જે રીતે ગુનેગારનો ગુનો કબૂલ કરાવવા માટે પોલીસ થર્ડ ડીગ્રીનો ટોર્ચર કરે છે એ જ રીતે ઠંડીની પણ અલગ અલગ કેટેગરી હોય છે ! જુઓ…
***
ફર્સ્ટ ડીગ્રી ઠંડી
કાશ્મીરનું દલ સરોવર થીજી જાય…
સેકન્ડ ડીગ્રી ઠંડી
આબુનું નખી તળાવ થીજી જાય !
થર્ડ ડીગ્રી ઠંડી
તમારા ફ્રીજમાં આખેઆખી બરફની ટ્રે થીજી જાય !
***
ફર્સ્ટ ડીગ્રી ઠંડી
રજાઈમાંથી નીકળવાનું મન જ ના થાય.
સેકન્ડ ડીગ્રી ઠંડી
રજાઈ સાથે નીકળવાનું પણ મન ના થાય !
થર્ડ ડીગ્રી ઠંડી
આ બન્ને ઘટનાઓ બપોરે બાર વાગે બની રહી હોય !
***
ફર્સ્ટ ડીગ્રી ઠંડી
હથેળીઓ ઘસીને ગરમી મેળવવી પડે.
સેકન્ડ ડીગ્રી ઠંડી
ગ્લોવ્ઝ પહેરેલી હથેળીઓ ઘસવી પડે !
થર્ડ ડીગ્રી ઠંડી
ગ્લોવ્ઝ પહેરેલી હથેળીઓ ગેસ ચાલુ કરીને ગરમ કરવી પડે !
***
ફર્સ્ટ ડીગ્રી ઠંડી
રાત્રે બારીની તિરાડમાંથી ઠંડો પવન આવે.
સેકન્ડ ડીગ્રી ઠંડી
બારીની તિરાડમાંથી પવનના સૂસવાટા આવે
થર્ડ ડીગ્રી ઠંડી
છતાં રજાઈ, ગોદડું છોડીને બારી ટાઈટ બંધ કરવા જવાની હિંમત જ ના થાય ! બોલો.
***
ફર્સ્ટ ડીગ્રી ઠંડી
ગર્લ-ફ્રેન્ડ બ્રેક અપ ના કરે
સેકન્ડ ડીગ્રી ઠંડી
પત્ની રસાઈ હોય છતાં પિયર ના જાય.
થર્ડ ડીગ્રી ઠંડી
રીસાઈને પિયર ગયેલી પત્ની પણ પાછી આવી જાય !
***
ફર્સ્ટ ડીગ્રી ઠંડી
ગરમાગરમ ચ્હા પીધા કરવાનું મન થાય.
સેકન્ડ ડીગ્રી ઠંડી
ગરમાગરમ એલચી-ફૂદીનાનો ઉકાળો પીવાનું મન થાય.
થર્ડ ડીગ્રી ઠંડી
ડાયરેક્ટ ગિફ્ટ સિટી જતા રહેવાનું મન થાય !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment