વડોદરા દુર્ઘટનાનો ઉપાય !

વડોદરાના હરણી તળાવમાં જે બાળકો ડૂબી જવાની દુર્ઘટના બની એ પછી ગાંધીનગરમાં એક ઉચ્ચ કક્ષાની, (છતાં ગુપ્ત) બેઠક મળી છે ! સાંભળો, ત્યાં શું ચાલી રહ્યું છે…

*** 

‘વડોદરામાં જે દુર્ઘટના બની ગઈ પછી સરકારને માથે ખુબ જ માછલાં ધોવાઈ રહ્યાં છે…’

‘તો આપણે માથે હેલ્મેટ પહેરવાનું ઓફિસોમાં પણ ફરજિયાત કરીએ તો કેવું ?’

‘શટ અપ ભાઈ સાહેબ ! અહીં ગંભીર ચર્ચા ચાલી રહી છે. મિડીયા કહે છે કે સરકાર ભૂતકાળની ભૂલોમાંથી કંઈ શીખતી જ નથી.’

‘સર, એક સજેશન આપું ? કેમકે એ ભૂતકાળના અનુભવો ઉપરથી જ આવેલું છે.’ 

‘બોલો.’

‘સર, યાદ છે જ્યારે અમદાવાદમાં ઠેર ઠેર બોમ્બ-બ્લાસ્ટ થયા હતા ત્યારે આપણે શું કર્યું હતું ?’

‘શું કર્યું હતું ?’

‘સર, સાઇકલના કેરિયરોમાં ફીટ બોમ્બ કરેલા હતા એટલે આપણે સાઇકલનાં કેરિયરો જ કઢાવી નાંખ્યાં હતા !’

‘એમ ?’

‘અરે, સેકન્ડ હેન્ડ સાઇકલોના વેચાણ ઉપર બાન મુકી દીધેલો !’

‘તો આ વખતે શું કરવું જોઈએ ?’

‘સીધી વાત છે સર ! શાળા કોલેજોમાંથી જતી પિકનિકો ઉપર જ પ્રતિબંધ મુકી દો ને ? ના રહેગા બાંસ, ના બજેગી મિડીયા કે બાંસુરી… હો… હો… હો…’

‘કેવી વાહિયાત વાત કરો છો ? બીજું કંઈક વિચારો…’

‘સાહેબ, મને શું વિચાર આવે છે, કે પિકનિકો ભલે ચાલુ રહેતી, ભલે તળાવમાં બોટિંગ પણ ચાલુ રહે… આપણે બસ એટલું જ કહેવાનું કે બાળકો માટે લાઇફ-જેકેટો ફરજિયાત હોવાં જોઈએ !’

‘વાહ ! અને એના પૈસા વાલીઓએ ભરવાના રહેશે !’

‘અરે, એટલું જ નહીં, લાઇફ જેકેટો કઈ દુકાનેથી ખરીદવાં એ પણ સ્કુલો જ કહેશે !’

‘આ તો જબરદસ્ત આઇડિયા છે !’

‘મને તો એનાથી પણ જોરદાર વિચાર આવે છે.. આપણે દરેક વિદ્યાર્થી માટે જીવનવીમો ફરજિયાત કરી દો ! દર મહિને માત્ર 50 રૂપિયામાં !’

‘યસ્સ ! અને એની એજન્સી આપણી વ્હાલી ઇન્શ્યોરન્સ કંપનીને જ અપાવી દો !’

‘આ બેસ્ટ આઇડિયા છે. જરાં ગણોને દર વરસે કેટલાનો વીમો ઉતરે ?’ 

‘જુઓને, એંશી લાખ વિદ્યાર્થીઓ ગુણ્યા પચાસ રુપિયા, ગુણ્યા બાર મહિના… એટલે.....’

(બસ, એ પછી તો તાળીઓના ગડગડાટ સાથે મિટિંગ પુરી થયેલી ગણવામાં આવી.)

***

- મન્નુ શેખચલ્લી

Comments