મેરેજોમાં માર્ક કરજો..!

આજકાલ લગ્નોની સિઝન ચાલી રહી છે. આમ જોવા જાવ તો તમામ લગ્નો લગભગ સરખાં જ હોય છે છતાં તમે માર્ક કરશો તો જાતજાતનું જોવા મળશે ! દાખલા તરીકે…

*** 

તમે માર્ક કરજો કે…
કંકોત્રી આપવા માટે ઘરે આવનારા લોકો ‘કશ્શું જ ના બનાવતા… બહુ ઉતાવળમાં છીએ… હજી તો કેટલા બધા ઘરે જવાનું છે…’ એવું કહ્યા પછી ખાસ્સો અડધો કલાક સુધી બેસીને આખા ગામની પંચાતો કરતા હોય છે !

*** 

તમે માર્ક કરજો કે…
કંકોતરી આપતી વખતે જે લોકો વારંવાર કહેતા હોય છે કે ‘તમારે બધ્ધાએ આવવાનું જ છે, હોં !’ એ લોકો જાય પછી તમે કંકોતરી ખોલીને જુઓ તો અંદર ‘બે વ્યક્તિ’ એવું લખેલું હશે !

*** 

તમે માર્ક કરજો …
મસ્ત લીલીછમ લોનવાળા પાર્ટીપ્લોટમાં રાતના સમયે જે ઠંડી પડે છે માત્ર પુરુષોને જ લાગે છે ! કેમકે મહિલાઓ તો સ્લીવલેસ અને બેકલેસ ફેશનનાં વસ્ત્રોમાં હોવા છતાં એમને સ્હેજપણ ધ્રુજારી આવતી હોય એવું લાગતું નથી.

*** 

તમે માર્ક કરજો …
વરઘોડામાં જે છેક છેલ્લે સુધી નાચી રહ્યા હોય એ લોકો સૌથી નજીકના સગાં નહીં પણ સૌથી વધુ પીધેલાઓ જ હોય છે !

*** 

તમે માર્ક કરજો કે…
રિસેપ્શનમાં સૌથી લાંબી લાઈનો બે જ ઠેકાણે હોય છે (1) ગરમાગરમ લાઇવ વાનગીના કાઉન્ટર પાસે અને (2) વર-કન્યાને કવર આપીને ફોટા પડાવવા માટે !

*** 

તમે માર્ક કરજો કે…
વર-કન્યા એકબીજાને હાર પહેરાવે છે ત્યારે એકબીજાની સામું જોવાને બદલે ફોટોગ્રાફરો સામું જ જોતા હોય છે !

*** 

તમે માર્ક કરજો કે…
જ્યારે બુફે-ડિનર શરૂ થાય ત્યારે ‘પહેલું કોણ’ એની રાહ જોવામાં અડધો કલાક વીતી જાય છે. પણ પછી તો લાઈવ કાઉન્ટરો આગળ લાઈનમાં ‘વહેલો તે પહેલો’ના ધોરણે છેક અડધા કલાકે તમારો નંબર લાગે છે !

*** 

તમે માર્ક કરજો કે…
આખો પ્રસંગ પતી ગયા પછી છેક છેલ્લે વરરાજાને માટે સાવ ઠંડી પડી ગયેલી રસોઈ જ કેમ હોય છે ? કેમકે એ એક જાતની આગોતરી ‘વોર્નિગ’ છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments