નિતીશ કુમાર : ન્યુ ચાણક્ય !

બિહારમાં નિતીશકુમારે જે રીતે RJDને છોડીને અચાનક BJP જોડે હાથ મિલાવી લીધા, એવું માત્ર ભારતના જ રાજકારણમાં બની શકે !

શપથવિધિ વખતે સમારંભમાં સૌથી ફની વાત એ હતી કે બધાના ચહેરા સિરિયસ હતા… જ્યારે આખો દેશ તો હસી રહ્યો હતો !

આ સિવાય પણ ઘણી રમૂજ છે આ અનોખી ઘટનામાં…

*** 

કેટલાક નેતાઓ પોતાની માગણી માટે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરતા હોય છે પણ લાગે છે કે નિતીશજી આમરણાંત મુખ્યમંત્રી પદ ઉપર ઉતર્યા છે !

*** 

શું તમને ખબર છે કે નિતીશજીની આખરી ઈચ્છા શું હશે ?
- એ જ કે એમને ‘મરણોત્તર મુખ્યમંત્રી’નો એવોર્ડ પણ આપવામાં આવે !

*** 

આજે બિહારમાં સેંકડો નેતાઓ એ પૂજારીને શોધી રહ્યા છે જેણે નિતીશજીની મુખ્યમંત્રી આવાસમાં પહેલીવાર ગૃહપ્રવેશની વિધિ કરાવી આપી હતી !

*** 

પાકિસ્તાનની જેલમાં બેઠેલા ઇમરાન ખાને નિતીશ કુમારને મેસેજ કર્યો છે  કે ‘ભારતના અસલી ચાણક્ય વિશે સાવ ખોટી અફવાઓ ચાલતી હતી ! આજે ખબર પડી કે એ તો તમે છો ! યાર, મને કંઈ હેલ્પ કરો ને !’

*** 

જવાબમાં નિતીશ કુમારે લખ્યું કે ‘એક કામ કરો… આર્મી સાથે ગઠબંધન કરી લો !’

*** 

લાલુ યાદવ હવે એટલા ચીડાયા છે કે તેઓ મુરાદાબાદથી મોટી સંખ્યામાં ત્યાંના મુરાદાબાદી લોટા બિહારમાં લાવીને જાહેરમાં વેચવાના છે… તેનું નવું નામ પાડશે : BJP – JDU લોટા !

*** 

તેજસ્વી પ્રસાદ પણ તેના સાથીઓને લઇને પટનામાં નીકળી પડવાના છે… જેટલા ‘U ટર્ન’નાં બોર્ડ દેખાય એની નીચે લખી આવશે : નિતીશ કુમાર !

*** 

પટનામાં શપથવિધિ પુરો થયો પછી એક વિચક્ષણ પત્રકાર નિતીશજીને પૂછી રહ્યા હતા : ‘સર, આગલી શપથવિધિ કબ હૈ ? તારીખ તો બતા દિજીયે ?’

*** 

દેશભરમાં છૂટાછેડાના કેસ લડી રહેલાં લાખો કપલ્સ નિતીશ કુમારથી જલી રહ્યાં છે કે ‘કાશ ! અમારા પણ આ જ રીતે એક જ દિવસમાં છૂટાછેડા અને પુનર્લગ્ન થઈ શકતાં હોત !’

***

- મન્નુ શેખચલ્લી

Comments