ગયા વરસે અમુક એવી ઘટનાઓ બની જેના કારણે દેશના કરોડો, લાખો અથવા હજારો લોકોના દિલની ધડકનો ધક-ધક…ધક-ધક… કરતી થઈ ગઈ હતી ! યાદ કરો…
***
23 ઓગસ્ટ 2023… દેશના કમ સે કમ 100 કરોડ લોકોનું ધક-ધક એટલું જોરથી થતું હતું કે કદાચ ધરતી હલી ગઈ હશે ! જી હા, એ દિવસ હતો ચંદ્ર ઉપર ભારતના ચંદ્રયાનનું લેન્ડિંગ થવાનો !
***
19 નવેમ્બર 2023… વર્લ્ડ-કપની ફાઈનલની સાંજે તો કરોડો ધડકનો બહુ જોશથી ધડકતી હતી પણ જેમ જેમ રાત પડતી ગઈ તેમ તેમ ધક… ધક… ધક.. ધીમું થતું ગયું !
***
29 મે 2023… IPLની ફાઈનલ ! આહાહા.. રવિન્દ્ર જાડેજાના છેલ્લા બે બોલમાં એક સિક્સર અને એક ચોગ્ગો ! ગુજરાતની ટીમ હારી છતાં એક ગુજરાતી સામે ! એટલે ગુજરાતીઓનાં દિલ ધક-ધક !!
***
12 જુનથી 16 જુન… આવે છે રે આવે છે… પેલું બિપોરજોય વાવાઝોડું આવે છે ! સાલું, 300 કિલોમીટરની કહેવાતી ઝડપે આગળ વધી રહેલું એ વાવાઝોડું ચાર ચાર દિવસ સુધી કમિંગ સૂન… કમિંગ સૂન… જ કરતું રહ્યું ! છેવટે ગુજરાતીઓને તો સારા વિડીયો પણ ઉતારવા ના મળે એટલું ધીમું નીકળ્યું ! પણ બોસ, ‘ધક-ધક’ કેટલી કરાવી ? એમ ત્યારે…
***
25 જાન્યુઆરી… બેશર્મ રંગ… આખા દેશના શાહરુખ ચાહકો અને શાહરુખ ધિક્કારકો ‘ધક-ધક’ સાથે રાહ જોતા હતા કે 'પઠાન'માં દિપીકાએ પેલા બેશરમ રંગવાળી બિકીની પહેરી છે તેના લીધે શું શું થશે ? આખરે થયું શું ? લોકોના ખિસ્સામાંથી 1000 કરોડ કાઢી લેવાયા… બેશરમી સાથે !
***
7 ઓક્ટોબર… હમાસે વહેલી સવારે ઇઝરાયેલ ઉપર લોહિયાળ હુમલો કરી દીધો ! એની તસવીરો વિડીયો જોઈને દુનિયાભરમાં ધક-ધક થઈ ગયું ! પછી ? આજે ગાઝા પટ્ટીમાં મરણાંક 25000ની ઉપર છે છતાં છે કોઈને ધક-ધક ?
***
બાકી, 2023ની બેસ્ટ ધક-ધક મોમેન્ટ હતી 22 ડિસેમ્બરે… જ્યારે સરકારે જાહેર કર્યું કે ગિફ્ટ સિટીમાં… (જોયું ? ચહેરા ઉપર કેવું સ્માઈલ આવી ગયું !)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment