’ વળી બીજો કહેશે ‘મને તો થોડી પીધેલી પણ લાગે છે !’ ત્રીજો ભત્રીજો સાવ નફ્ફટ થઈ પૂછી નાંખશે ‘અંકલ, આર યુ શ્યોર કે આ તમારી ફેવરીટ હિરોઇન હતી ?’ 

હવે જો તમે એવું પ્રુવ કરવા માગતા હો કે મીનાકુમારી યંગ હતી ત્યારે ખરેખર બહુ મસ્ત લાગતી હતી, અને એની સાબિતી માટે તમે ‘દિલ એક મંદિર’ અથવા ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’ ચાલુ કરશો તો પાંચ જ મિનિટમાં એમનું રિ-એક્શન આવશે : ‘આ આન્ટી યંગ હતાં ત્યારે બી આટલાં રોત્તલ કેમ હતાં ?’

શમ્મીકપૂરના મામલે તો અમે ખુદ ઉત્તરાયણમાં છાપ ખાઈને પડી જતી પતંગની જેમ ભોંઠા પડ્યા છીએ ! અમારી તો એવી જ ઇમ્પ્રેશન હતી કે શમ્મીકપૂર એની યુવાનીમાં કેટલો સ્માર્ટ અને ડેશિંગ લાગતો હતો ! પણ ‘જંગલી’નું પહેલું ગાયન જોતાં જ અમારી ક્યુટ ભત્રીજીઓ કહેવા લાગી ‘હાય હાય ! આને તો કેટલા મોટા ડબલ ચિન છે !’ (ડબલ ચિન એટલે હડપચી નીચે ગળા પાસે જે પોચોપોચી ગડીઓ પડે છે ને, તે !) છેક મોડે મોડે અમને ભાન થયું કે શમ્મીકપૂરે પોતાનું વજન સાચવ્યુ જ નહોતું ! ‘એન ઇવનિંગ ઇન પેરિસ’માં પણ એ શર્મિલા ટાગોરનો અંકલ જ લાગે છે ! અને ‘પ્રોફેસર’માં તો એ લલિતા પવારના જ લવને લાયક હતો !

એવું જ વ્હી. શાંતારામની ફિલ્મોનું થાય છે ! આજે ‘ઝનક ઝનક પાયલ બાજે’ કે ‘નવરંગ’ જોઈએ તો કપાળ કૂટવાનું મન થાય કે યાર, સંધ્યા આટલું કઢંગુ નાચતી હતી ? (એ પણ એકલા એકલા યુ-ટ્યુબમાં જોઈ હોય ત્યારે ! બાકી ભૂલેચૂકે આપણાં સંતાનો આગળ રોલા મારવા માટે બતાડીએ તો?)

‘મુગલ-એ-આઝમ’માં સતત ઊંઘમાં ચાલતો હોય એવા દિલીપકુમારને બતાડીને તમે કયા હિસાબે કહી શકો કે આ ભાઈને છેલ્લા બાર-બાર વરસથી એના બાપાએ એને સેનાપતિ બનાવીને યુધ્ધો લડવામાં જ બિઝી રાખ્યો છે ? ભઈના બાવડાનો એક મસલ્સ પણ આફૂસ કેરીની ગોટલી જેવડો ય ફૂલેલો દેખાતો નથી ! શુ આ સલીમે કંઈ સેંકડોની કત્લેઆમ કરી છે ? અંકલ, એના મોં ઉપરથી તો માખ પણ ઉડતી નથી ! લો, આપો જવાબ.

આ તો હજી આપણે સારા સારા એક્ટરોની વાત કરી. બાકી પ્રદીપકુમાર, ભા.ભૂ. (ભારત ભૂષણ), વિશ્વજીત વગેરે જેવાની ફિલ્મો તો આપણે પોતે શી રીતે સહન કરી ગયા એ વિચારે જ નવાઈ લાગે છે ! અચ્છા સૌથી ભોંઠા પડવાનું તો રાજકુમારની ફિલ્મોમાં થાય છે ! આજે આપણે પોતે જ ‘વક્ત’નો પેલો ‘ચિનોય સેઠ, યે ચાકુ હૈં, બચ્ચોં કા ખિલૌના નહીં…’વાળો સીન જોઈને ગૂંચવાઈ જઈએ છીએ કે ‘કાકા, શું જોઈને તમે આ ડાયલોગ પર તાળીઓ અને સીટીઓ વગાડતા હતા ?’ 

એ જ રીતે રાજેન્દ્રકુમારનાં તો ગાયનો પણ બતાડવા જેવાં નથી...  કેમકે તમે માર્ક કરજો, એ માણસ ગાતાં ગાતાં એકવાર ડાબો હાથ ઊંચો કરે છે, બીજી વાર જમણો હાથ ઊંચો કરે છે અને ત્રીજી વાર બન્ને હાથ ઊંચા કરે છે ! શું બોસ, આ જ એની ‘અદાઓ’ હતી ?

***

- મન્નુ શેખચલ્લી

E-mail :mannu41955@gmail.com

Comments

  1. આજની પેઢી માટે કોમેડી ફિલ્મ બની જાય

    ReplyDelete
  2. આ ફિલ્મો એ જ આપણી રામલીલાઓનું સત્યાનાશ વાળ્યું,નહીં તો આપણને એ રામલીલા ક્યાં નહોતી ગમતી ??

    ReplyDelete

Post a Comment