ફિલ્મોવાળા જે રીતે વરસના અંતે જાતજાતના એવોર્ડો જાહેર કરે છે એ જ રીતે દેશની રાજકીય ઘટનાઓમાં પણ એવોર્ડો જાહેર થવા જોઈએ ! જુઓ અમારાં સજેશનો…
***
બેસ્ટ ન્યુ કમર્સ ઓફ ધ યર
દેશના રાજકારણમાં ત્રણ તદ્દન નવા સિતારા ઉભરી ચૂક્યા છે ! એમના નામ છે (૧) ભજનલાલ શર્મા (૨) વિષ્ણુદેવ સાઈ (૩) મોહન યાદવ.. અરે ભાઈ, આ ત્રણ મહાનુભાવો રાજસ્થાન, છત્તીસગઢ અન મધ્યપ્રદેશના નવા નીમાયેલા મુખ્યમંત્રીઓ છે ! તાલિયાં...
***
બેસ્ટ કમ-બેક ઓફ ધ યર
રાહુલ ગાંધી ! તમે કહેશો કે યાર, કેવી રીતે ? તો સાહેબો, એમને સાંસદ તરીકે નિષ્કાષિત કરવામાં આવ્યા હતા, પણ પછી કાનૂની લડાઈ બાદ એમનો કમ-બેક થયો કે નહીં ?
***
બેસ્ટ એક્ટર ઇન કોમિક રોલ
તમે ધારો છો એ નથી ! (એ તો એવરગ્રીન છે જ.) પરંતુ આ વરસે નવા સંસદભવનની બહાર દેખાવો કરતી વખતે સ્પીકર ધનખડ સાહેબની પરફેક્ટ મિમિક્રી કોણે કરી બતાડી હતી ? એ હતા TMCના સાંસદ કલ્યાણ બેનરજી !
***
બિગેસ્ટ બ્લોકબસ્ટર કલેક્શન
અહીં બે નોમિનેશન્સ છે. એક છે ઝારખંડના કોંગ્રેસી નેતા ધીરજ સાહુ, જેમને ત્યાંથી સામટા 350 કરોડથી વધારે રકમની રોકડ મળી ! પરંતુ બીજી નોમિનેશન પણ કંઈ કમ નથી, ભારતીય જનતા પાર્ટીને આ વરસે 720 કરોડ તો ઇલેક્ટોરલ બોન્ડ સિવાયના ‘દાન’ સ્વરૂપે કલેક્શનમાં જમા થયા છે ! બોલો, તમારો વોટ કોને જાય છે ?
***
બેસ્ટ એક્શન સીન ઓફ 2023
પોલીસ અને મિડીયાની હાજરીમાં બે અજાણ્યા યુવકો આવ્યા અને યુપીના કુખ્યાત ગેંગસ્ટર અતિક એહમદ અને અશરફ એહમદને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી દીધી ! બોલો.
***
બેસ્ટ એક્ટર ઇન ડબલ-રોલ
બ્રિજભુષણ સિંહ ! કઈ રીતે ? અરે ભાઈ, આખું વરસ કુશ્તીબાજો સામે ઝીંક ઝીલ્યા પછી છેલ્લી ઘડીએ પોતાની જગ્યાએ પોતાના વિશ્ર્વાસુ અજય સિંહને ગોઠવી દીધા ! થયો ને ડબલ-રોલ !
***
બેસ્ટ ફોટોગ્રાફર ઓફ ધ યર
ખાસ નાઇજિરીયાથી આપણા કુનો જંગલમાં જે ચિત્તા લાવ્યા એના ફોટા કોણે પાડ્યા હતા ? એ ફોટા અમર છે ! કેમકે ચિત્તા તો બિચારા મરી ગયા...
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment