અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે આખા દેશમાં દિવાળી જેવો માહોલ થઈ ગયો ! સરકારી ઓફિસોમાં અડધા દિવસની રજા…. બજારોમાં અને ખાનગી ઓફિસોમાં તો આખા દિવસની રજા હતી !
હવે આગળ શું ? થોડી કલ્પના… અને થોડી રમૂજ…
***
મોબાઇલમાં મેસેજો આવી રહ્યા છે કે ‘દિવાળી તો ઉજવી લીધી. હવે સાલ મુબારક કરવા માટે ઘેર ઘેર ના પહોંચી જતા !’
***
સ્કૂલનાં બાળકોને હવે ખાતરી થઈ ગઈ છે કે હવે દર વરસે 22 જાન્યુઆરીએ રજા હશે !
***
સરકારી કર્મચારીઓ જરાક અફસોસમાં છે કે ‘આ બાવીસમીની જગ્યાએ 24મી હોત તો દર વરસે 25મીની રજા મુકીને 26મી જાન્યુઆરી સાથે ત્રણ રજાનો મેળ પડી જાત !’
***
ફટાકડાના વેપારીઓ માટે નવી એક સિઝનનો ઉમેરો થયો...
દિવાળી સિઝન, ન્યુ યર સિઝન, મેરેજ સિઝન અને હવે રામ મંદિર સિઝન !
***
મોદીજીએ 11 દિવસનું અનુષ્ઠાન કર્યું એટલે હવે આવતા વરસથી ‘રામમંદિર’ અનુષ્ઠાન થવાનાં શરૂ થઈ જાય છે !
***
એ તો ઠીક, મોદીજીએ અનુષ્ઠાન દરમ્યાન જે જે મંદિરોની યાત્રા કરી છે એ જ રૂટની યાત્રાનાં ટુરિસ્ટ પેકેજો પણ આવતા વરસથી બહાર પડવા માંડશે !
***
અચ્છા, સારું યાદ આવ્યું... આપણે લક્ષદ્વીપમાં પણ એકાદ નવું રામ મંદિર બનાવડાવો ને ? માલદીવનો ધંધો જ ચોપટ થઈ જશે ! શું કહો છો...
***
રમકડાંની દુકાનોમાં પેલા નાનાં નાનાં તાજમહાલ વેચાતા હતા ને ? હવે સરસ મજાનાં નાનાં નાનાં રામ મંદિરોનું સેલ એના કરતાં પણ વધી જવાનું !
***
બસ, હવે એક નવી ‘પુષ્પક’ એર-લાઇન્સ શરૂ થાય એટલી જ વાર છે !
***
જોકે, આ દેશના દારૂડીયાઓ થોડા નારાજ છે કે ‘યાર, વધુ એક ડ્રાય-ડે ઉમેરાઈ જશે !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment