જુની ફિલ્મોમાં કેવા કેવા 'પાગલ' હતા ?!

આજે તો ભૈશાબ એવું થઈ ગયું છે કે ફિલ્મનું નામ ‘મેન્ટલ’ રાખો તો એનો એવો જબરદસ્ત વિરોધ થાય છે કે નામ બદલીને ‘મેન્ટલ હૈ ક્યા’ એવું કરવું પડે છે ! એ તો ઠીક, ભલભલી હિરોઈનો પોતે એક સમયે ડિપ્રેશનનો શિકાર બની હતી એવું કબૂલ કરવાની ફેશન ચાલી છે !

પણ જુની ફિલ્મોમાં એવું નહોતું. એ વખતે તો પરદા ઉપર પાગલ કેરેક્ટરની એન્ટ્રી થાય કે તરત સિનેમાહોલમાં હાસ્યનાં હુલ્લડ ફાટી નીકળતાં હતાં ! (કે બોસ, હવે કોમેડીની મઝા આવશે) અચ્છા, એક્ટરોએ પાગલ હોવાનો અભિનય કરવા માટેની ખાસ ‘ટુલ-કીટ’ પણ શોધી કાઢી હતી ! 

જેમ કે (1) દાઢી વધારવાની (2) વાળ અસ્તવ્યસ્ત રાખવા (3) ડોળા ચકળ વકળ કરતા રહેવાનું (4) એક્શન વારંવાર કર્યા કરવાની (5) દારૂ પીધા વિનાં લથડિયાં ખાવાનાં અને (6) જો તમે હિરો હોવ તો હિરોઈનના પ્રેમમાં પડવાનું !

અમને તો આજે વિચારતાં નવાઈ લાગે છે કે એ જમાનાની ફિલ્મોની હોસ્પિટલોમાં બિચારી મહિલા ડોક્ટરોને માત્ર પ્રેમમાં પડવાનું જ કામ સોંપવામાં આવતું હતું ? પુરુષ ડોક્ટરો તો જાણે કંઈ કરતા જ નહોતા ! ફિલ્મમાં પાગલ બની ગયેલો હિરો મેન્ટલ હોસ્પિટલમાં એડમિટ થાય કે તરત કોઈ જાડા ચશ્માવાળો સિનિયર ડોક્ટર હોસ્પિટલની મોસ્ટ બ્યુટિફૂલ ડોક્ટરાણીને સમજાવતો હોય ‘બેચારે ને પ્યાર મેં ધોખા ખાયા હૈ, ઈસલિયે વો પાગલ હો ગયા હૈ… ઇસે દવાઈ કી નહીં પ્યાર કી જરૂરત હૈ !’

લો બોલો ! આવી ટ્રિટમેન્ટ કઈ મેડિકલ જર્નલમાં લખેલી છે ? અને બિચારી હિરોઈને આવા મેન્ટલ કાર્ટુનો જોડે પ્યારનાં નાટકો જ કર્યા કરવાનાં ? પેલી બહુ સિરીયસ અને સારી ગણાતી ‘ખામોશી’ નામની ફિલ્મમાં તો બિચારી વહીદા રહેમાન ધર્મેન્દ્રને સાજો કરતાં કરતાં એનાં જ પ્રેમમાં પડી ગઈ હતી ! ધર્મેન્દ્ર તો સાજો થઈને હોસ્પિટલનો ડ્રેસ ખંખેરીને હાલતો થયેલો ! પછી રાજેશ ખન્ના એડમિટ થયો. તો બિચારી વહિદાએ એની જોડે પણ પ્રેમનું નાટક કરવું પડે છે ! આમાં ને આમાં બિચારી વહીદા પોતે જ પાગલ થઈ જાય છે ! (આ તો સારું હતું કે વહીદા પોતે ‘સ્ટાફ’માં હતી એટલે ટ્રીટમેન્ટનો ખર્ચો ફ્રીમાં થવાનો હતો.)

પણ બોસ, પછી વહીદાને સાજી કરવા માટે કોઈ પુરુષ ડોક્ટર એની જોડે પ્રેમનું નાટક કરવા કેમ નથી તૈયાર થતો ? આજે જો હકીકતમાં આવી ટ્રિટમેન્ટો થતી હોય તો દેશના સૌથી મોસ્ટ હેન્ડસમ છોકરાઓ મેન્ટલ હોસ્પિટલના ડોક્ટરો બનવા ધસારો જ કરી મુકે ને ? કેમકે બોસ, દર છ મહિને નવી મહિલા પેશન્ટ જોડે પ્રેમ કરવા મળે !

બિચારા સંજીવકુમારને તો એ જમાનામાં સળંગ ત્રણ ચાર ફિલ્મોમાં પાગલ બનાવી નાંખેલો ! ‘ખિલૌના’માં તો એની ટ્રિટમેન્ટ કરવા માટે એક તવાયફને સોપારી આપે છે ! એમાંય વળી એ રૂપાળી ઘરમાં જ રહે ! અને બિચારા સંજીવકુમારને ઘરમાં જ એક રૂમ જેલ જેવો બનાવીને એમાં પુરી દીધો હોય !

બીજી એક સંજીવકુમારની ‘અનહોની’ નામની ફિલ્મ હતી. એમાં તો સંજીવકુમારને સાજો કરવા માટે ‘મુજરો’ ગોઠવવામાં આવે છે ! (બલમા હમાર મોટરકાર લઈ કે આયો રે..) પેલી મુજરાવાળી દ્વિઅર્થી શબ્દો સાથે દ્વિઅર્થી અંગ-ભંગિમા કરીને ગાયન ગાય ! અને એ મુજરો માણવા માટે હોસ્પિટલના ડોક્ટરો પણ ઠાઠથી બેઠા હોય ! 

જોકે પાછળથી સસ્પેન્સ એવું નીકળે છે કે સંજીવકુમાર અસલમાં તો પોલીસ ઓફિસર છે અને લીના ચંદાવરકર દ્વારા એક ખૂન થયું છે એવો શક હોવાથી એની ‘કરીબ’ જવા માટે ‘તૂટે દિલવાલા પાગલ આશિક’નો ઢોંગ કરીને મેન્ટલ હોસ્પિટલમાં આવ્યો છે ! 

મતલબ કે આહાહા… પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ શું મસ્ત નોકરી મળી છે ! એક્ટિંગનો શોખ પણ પુરો થાય, બ્યુટિફુલ હિરોઈન જોડે રોમાન્સ કરવા મળે અને મુજરાઓ પણ જોવા મળે ! (પછી ડિપાર્ટમેન્ટમાં બિલ શી રીતે મુકતા હશે ? મુજરાવાળીને 1500 રૂપિયા ફી આપી, 500 રૂપિયા દારૂના, 100 રૂપિયા ચાખણાના ને 200 રૂપિયાના ફૂલ-ગજરા વગેરે… એવું ?)

તમે માર્ક કરજો, ફિલ્મી પાગલો પાછા શીઘ્ર કવિ પણ હોય છે ! એટલું જ નહીં, અચ્છા ગાયક પણ હોય ! જેવી કોઈ સિચ્યુએશન ઊભી થાય કે તરત ઓન-ધ-સ્પોટ કાગળ-પેન લીધા વિના ગાયન મનમાં લખાઈ જાય, એની તર્જ પણ બની જાય અને ગાવા પણ માંડે… ‘ઓઓ… ખિલૌના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હોઓ…’

બિચારા શમ્મીકપૂરને પણ સંજીવકુમારની વાંહેવાંહે પાગલનો રોલ કરવો પડ્યો હતો. જોકે એમાં ફાયદો એ હતો કે એની સાથે પાગલખાનામાં જે બે ડઝન પાગલો હતા એ બધા પણ સારા ગાયકો હતા ! (મેરી ભેંસ કો ડંડા ક્યું મારા…)

એકચ્યુઅલી તો આ એક જ ફિલ્મમાં બાકીની તમામ હિન્દી ફિલ્મોમાં જેટલા પાગલો આવી ગયા છે તેનું એકસામટું કલેક્શન અહીં પ્રદર્શનમાં મુકેલું છે ! અમારી ખાસ ભલામણ છે કે મેડિકલ કોલેજોના સાઈકીયાટ્રી વિભાગમાં આ ગાયનને ‘આર્કાઈવ મટિરીયલ’ તરીકે લાયબ્રેરીમાં સાચવી રાખવું જોઈએ. (પીએચડી લેવલની રિસર્ચ પોસિબલ છે.)

આ સિવાય ફિલ્મી પાગલનું એક ડેડલી કોમ્બિનેશન રહેતું હતું. ‘પાગલખાને સે ભાગા હુઆ ખૂંખાર કૈદી !’ મતલબ કે આ એક એવો કેદી છે જે ખૂનો કરી ચૂક્યો છે, બળાત્કારો કરી ચૂક્યો છે, અતિશય હિંસક અને વિકૃત સ્વભાવનો છે અને… ‘’બિચારો’ પાગલ છે, એટલે હોસ્પિટલમાં રાખ્યો હતો ! બોલો. 

મતલબ કે જો એ પાગલ ના હોત તો સમાજ માટે જોખમરૂપ હોવાથી કડક બંદોબસ્તવાળી જેલમાં જ હોત, પણ એ તો ‘બિચ્ચારો પાગલ’ છે ને, એટલે સાવ ઢંગધડા વિનાની સિક્યુરીટી સાથે મેન્ટલ હોસ્પિટલમાં રાખેલો હતો ! પછી મોટે ભાગે એવું થાય કે એ ભાગેલો પાગલ કેદી એની જુની પ્રેમિકાના બંગલામાં જ ઘૂસે ! (અને થોડી ડાયલોગબાજી પછી ગાયન પણ ગાય !)

પરંતુ એ મહા મનોરંજક દૌર ગયો એ ગયો… આજે તો ફિલ્મી પાગલોના કેસ એટલા બધા ‘અઘરા’ થઈ ગયા છે કે ફિલ્મ જોતાં જોતાં આપણી જ ડાગળી ચસકી જાય ! શું કહો છો ?

***

- મન્નુ શેખચલ્લી

E-mail :mannu41955@gmail.com

Comments

  1. hasaavi hasaavi ne gaandaa kri naakhya! Article vaachvaa ni khub majaa aavi!

    ReplyDelete

Post a Comment