આજે ગરીબોને મફતમાં અનાજ મળે છે અને ધનવાનોને લગભગ મફતમાં લોન મળે છે. પરંતુ એક મિડલ ક્લાસ જ એવો છે જેની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી છે…
***
મિડલ ક્લાસ માણસને એની જિંદગી લોનમાં ઉધાર મળી છે, જેને તે હપ્તે હપ્તે ચૂકવી રહ્યો છે. ઘરના હપ્તા, વાહનના હપ્તા, ટીવીના હપ્તા, કોમ્પ્યુટરના હપ્તા, સંતાનોના ભણતરના હપ્તા અને મરે ત્યાં સુધી જીવનવીમાના હપ્તા !
***
મિડલ ક્લાસ બિચારો એ માણસ છે જે મોલની મોંઘી દુકાનોના પ્રાઇસ ટેગમાં અને મોંઘી રેસ્ટોરન્ટના મેનુમાં કિંમત નહીં, પોતાની હૈસિયત શોધતો રહે છે !
***
મિડલ ક્લાસ માણસ અડધી વપરાયેલી ટૂથપેસ્ટ ફેંકી શકતો નથી છતાં પોતાના લગ્ન વખતે સીવડાવેલો સૂટ વરસો સુધી સાચવી રાખે છે !
***
મિડલ ક્લાસ બાપો એ વ્યક્તિ છે જે ઉત્તરાયણને દિવસે ધાબા ઉપર આવેલી કપાયેલી પતંગો આખું વરસ સાચવીને રાખે છે છતાં નવી ઉત્તરાયણ આવે ત્યારે સંતાનોનું દિલ રાખવા માટે નવી પતંગો ખરીદે છે !
***
સાચો મિડલ ક્લાસ વ્યક્તિ એને કહેવાય જે વેફર જેવા પાતળા થઈ ગયેલા લક્સ સાબુને નવા લિરીલ સાબુની ગોટી સાથે ચોંટાડીને વાપરતો રહે છે !
***
અડધો અડધ મિડલ ક્લાસ પુરુષોની જિંદગી વધતું જતું પેટ અને ઘટતા જતા વાળ વચ્ચે સંતુલન રાખવમાં જ જતી રહે છે !
***
બાકીના અડધો અડધ મિડલ ક્લાસ પુરુષોની જિંદગી પત્નીનું વધતું વજન અને ઘરમાં પોતાનું ઘટતું મહત્વને લાચારીથી જોવામાં પતી જાય છે !
***
ખેડૂતોને સબસીડી, મહિલાઓને ગેસના બાટલા, ગરીબોને મફત અનાજ, બિમારોને મફત ઇલાજ, સ્ટુડન્ટોને મફત શિક્ષણ અને ઝુંપડપટ્ટીઓમાં મફત વીજળી આપવામાં મિડલ ક્લાસ માણસે ભરેલો ટેક્સ જ વપરાય છે. છતાં મિડલ ક્લાસને રાહત તો શું, એક શાબાશી પણ મળતી નથી !
- મેરા ભારત મહાન.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment