થોડા દિવસથી આ દેશના ઇન્ટેલેક્ચ્યુઅલ સેક્યુલરો યાને કે બુધ્ધિજીવી બિન-સાંપ્રદાયિકો બિચારા અંદરો અંદર મુંઝાઈ રહ્યા છે ! અને આ મુંઝારો માત્ર ગુજરાતના કોંગ્રેસીઓ જેવો નથી ! આ તો સૈધ્ધાંતિક મુંઝારો છે ! જુઓ…
***
પોતે ભગવાનમાં માને છે પણ રામ મંદિરનાં વખાણ કરી શકતા નથી !
***
પોતે હિન્દુ છે છતાં કરોડો હિન્દુઓની લાગણીની સાથે સંમત થઈ શકતા નથી !
***
પોતાને પોતાના પ્રાણમાં વિશ્ર્વાસ છે, પોતાને પોતાની પ્રતિષ્ઠાનું પણ ગૌરવ છે છતાં બિચારાઓ ‘પ્રાણ-પ્રતિષ્ઠા’નો આનંદ લઈ શકતા નથી !
***
પોતે અવારનવાર મંદિરે જાય છે, અરે, ઘરમાં પણ નાનકડું મંદિરીયું છે, પરંતુ અયોધ્યામાં જે મંદિર બન્યું છે તેની વાત નીકળે તો છંછેડાઈ જાય છે !
***
પોતે સાધુ બાવાઓ વગેરેને ઢોંગી માને છે છતાં કાંચીના શંકરાચાર્યએ જે કહ્યું છે તેને સાચું માને છે !
***
પોતે શુકન અપશુકન જેવી અંધશ્રધ્ધામાં જરાય માનતા નથી છતાં અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એટલે દેશમાં પ્રકોપ થશે એમ માને છે ! બોલો.
***
પોતે કોઈ ધર્મમાં ખાસ માનતા જ નથી છતાં હિન્દુ ધર્મ કેવો હોવો જોઈએ એના વિશે બહુ તીવ્ર વિચારો ધરાવે છે.
***
અચ્છા, હિન્દુ ધર્મ કેવો હોવો જોઈએ એ વિશે તો બહુ વિચારો છે પણ એ સિવાયના ધર્મો કેવા હોવા જોઈએ તે વિશેના વિચારો કદી જણાવતા જ નથી !
***
એમનો મૂળ વિરોધ એ છે કે ધર્મ અને પોલિટીક્સની ભેળસેળ ના થવી જોઈએ, પણ એ ભૂલી જાય છે કે બિન-સાંપ્રદાયિક્તા પોતે જ પોલિટીક્સનો મોટો હિસ્સો છે ! છેલ્લાં 40 વરસથી !
***
હકીકતમાં આખો મામલો એવો છે કે દુઃખે છે પેટ અને કૂટે છે માથું ! કેમકે મૂળ તો BJP પસંદ નથી એટલે જ રામમંદિર સામે વાંધો છે ! જય શ્રી રામ.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment