ઉત્તરાયણ તો વરસમાં એક જ દિવસે આવે છે પણ નવાઈની વાત એ છે કે ઉત્તરાયણને લગતા કેટલા બધા રૂઢિપ્રયોગો ગુજરાતી ભાષામાં છે ! જુઓ…
***
હવામાં છે...
જે પોતાની જ રચેલી દુનિયામાં પોતાને જ મહાન માને છે એવા લેખકો, એક્ટરો, નેતાઓ અને તમને તૂચ્છ જંતુ જેવા સમજનારા તમારા જ મિત્રો અને ઓળખીતાઓ માટે વપરાતો આ રૂઢિપ્રયોગ !
***
બહુ ચગાવી માર્યા છે
સોશિયલ મિડીયાની શોધ નહોતી થઈ એ પહેલાં ગુજરાતીઓ જાણતા હતા કે અમુક લોકોને એમના ચમચાઓ, ભક્તો, લાભાર્થીઓ અને મુરખાઓ જથ્થાબંધના ભાવે મળી જ રહેવાના છે ! આજે એમને નવી ભાષામાં ‘ફોલોઅર્સ’ અને ‘સબ્સ્ક્રાઈબર્સ’ કહેવાય છે.
***
કોકડું ગૂંચવાયું છે
છાપાંઓમાં વરસો લગી કાશ્મીરનું કોકડું ગૂંચવાતું રહ્યું ! આજકાલ I.N.D.I.A.નું કોકડું ગૂંચવાયું છે. કાલે કોઈ બીજાનો વારો હશે !
***
પિલ્લું વળી ગયું
જે બહુ હવામાં હોય, જેને બહુ ચગાવી માર્યા હોય એની એક દિવસ તો પતંગ કપાય જ છે ! પછી એનું પિલ્લું વળી જતું હોય છે ! આમાં સેલિબ્રિટીઓ પણ આવી ગઈ અને ભલભલી રાજકીય પાર્ટીઓ પણ આવી ગઈ.
***
કમાન છટકી
જ્યારે જ્યારે પ્રજાની કમાન છટકે છે ત્યારે ઉપર લખ્યું છે તેવી પિલ્લું વળી જવાની ઘટનાઓ બને છે ! બાકી છૂટક કિસ્સામાં અંગત રીતે કમાન છટકે એમના માટે મેન્ટલ હોસ્પિટલો રાખી છે.
***
ઝોલ પડી છે
ફિલ્મોમાં, નાટકોમાં, ભાષણોમાં કે કવિ સંમેલનોમાં જ્યારે લોકોને બગાસાં આવવા લાગે ત્યારે સમજવું કે અહીં ક્યાંક ઝોલ પડી રહી છે !
***
અને ફિરકી...
ગુજરાતીમાં ફિરકીના તો ઘણા પ્રયોગો છે ! ‘ફિરકી લેવી’ એટલે મશ્કરી કરીને ઉતારી પાડવો, ‘ફિરકી પકડવી’ એટલે મસ્કા મારવા, ‘ફિરકીબાજ’ એટલે છેતરપિંડી કરનારો અને ‘ફિરકી ફેરવી નાંખી’ એટલે પીઠ પાછળથી દગો કરવો ! એટલે જ... આજે તમારી ફિરકી સંભાળજો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment