આવતીકાલે ઉત્તરાયણ છે. આજે બીજો શનિવાર છે એટલે ઘણા લોકોને રજા છે. એટલે હવે શાંતિથી અમુક સુચનાઓ સમજી લો…
***
સુચના : (1)
આજે જેણે જેણે ધાબાની સાફ-સફાઈમાં કશું જ કામ કર્યું નથી એમની ફિરકી કાલે કોઈ પકડશે નહીં. એમની પતંગને છૂટ પણ આપવામાં આવશે નહીં.
***
સુચના : (2)
આજે જેણે જેણે પતંગોની કિન્ના બંધાવવામાં મદદ નથી કરી એમને પણ ઉપરની સજાઓ ભોગવવાની રહેશે. (ખાસ નોંધ : સુંદર છોકરીઓને આ લાગુ પડતું નથી.)
***
સુચના : (3)
આવતીકાલે ધાબાં ઉપર મ્યુઝિક સિસ્ટમમાં જે ગાયનો વગાડવાનાં હોય તેનું પ્લે-લિસ્ટ આજે જ બહુમતીથી પાસ કરી લેવું. કાલે ધાબા ઉપર અડધેથી ગાયનો કાપવાં પડે અને કયું ગાયન વગાડવાનું છે એ શોધવામાં દરેક ગાયનની દસ-દસ સેકન્ડ વગાડીને મગજ ખરાબ કરવાની મનાઈ છે.
***
સુચના : (4)
મોબાઇલનું ચાર્જિંગ અને ડેટાનું રિ-ચાર્જ આજે જ ફૂલ કરી લેવું. આવતીકાલે રીલ્સ બનાવતાં બનાવતાં બેટરી ઉતરી જાય કે બેલેન્સ પતી જાય તો મોબાઇલ અથવા બેલેન્સની ઉધારી માગીને દોસ્તોને શરમમાં નાંખવા નહીં.
***
સુચના : (5)
‘મારાવાળી કઈ છે’ અને ‘તારાવાળી કઈ છે’ એવી ચર્ચાઓ માત્ર પતંગ અથવા ફિરકી બાબતે જ ચલાવી લેવામાં આવશે, તેની ખાસ નોંધ લેવી.
***
સુચના : (6)
આવતીકાલે જે અલગ અલગ ધાબાંઓની યાત્રા કરવાની છે એનો રૂટ આજે જ ફાઈનલ કરી લેવો. જરૂર લાગે તો લાગતી વળગતી છોકરીઓ સાથે ચર્ચા કરી લેવી.
***
સુચના : (7)
અને હા, પોતાનાં પિપૂડાં પોતે જ લાવવાં ! શક્ય હોય તો આજે જ પોતાના નામનાં સ્ટિકર મારી દેવાં. આવતીકાલે બીજાનાં એંઠાં પિપૂડાં વગાડનારને ‘ધાબા-નિકાલ’ કરવામાં આવશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment