2023ની પોલિટિકલ ફિલ્મો !

2023માં અમુક ઘટનાઓ એવી બની છે કે જે બ્લોક-બસ્ટર ફિલ્મોથી પણ કમ નથી ! જુઓ…

*** 

સન ઓફ ઇન્ડિયા

ભાજપે જેની ‘નન્હા મુન્ના રાહી હું’ કહીને મજાક કરી હતી એ ‘દેશ કા સિપાહી’એ છેક કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલી હોય એવી ‘ભારત જોડો’ ફિલ્મ બનાવી ! જેમાં ઓક્યુપન્સી પણ 100 ટકા હતી ! અને હવે 2024માં એની સિકવલ પણ આવવાની છે...

*** 

અંધાધૂન ઉર્ફે ખામોશી

મણિપુરમાં અચાનક અંધાધૂન હિંસાથી ભરપૂર ફિલ્મ રિલીઝ થઈ ! જેનાં હથિયારો પણ પોલીસ સ્ટેશનેથી ચોરાયાં ! પણ બીજી બાજુ દિલ્હીમાં વારંવાર માગણી છતાં PMની ‘ખામોશી’ જ ચાલતી રહી...

*** 

ધમાકા ઉર્ફે હંગામા ઉર્ફે હલચલ

એક બાજુ અમેરિકાથી હિન્ડનબર્ગનો રીપોર્ટ જાહેર થયો અને આ બાજુ ભારતના શેરબજારમાં ‘ધમાકા’ રીલીઝ થઈ ! એ પછી સંસદમાં ‘હંગામા’ અને મિડીયામાં ‘હલચલ’ ચાલતી રહી... જોવાની નવાઈ એ હતી કે વેચાણમાં ઘટાડો, ભાવમાં ઘટાડો અને સ્ટાર્સની ઇમેજમાં ઘટાડો થવા છતાં હાઇપ સતત વધતી જ રહી ! સરવાળે એક બ્લોક-બસ્ટર.

*** 

ગહેરાઈયાં ઉર્ફે ગલી બોય્‌ઝ ઉર્ફે રોબોટ-3

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણીના પરિણામો આવી ગયાં પછી ‘ગહેરાઈયાં’ નામની સસ્પેન્સ ફિલ્મ ચાલી ! એ પછી ત્રણ ‘ગલી બોય્‌ઝ’નાં નામો જાહેર થયાં... જેના સબટાઇટલ્સમાં ફિલ્મનું નામ ‘રોબોટ-3’ પણ છે !

*** 

આંસુ બન ગયે ફૂલ ઉર્ફે દંગલ

નેશનલ અને ઇન્ટરનેશનલ મેડલ જીતેલા કુશ્તીબાજો જાહેરમાં રડતા હોય તો કેવું લાગે ? બ્રિજભુષણસિંહ સામે રિલીઝ થયેલી ‘દંગલ’ને સડક, સ્ટેડિયમ અને છેવટે ફૂટપાથ ઉપર પ્રદર્શિત કરવી પડી ! ફિલ્મ હજી પતી નથી કેમકે છેલ્લા રીલમાં ખલનાયક જ બદલાઈ ગયો છે !

*** 

બે ઇન્ટરનેશનલ વૉર મુવીઝ

એક ‘અંતહીન’ નામની વૉર ફિલ્મ તો આખું વરસ યુક્રેનમાં ચાલતી રહી... અને બીજી ઇઝરાયેલી ફિલ્મ ‘ઇન્સાફ મૈં કરુંગા’ ઝટ પતે એમ લાગતું નથી...

***

- મન્નુ શેખચલ્લી

Comments