હવે પછી 22 જાન્યુઆરી તો ‘રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દિવસ’ તરીકે ઉજવાતો થઈ જશે ! રાઈટ ? અમારું સૂચન છે કે મામૂલી નાગરિકોને ધ્યાનમાં રાખીને 2024માં અમુક નવા સ્પેશીયલ દિવસો ઉજ્વવાની શરૂઆત કરવાની જરૂર છે. જેમ કે…
***
પતિ અધિકાર દિવસ
દર મહિનાની પહેલી અથવા સાતમી તારીખે, જ્યારે પણ પગાર થાય, તે દિવસે પતિને અધિકાર મળવો જોઈએ કે તે પગારમાંથી પોતે ધારે એટલા રૂપિયા પોતાને માટે રાખી શકે ! (શરત એટલી જ કે તેણે પત્નીને પૂછવાનું રહેશે કે ‘બોલ, કેટલા રૂપિયા ધારું ?’)
***
બોયફ્રેન્ડ સાંત્વના દિવસ
દર વરસે 15મી ફેબ્રુઆરીએ, એટલે કે બરોબર વેલેન્ટાઇન ડેના પછીના દિવસે એવા બોયફ્રેન્ડોને જાહેરમાં સાંત્વના આપવામાં આવે, જેનાં દિલ એમની ગર્લફ્રેન્ડોએ તોડ્યાં હોય !
***
નેશનલ વેટ ડે
જો વરસમાં દસ-પંદર ડ્રાય-ડે આવતા હોય તો એક ‘રાષ્ટ્રિય વેટ-ડે’ શા માટે નહીં ? આ દિવસે ગુજરાત, બિહાર અને મિઝોરમ સહિત તમામ રાજ્યોમાં દારૂ પીવાની છૂટ હશે ! (આને આપણે રાષ્ટ્રિય ‘ગિફ્ટ’ ડે પણ કહી શકીએ.)
***
મહિલા માનસિક રાહત દિવસ
વરસમાં એક દિવસ એવો હશે જ્યારે પુરા 24 કલાક સુધી ટીવીમાં, મોબાઈલમાં કે OTTમાં ક્યાંય કોઈ સિરિયલ જોવા જ નહીં મળે ! (IPLની ફાઈનલ હોય એ દિવસ બેસ્ટ રહેશે.)
***
હસબન્ડ સ્વાતંત્ર્ય દિન
વરસમાં એક દિવસ એવો પણ નક્કી કરો જે દિવસે દેશની તમામ પત્નીઓ પોતાને પિયર જશે ! મિનિમમ 24 કલાક માટે ! (થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર આના માટે કેવી ?)
***
રાષ્ટ્રિય ટેક્સ-મુક્તિ દિન
આ દિવસે, 24 કલાક માટે કોઈ ટેક્સ નહીં લાગે ! નો વેટ, નો ટોલ, નો એક્સાઇઝ, નો ઇમ્પોર્ટ, નો એક્સ્પોર્ટ, નો જીએસટી ! (બોલો, 31 માર્ચનો દિવસ કેવો રહેશે ?)
***
રાષ્ટ્રિય નકલી દિવસ
હવે આ જ બાકી છે ! નકલી ટોલનાકાં, નકલી બેન્ક, નકલી પોલીસ, નકલી મંત્રી પછી આખેઆખો દિવસ જ નકલી ! લેતા જાવ...
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment