એક અતિશય ધનવાન માણસ ઘરડો થઈ ગયો. તેણે પોતાના ધંધામાંથી નિવૃત્ત થવાનું નક્કી કર્યું. એના દિકરાને બધો કારભાર સોંપી દીધો.
પણ દિકરો હજી યુવાન હતો. એને અનુભવ નહોતો. તેણે પિતાને કહ્યું ‘ડેડી, તમે આટલા વરસો સુધી બિઝનેસ કર્યો અને લાખો કરોડોનું સામ્રાજ્ય ઊભું કર્યું. પણ હું શી રીતે આ બધું ચલાવી શકીશ ?’
વૃધ્ધ પિતાએ તેને પોતાની એક જુની, સાવ ખખડી ગયેલી કારની ચાવી આપીને કહ્યું : ‘એક કામ કર. આ કાર લઈને જા અને એની કેટલી કિંમત મળશે તે પૂછી લાવ.’
દિકરો કારને ધક્કા મરાવતો લઈને એક મિકેનિક પાસે ગયો. તેણે કહ્યું ‘આ કારના કેટલા રૂપિયા આવે ?’
મિકેનિકે એક જ નજર નાંખીને કહી દીધું ‘પાંચસો રૂપિયા પણ ના આવે. ભંગારમાં કાઢો તો સ્પેર-પાર્ટ્સ છૂટા કરવાની મજૂરી પણ મોંઘી પડે.’
દિકરો પાછો આવ્યો. હવે વડીલ કહે છે ‘હવે આ કાર તું કોઈ કાર-ડિલર પાસે લઈને જા.’
દિકરો ફરી ધક્કા મરાવીને કારને ડિલર પાસે લઈ ગયો. ડિલરે કારનું બોનેટ ખોલીને જોયું. દરવાજા ખોલ-બંધ કરીને જોયા. પછી કહ્યું ‘આમાંના ઘણા સ્પેર-પાર્ટ્સ બદલવા પડે. રંગરોગાન કરાવવું પડે. છતાં હું તને 5000 આપું.’
દિકરો પાછો આવ્યો. હવે બાપાએ કહ્યું ‘આ વિઝિટીંગ કાર્ડ લે અને એ માણસને ફોન કરીને બોલાવ. એને પૂછી જો, કેટલા આપશે ?’
ફોન કરવાથી એક સૂટ-બૂટવાળો માણસ આવ્યો. તેણે કારને બરોબર તપાસી. પછી કહ્યું ‘આ તો એન્ટિક મોડલ છે ! હું આના પાંચ લાખ આપવા તૈયાર છું !’
છોકરો તો દંગ થઈ ગયો ! હવે પિતાજીએ કહ્યું ‘જોયું ? વસ્તુ એક જ છે પણ જેને તેની કદર છે તે જ તેની સાચી કિંમત જાણે છે !’
***
આ વાર્તાના બે બોધ છે :
(1) માણસે પોતાની જ્યાં સાચી કદર થતી હોય ત્યાં જ જવું જોઈએ.
(2) એટલે જ કબૂતરબાજીમાં ભારતીયો વિદેશ જતા રહે છે અને એન્ટિક વિપક્ષી નેતાઓ ભાજપમાં જોડાતા રહે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment