આ તો સારું છે કે ‘વર્લ્ડ હિન્ડી ડે’ નથી લખ્યું ! કેમકે આજની જે અધકચરી ઇંગ્લીશ મિડિયમ જનરેશન છે એને માટે ‘વર્લ્ડ’ને બદલે ‘વિશ્ર્વ’ આવે તો એ લોકો પૂછશે : હુ ઈઝ ધીસ વિશ્ર્વા? રામનું ‘રામા’ અને શિવનું ‘શિવા’ કર્યા પછી વિશ્ર્વનું ‘વિશ્ર્વા’ થવાનું જ છે ! (દિવસનું પણ ‘ડિવાઝ’ થશે, ધીરજ રાખો.)
વેલ, જે હોય તે, આજના આ વિશ્ર્વ હિન્દી દિવસ નિમિત્તે આપણે આપણી રાષ્ટ્રભાષાને જે મજેદાર રીતે અપનાવી છે તેને જ એન્જોય કરીએ તો ઘણું છે. જુઓ…
***
ગુજ્જુ હિન્દી
‘હમેરે કુ હિન્દી ફાતા નહીં હૈ ઇસલિયે જેસા આવડતા હે એસા બોલતા હે, હોં !’ આટલું મનોરંજક હિન્દી ગુજરાતીઓ જ બોલી શકે છે : ‘ઉનાળે મેં પરસેવા ઇતના હોતા હે કે સર્ટ પલળ જાતા હૈ, ઔર બાદ મેં પંખા ચાલુ કરતા હે તો ટાઢ વાતા હૈ !’ આપણા આ ગુજ્જુ-હિન્દીના રાષ્ટ્રિય બ્રાન્ડ એમ્બેસેડર રૂપાણી સાહેબ CM હતા ત્યારે નવા નવાં રીલ્સ-લાયક ક્વોટ્સ મળી રહેતાં હતાં. પણ જ્યારથી ભૂપેન્દ્રભાઈ CM બન્યા છે ત્યારથી હિન્દી તો શું, ગુજરાતી વિડીયો પણ નથી આવતા. જોકે વાંધો નહીં, સિધ્ધાર્થ રાંદેરિયા ગુજ્જુભાઈ બનીને એમાં ખડખડાટ હસાવનારાં મોતીઓ રંગમંચ ઉપર વેરતા રહે છે.
***
બમ્બઇયા હિન્દી
અહીં પણ ગુજરાતીઓએ ઘૂસ મારી જ છે : ‘મૈં ને તેરે કુ કિતના બોમ ગિરાયા ?’ ‘હમ કુ તો હજાર રૂપિયે કા ખડ્ડા ગિર ગયા !’ ‘અબી બોત કંટાલા આતા હૈ, હોં !’ આમાં તમે માર્ક કરજો, ‘કંટાળા’નું હિન્દી આખો શબ્દકોશ ફેંદવાથી પણ ક્યાંય નહીં મળે !
મુંબઈના હિન્દીમાં મરાઠીની અસર તો હોય જ ને ? ‘વાટ લગ ગઈ’ ‘ખોપચે મેં લે લે !’ ‘બિન્ધાસ્ત રૈને કા’ ‘શાણપટ્ટી નંઈ કરને કા’ અને ‘શેન્ડી કરેગા ક્યા?’ પરંતુ અહીં પહેલો પુરુષ એકવચન માટે ‘અપુન’ શબ્દ ક્યાંથી આવ્યો એ ભાષાશાસ્ત્રીઓ માટે રિસર્ચનો વિષય છે. આજકાલ બમ્બૈયા હિન્દીમાં ભોજપુરીની અસર છે : ‘લાઇફ ઝંડ હો ગઈ હૈ’ યુપીની અસર છે : ‘લૌંડો કી લગી પડી હૈ’ ‘અબે રૂલાયેગા ક્યા?’ અને અંગ્રેજીની અસર તો આવવાની જ હતી : ‘બોલે તો, ટેન્શન લેને કા નંઈ, દેને કા !’ ‘લેવલ મેં રૈને કા’ ‘જ્યાદા જજમેન્ટલ નંઈ હોને કા…’
***
ફિલ્મી હિન્દી
એક ભ્રામક માન્યતા એવી છે કે હિન્દી ફિલ્મોને લીધે નોન-હિન્દી રાજ્યોમાં પણ હિન્દી પહોંચી શકી. હકીકતમાં બોલીવૂડ યાને કે ઉર્દૂવૂડે હિન્દીના નામે ઉર્દૂ જ ઘૂસાડ્યું છે. હદ તો ત્યાં થતી હતી કે હિરો હિન્દુ હોય, હિરોઇન હિન્દુ હોય છતાં ગાયનો એવાં ગાતાં હોય કે ‘યા અલ્લા યા અલ્લા દિલ લે ગઈ…’ અથવા ‘અલ્લા જાને ક્યા હોગા આગે, મૌલા જાને ક્યા હોગા આગે !’ છતાં ભોળી હિન્દુ પ્રજા એને હિન્દી સમજીને ગાયા કરતી હતી !
આજે પણ ‘સજદે કિયે હૈં લાખો’ ‘તૂ ન જાને આસપાસ હૈ ખુદા’ ‘મૌલા મેરે મૌલા’ વગેરે ગીતો આવે જ છે. ફરક એટલો જ કે એ લોકો શું ગાય છે એ સરખું સંભળાતું જ નથી ! બાકી ‘ઇશ્ક’ ‘પ્યાર’ ‘મહોબ્બત’ ‘સાકી’ ‘પૈમાના’ ‘પરવાના’ ‘શમા’ આ બધા શબ્દોને આપણે હિન્દી જ માનતા હતા ! એ તો ઠીક, આપણે એવું જ માની બેઠા હતા કે દેશની કોર્ટો ‘તાઝિરાત-એ-હિન્દ’ ‘દફા તીન સો દો’ અને ‘સઝા-એ-મૌત’ જેવા ઉર્દૂ શબ્દોથી જ ચાલે છે !
***
બોલીવૂડીયું હિન્દી
આજે આખો સીન બદલાઈ ગયો છે. બોલીવૂડમાં માત્ર બે જ જણાને શુધ્ધ હિન્દી આવડે છે : એક આશુતોષ રાણા અને બીજો મનોજ મુંતઝિર ! બાકીનાઓ તો ઇંગ્લીશમાં જ ઠોકે રાખે છે. ફિલ્મનાં પોસ્ટરો ઇંગ્લીશમાં, અંદર ક્રેડિટ ટાઇટલ્સ ઇંગ્લીશમાં, એવોર્ડ ફંકશનો ઇંગ્લીશમાં, ઇન્ટરવ્યુઓ ઇંગ્લીસમાં અને રિવ્યુ પણ ઇંગ્લીશમાં !
એક્ટરોને સ્ક્રીપ્ટો પણ રોમન લિપિમાં આપવી પડે છે ! જ્યાં Kamini ના બે ઉચ્ચાર થઈ શકે ‘કમીની’ અથવા ‘કામિની’ ! અને ‘હૈં’ ત્રણ રીતે લખાય છે : hain, hein અને heyn ! અમને બહુ મોડે મોડે ખબર પડી કે હેમા માલિનીના હિન્દી ઉચ્ચારો એટલા ખરાબ હતા કે પોતાની આખી કરિયર દરમ્યાન તેની એક ખાનગી અને ખાસ ડબિંગ આર્ટિસ્ટ હતી ! આજે તો અમને પાકી ખાતરી છે કે નવાં ફિલ્મી બચોળિયાં અત્યારથી જ હિન્દી ડબિંગ આર્ટિસ્ટો રાખીને બેઠાં છે !
ઉપરથી એ બચોળિયાંઓ ઇન્ટરવ્યુઓમાં રોલા મારવા એવું કહે છે કે ‘યુ નો, ધેર વોઝ એન એક્સેન્ટ એક્સ્પર્ટ ટુ ગાઇડ મિ ફોર ધ ટ્રુ હરિયાનવી એકસેન્ટ !’ (બેન, અહીં તો ‘ણ’વાળું ‘હરિયાણવી’ બોલ?)
***
સાઉથ ઇન્ડિયન હિન્દી
આમાં એમનો જરાય વાંક નથી. સૌથી પહેલાં તો એમની ચાર અલગ અલગ ભાષા હોવા છતાં આપણે એમની ઉપર ‘મદ્રાસી’નો કોમન ઠપ્પો લગાવી દીધો. બીજું, હિન્દી ફિલ્મોમાં હંમેશાં એમને કાર્ટુન જેવા ચીતર્યાં. અને ત્રીજું, એ લોકો જેવું આવડે એવું હિન્દી બોલવાની કોશિશ તો કરે છે ? પણ હિન્દી ભાષીઓએ કદી તામિલ, તેલુગ, કન્નડ કે મલયાલમ શીખવાની કોશિશ કરી નહીં ! અરે યાર, ‘યેન્ના સ્વામી, યેન્ના સમાચારમ્ !’ ‘સુગમ ધન્નો સ્વામી !’ જેવાં સિમ્પલ વાક્યો પણ બોલતાં શું જોર આવે છે ?
એક તો એમની ભાષાનું ગ્રામર જ એવું છે કે સીધું ટ્રાન્સલેશન કરવાથી ગડબડ જ થાય ! જેમકે ‘મેરે કો લુંગી હોના’નો અર્થ થાય કે ‘મારે લુંગી જોઈએ છે !’ ઉપરથી સાઉથની ફિલ્મોના હિન્દી ડબિંગે દાટ વાળ્યો છે ! મિનિટના 150 શબ્દોની સ્પીડે જે હિન્દી ડાયલોગ્સ બોલે છે તેને સ્લો-મોશનમાં સાંભળો તો જ ખબર પડે કે શું કહેવા માગે છે !
એટલે પછી ‘દિલ સે’ના પેલા ગાયનમાં ‘પુંચિરી થનુ કોંચિકો, મુંથિરી મુન્થમ થિંચીકો, મંચની વર્ણમ સુંદરી વાવે’નું હિન્દી કરવાનું જ માંડી વાળ્યું !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment