આપણે સૌ જાણીએ છીએ કે નવા વરસે જોશમાં આવીને (અથવા થર્ટી ફર્સ્ટની નાઇટે હોંશમાં ન હોવા છતાં) આપણે એવા એવા સંકલ્પો કરી નાંખીએ છીએ જે પાંચ દિવસ પણ ટકતા નથી !
સરવાળે આપણે આપણી જાતને કોસીએ છીએ ! પણ બોસ, આ વખતે આપણે સંકલ્પો જ એવા લેવાના જે કદી તૂટે જ નહીં ! જેમકે…
***
યુવાનોના સંકલ્પો
રોજનો 2.5 GB ડેટા ગમે તેમ કરીને રોજે રોજ પુરો કરવો જ છે ! ભલેને પછી રાતના બે વાગ્યા સુધીનો ઉજાગરો કેમ નથી થતો !
***
કોલેજ ચાલુ હોય એ દિવસે કોલેજ તો જવું જ છે ! ભલે પછી ક્લાસમાં ના બેસીએ એ અલગ વાત છે….
***
આ વરસે એકવાર કોલેજની લાયબ્રેરીમાં પણ જવું છે ! જોઈએ તો ખરા, કેવી હોય છે ?
***
યુવતીઓના સંકલ્પો
રોજ મિનિમમ દસ સેલ્ફીઓ લેવી છે.
રોજ મિનિમમ બે વાર ડીપી બદલવા છે.
રોજ મિનિમમ બે કલાક ફોન ઉપર વાતો થવી જ જોઈએ !
અને રોજ મિનિમમ 25 લાઇક તો મળવી જ જોઈએ !
***
આ વરસે હું મારું વજન ચેક કરતી રહીશ. સ્હેજ પણ ઘટવું ના જોઈએ ! અને મિનિમમ ત્રણ કિલો તો વધવું જ જોઈએ !
(જોયું ? આનાથી કેટલું ટેન્શન ઘટી ગયું !)
***
નોર્મલ પપ્પાના સંકલ્પો
આ વરસે ખોટા ખર્ચા નહીં કરવાના, આચર કૂચર નહીં ખાવાનું, સવારે વહેલા ઉઠવાનું, નિયમિત થોડી એકસરસાઇઝ કરવાની, ધાર્મિક ઉપદેશો સાંભળવાના, વેસ્ટર્ન કલ્ચરથી દૂર રહેવાનું, દારૂ વગેરેનું હાથ પણ નહીં લગાડવાનો… એવી તમામ સલાહો સંતાનોને વારંવાર આપતો રહીશ ! (બોલો સહેલું છે ને ?)
***
નોર્મલ મમ્મીના સંકલ્પો
કોઈપણ ચીજની ખરીદી ભાવતાલની રકઝક કર્યા વિના નહીં કરું !
પાણીપુરી ઉપર ટોટલ કંટ્રોલ… અઠવાડિયામાં મિનિમમ સાત જ દિવસ ખાવાની !
અને મારી ફેવરીટ સિરિયલનો એકપણ એપિસોડ મિસ ના થવો જોઈએ ! વર્લ્ડ કપ હોય તો પણ નહીં !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment