પ્રજાસત્તાક દિવસ આવે છે, એ તો બરોબર છે. પરંતુ હવે એ સમય આવી ગયો છે કે એક ‘પતિ-સત્તાક’ દિવસ પણ હોવો જોઈએ !
આવનારા આ પતિ-સત્તાક દિવસ નિમિત્તે દેશભરના પતિઓની આ મુજબની માગણીઓ છે… લખી રાખો, પ્લીઝ !
***
33% અનામત (1)
જે રીતે હવે આવનારાં વરસોમાં સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા સીટો અનામત રહેશે એ જ રીતે...
આવનારાં વરસોમાં ઘરનાં કપડાંના કબાટમાં પણ 33 ટકા જગ્યા માત્ર પતિઓનાં કપડાં માટે રાખવી જોઈશે !
(અહીં પણ ગેરકાયદેસર દબાણનો કાયદો લાગુ પાડો.)
***
33% અનામત (2)
સોશિયલ મિડીયામાં પત્નીઓ જો પોતાના 100 ફોટા અપ-લોડ કરે છે તો હવેથી કાયદેસર રીતે એમાંથી 33 ફોટા પતિના હોવા જોઈએ એવું ફરજિયાત કરો !
(અને એ બધા ફોટામાં પતિનાં ડાચાં ઉપર પ્રોપર સ્માઇલ ના હોય તો એને ફ્રીડમ ઓફ ‘એક્સ્પ્રેશન’ ગણવામાં આવે.)
***
ફીફ્ટી-ફીફ્ટી એક્સ્પેન્ડિચર રાઈટ્સ
ભલે પતિની આવકનાં સંસાધનો ઉપર પત્નીનો પહેલો હક હોય, પરંતુ પગારમાંથી ઘર ખર્ચ, હપ્તાઓ અને ભણતરની ફી બાદ કર્યા પછી જે રકમ બચે તેમાંથી 50 ટકા હક્ક પતિનો પણ રહેશે !
- અને હા, એનો હિસાબ આપવામાં આવશે નહીં !
***
રાઈટ ટુ પ્રાયવસી
ક્યાં જાવ છો ? ક્યારે આવશો ? મોડું કેમ થયું ? કોનો ફોન હતો ? એ સગલી કોણ હતી ? કોના મેસેજો આવે છે ? .... અરે, આટલા ખુશ કેમ દેખાઓ છો ?
- આવા સેંકડો સવાલોના જવાબો આપવામાં આવશે નહીં !
***
રેવડી અધિકાર
ચૂંટણી જીતવા માટે મહિલાઓને રેવડી ઓફર કરાય છે ! જીત્યા પછી એમનાં ખાતામાં ડાયરેક્ટ 500 રૂપિયાથી માંડીને 2000 રૂપિયા જમા થાય છે, તો શું પતિઓ મતદારો નથી ? હવેથી પતિઓના ખાતામાં પણ દર મહિને એટલી જ રકમ જમા કરાવો !
(જો પતિ-હિત કી બાત કરેગા, વોહી દેશ પર રાજ કરેગા !)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment