કિતના બદલ ગયા જમાના !

જમાનો તો બદલાય જ છે, દર પેઢીએ બદલાય છે પણ આજે જે વડીલો છે એમણે જમાનાને લગભગ ‘યુ-ટર્ન’ લેતાં જોયો છે ! યાદ કરો…

*** 

એ જમાનામાં...
સંતાનો મા-બાપથી ડરતા હતા, કે ક્યાંક ચીડાઈ ના જાય.
આજે...
મા-બાપને સંતાનોનો ડર લાગે છે ! કે ક્યાંક રીસાઈ ના જાય !

*** 

એ જમાનામાં...
લગ્ન કરવાં સહેલાં હતાં પણ છૂટાછેડા લેવાનું બહુ મુશ્કેલ હતું.
આજે...
યુવાનોને લગ્ન કરવા બહુ મુશ્કેલ લાગે છે પણ છૂટાછેડા સહેલાઈથી થઈ જાય છે !

*** 

એ જમાનામાં...
આપણે આપણા તમામ આડોશી-પાડોશીને ઓળખતા હતા.
આજે...
પાડોશીઓને કોઈ ઓળખતું નથી પણ સાવ અજાણ્યાઓ સાથે ઓનલાઇન ફ્રેન્ડશીપ થઈ જાય છે !

*** 
એ જમાનામાં...
શરીર વધે તો આપણે ‘ખાધેપીધે સુખી’ ગણાતા હતા.
આજે...
બિચારા ખાધેપીધે સુખી લોકો ભૂખ્યા રહી રહીને ‘દુઃખી’ થઈ રહ્યા છે !

*** 
એ જમાનામાં...
ધનવાન લોકો સાદા, સિમ્પલ અને ઓર્ડીનરી દેખાવાની કોશિશ કરતા હતા.
આજે...
ઓર્ડીનરી લોકો ધનવાન અને એકસ્ટ્રા-ઓર્ડીનરી દેખાવાની કોશિશ કરે છે !

*** 
એ જમાનામાં...
આપણે બેઠાં બેઠાં ખાતા હતા અને બેઠાં બેઠાં નહાતા હતા.
આજે...
ઊભા ઊભા ખાઈએ છીએ અને ઊભા ઊભા નહાઈએ છીએ !

*** 

એ જમાનામાં...
આપણને શિક્ષકોનો ડર લાગતો હતો પણ એક્ઝામોનો ડર જરાય નહોતો...
આજે...
શિક્ષકોનો જરાય ડર રહ્યો નથી પણ એક્ઝામોનો ભયંકર ડર છે !

*** 

એ જમાનામાં...
યુવાનો ઝટ મોટા થઈને મેચ્યોર થવા માગતા હતા.
આજે...
મેચ્યોર થઈ ગયેલા મોટાઓને ફરી જુવાન થવાના ધખારા છે ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments