આજકાલ આમંત્રણની સિઝન ચાલી રહી છે. કોને કોને આમંત્રણ મોકલાયાં છે. કોને મળ્યાં છે, કોને નથી મળ્યાં, કોણ આવવાનું છે કોણ નથી આવવાનું… આ બધું શું ચાલી રહ્યું છે ? સાંભળો આ સંવાદ…
***
‘તમને આમંત્રણ મળ્યું ?’
‘કોઈએ મોકલ્યું હોય તો મળે ને ?’
‘કેમ, એમણે નથી મોકલ્યું ?’
‘એ તો એમને જ ખબર હોય ને !’
‘પણ એ તો કહે છે મોકલ્યું છે.’
‘તો મોકલ્યું હશે.’
‘પણ તમને નથી મળ્યું ?’
‘મળે તોય શું ફરક પડે છે ?’
‘કેમ ?’
‘જુઓ, આમંત્રણ-આમંત્રણમાં ફરક હોય છે.’
‘શું ફરક હોય છે ?’
‘ઉમળકાનો ! અમુક લોકોને હરખભેર તેડાં મોકલશે અને અમુક લોકોને મોકલવા ખાતર આમંત્રણ મોકલે છે.’
‘ધારો કે તમને આમંત્રણ મળે તો તમે જશો કે નહીં ?’
‘આમાં જ એમની બેવડી ચાલ છે !’
‘બેવડી ચાલ ?’
‘હાસ્તો ? આપણે જઈએ, તો કહેશે, જોયું ? આખરે ઝખ મારીને આવવું જ પડ્યું ને ?’
‘અને ના જાઓ તો ?’
‘તો કહેશે, જોયું ? એ લોકો તો છે જ એવા !’
‘તો તમે શું કરશો ? જશો કે નહીં જાવ ?’
‘જુઓ, ત્યાં જઈએ તોય સરખું સન્માન તો મળવાનું નથી ! ઉલ્ટું, અમને ઇગ્નોર કરીને અમારું અપમાન કરશે.’
‘પરંતુ નહીં જાવ તો લોકો શું કહેશે ?’
‘એ જ તો એમની આખી ચાલ છે. લોકો આગળ અમને જ ખરાબ દેખાડવા છે.’
‘પરંતુ, તમે નહીં જાવ તો એમનું પણ ખરાબ દેખાશે ને ?’
‘એમનું શું ખરાબ દેખાવાનું છે ? ઉલ્ટું એમને તો 1200-1200 રૂપિયાની બે ડીશના પૈસા બચશે. કેમકે અમે તો રીવાજ મુજબ 501નું જ કવર કરવાના ને ?’
‘એ – એક મિનિટ, તમે કોઈ લગ્નની વાત કરી રહ્યા છો ?’
‘હાસ્તો ! તમે શું સમજ્યા ?’
‘જવા દો… કંઈ નહીં… (મનમાં બબડે છે) સાલું, આજકાલ કોઈને આમંત્રણ વિશે કંઈ પૂછવા જેવું રહ્યું જ નથી…’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment