બુફે... એક પહેલી !

સૌથી પહેલાં તો મને એ કહો કે આ Buffet શબ્દમાં ‘T’ શું કરે છે ? તમે કહેશો કે ‘T’ સાયલન્ટ છે. તો ભઈ, સાયલન્ટ કેમ છે ?

કેમકે મિત્ર, તમે કોઈ દહાડો કોઈ બુફે જમણવારમાં ‘ચા’ જોઈ છે ? ના ! કેમકે ‘T’ સાયલન્ટ છે ! હવે કહો કે આપણા દેશી ‘બુફે’માં સાયલન્ટ શું નથી હોતું ? તો જવાબ છે, કશું જ સાયલન્ટ નથી હોતું ! 

જમનારા પણ વાતો કરે છે, બચ્ચાંઓ દોડાદોડી કરીને ઘોંઘાટ કરે છે, પેલી બાજુ લાઇવ મ્યુઝિકવાળા શરણાઈ કે જલતરંગ વડે ટેંટે-પેંપે કરે છે અને આ બાજુ લાઈવ ઢોકળાં અથવા લાઈવ ઢોંસાવાળા બિચારા રિક્વેસ્ટ કરતા રહે છે કે ‘પ્લીઝ શાંતિ રાખો… ગરમાગરમ આવે જ છે…’ પણ શાંતિ ? સાયલન્ટ ? શક્ય જ નથી !

અચ્છા, શું તમને ખબર છે કે અંગ્રેજોએ ફક્ત આપણાં દેશી નામો જ નથી બગાડ્યાં. બલ્કે ફ્રેન્ચ નામોની પણ પથારીઓ ફેરવી છે ? આ ‘બુફે’ શબ્દનો ફ્રેન્ચ ભાષામાં તો ઉચ્ચાર ‘બુફે’ જ થાય છે પણ દોઢ ચાંપલા અંગ્રેજો એને ‘બફ્ફે’ કહે છે ! જોયું ? લોચો થયો ને ? ઇન્ડિયામાં જે દોઢ-ચાંપલા દેશી અંગ્રેજો છે એમાંથી નેવું ટકાને આ વાતની ખબર જ નથી. બોલો.

અચ્છા, અંગ્રેજોને છોડો, આપણા દેશીઓની વાત કરીએ તો બોસ, સાચું કહેજો, શું તમે કોઈપણ બુફેમાં ક્યારેય તમારી ભૂખ કરતાં ઓછું ખાધું છે ? (અમદાવાદી ભાષામાં કહીએ તો ક્યારેય તમે ચાંલ્લો કર્યો હોય એનાથી પણ ઓછું ખાધું છે ? નહીં ને !) બુફેનો આખો મહિમા જ એ છે કે આપણે કેટલું ‘વસૂલ’ કર્યું ! એમાંય જ્યાં જાજરમાન મેરેજ રિસેપ્શનો હોય છે એમાં તો રીતસર આપણને FOMO થઈ આવે છે ! (FOMOનું સરળ ગુજરાતી આ મુજબ છે : ‘તમે લઈ ગયા અને અમે રહી ગયા’)

કેટલાક લોકો તો રીતસર પૂછે છે ‘ટોટલ કેટલાં કાઉન્ટર હતાં ? અમે તો બાર ગણ્યાં હતાં, પછી એકાદ રહી ગયું હોય તો ખબર નહીં હો !’ 

જોવાની વાત એ છે કે જ્યાંથી તમારે સાવ ખાલી ડીશો લેવાની છે એને સૌથી વધારે ભભકાદાર રીતે સજાવવામાં આવે છે ! ત્યાં કોઈ બરફથી બનેલાં શિલ્પો હશે, એકાદ ફૂવારો હશે, લબૂક-ઝબૂક લાઇટિંગ હશે અને હા, ડીશો વાટકા વગેરે આપવા માટે મિનિમમ ચાર માણસો હશે ! અલ્યા ભઈ, અહીંથી ત્રણ જણાને ખસેડીને પલાં લાઈવ ઢોકળાં-ઢોંસા કે પિત્ઝાના કાઉન્ટર ઉપર મુકો ને ?

અચ્છા, આ ‘લાઇવ’ કાઉન્ટરની ખાસિયત એ હોય છે એમને છેક છેડાના કોઈ ખૂણે લગભગ સંતાડીને રાખ્યાં હોય છે ! સાલું તમે તમારી ડીશમાં સલાડ, સબ્જી, રોટી, પાપડ, અથાણું, મીઠાઈ, દાળ, શિખંડ, રબડી, રસમલાઈ, બફવડાં, ચાર જાતનાં પકોડાં અને ગુલાબજાંબુ વગેરે ભરી લીધા પછી અંદર માંડ અઢી ચોરસ સેન્ટિમીટર જેટલી ખાલી જગ્યા વધી હોય ત્યારે જ તમને આ ‘લાઇવ’ કાઉન્ટર નજરે ચડે છે ! 

હવે આવે સમયે કેવું ધર્મસંકટ થાય ? તમે ડીશમાંની વાનગીઓ ખાધા વિના એંઠવાડમાં પણ પધરાવી શકતા નથી કેમકે એનું કાઉન્ટર તો છેક મેદાનના બીજા છેડે છે ! અને તમે ડીશમાં લીધેલી વાનગીઓને પેટમાં પધરાવ્યા સિવાય તમારી ડીશમાં જગ્યા પણ નથી કરી શકતા. સરવાળે, ડીશમાં જગ્યા કરવા માટે તમારે તમારા પેટમાં જ જગ્યા ‘વધારવી’ પડે છે !

મારી તો સલાહ છે કે આવા બુફે જમણવારમાં ખાલી ડીશ ઉપાડતાં પહેલાં, જેમ કોઈ બેન્ક લૂંટનારાઓ જે તે સ્થળની અગાઉથી ‘રેકી’ કરતા હોય છે એમ તમારે આખા મેદાનમાં એક રેકી કરીને પોતાનું ‘પ્રાયોરીટી લિસ્ટ’ બનાવી લેવું જોઈએ. આ બિલકુલ ગણિતની એક્ઝામના પેપર જેવું છે ! જે સવાલો સહેલા અને ગોખેલા છે એ પહેલાં પતાવી દો અને જે અઘરા છે એને છેલ્લા રાખો. 

અહીં બુફેમાં અડધા લોકો તો એમ સમજે છે કે ‘પહેલો પ્રશ્ન ફરજિયાત છે !’ આમાંને આમાં સુપ અને સ્ટાર્ટર વડે જ અડધું પેટ ભરી નાંખે છે ! પછી આગળ જાય છે ત્યારે પસ્તાય છે કે ‘હાય હાય, મેક્સિકન પિત્ઝા પણ હતા ? મેં તો યાર, દાલ-બાટીથી પેટ ભરી કાઢ્યું !’

અમારું તો એવું પણ સુચન છે કે જ્યારે મેરેજનું ઇન્વિટેશન આપો છો ત્યારે એ કાર્ડમાં જ મેનુ પણ છાપી દેવું. (જેથી સમજ પડે કે સવારથી ભૂખ્યા રહેવાનું કે આગલા દિવસથી !) અમે તો કહીએ છીએ કે ‘ફલાણા પરિવાર આપનું સ્વાગત કરે છે’ એવું જ બોર્ડ લગાડીએ છીએ એની બાજુમાં આખો વાનગીઓનાં કાઉન્ટરનો નક્શો દોરાવીને રાખી દેવો જોઈએ !

જોકે એમાં પણ ભૂલી જવાના ચાન્સિસ ખરા, એટલે, એવું કરો કે પેલી જે ખાલી ડીશો ઉપાડીએ છીએ ને, એની સાથે જે ટીશ્યુ પેપર આપો છો, એમાં જ આખો નક્શો પ્રિન્ટ કરાવી દો ! (અહીં મારો યંગ ભત્રીજો સજેશન આપી રહ્યો છે કે અંકલ, એક QR કોડનું કાર્ડ જ મુકી દેવાનું ! એ સ્કેન કરો એટલે આખો મેપ જ મોબાઇલમાં આવી જાય !) 

ઘણીવાર એવું થાય કે ‘લાઇવ જલેબી-ફાફડાનું કાઉન્ટર ક્યાં છે ?’ એવું પૂછો તો અમુક લોકો આપણને એક્સ્પર્ટની જેમ રસ્તો બતાડતાં કહેતા હોય છે કે ‘જુઓ, તમે છે ને, સ્ટ્રેઇટ જશો ને, એટલે જૈન કાઉન્ટર આવશે, ત્યાંથી લેફ્ટમાં જશો એટલે ત્યાં રાજસ્થાની ચૂરમા-કચોરી દેખાશે… એની બિલકુલ સામેની સાઇડે તમને પેલો સરકસના ખેલની જેમ રૂમાલી રોટી ઉછાળતો કાકો દેખાશે ! પણ તમારે ત્યાં નહીં જવાનું ! પણ એની ઉછળતી રોટીની સીધી જ ડિરેક્શનમાં પાછળ જોશો ને… તો ત્યાં લાઇટિંગ કરેલા ઝાડની બાજુમાં જ… ફાફડા-જલેબીનું કાઉન્ટર હશે ! ઓકે ? તમે પાછા આવો ત્યારે મારા માટે બે ડીશ લેતા આવજો ને ?’

આપણે ગુજરાતીઓ ભલે ‘જુની જમણવાર પધ્ધતિ કેટલી સરસ હતી’ એવા મેસેજો ફોરવર્ડ કરીએ, પણ બુફે આપણને સૌને ગમે છે કેમકે… એક, એ ‘અનલિમિટેડ’ છે. અને બે, એ લગભગ ‘ફ્રી’ છે !

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment