IPLની અધધધ હરાજી પછી..

2024માં રમાનારી IPL માટે જે વચગાળાની હરાજી થઈ એમાં અમુક ખેલાડીઓને જે અધધ… પ્રાઇસ મળી છે તે જોઈને સૌની આંખો પહોળી થઈ ગઈ છે ! પણ…. એક મિનિટ –

*** 

એક ખેલાડી 20 કરોડમાં અને બીજો ખેલાડી 24.6 કરોડમાં ખરીદાયો એટલે ઓહો... ઓહો... થઈ ગયું ?

- આ તો કંઈ નથી. અમારા એક સામાન્ય સાંસદના ઘરમાં જ સાડા ત્રણસો કરોડની કેશ પડી હોય છે !

*** 

એક બાજુ વર્લ્ડ-કપ જીતનારી ટીમને 20 કરોડ રૂપિયા મળ્યા. તો બીજી તરફ એ જ ટીમના બે ખેલાડી 44.6 કરોડમાં ખરીદાયા !

- યાદ કરો, ‘લગાન’માં અંગ્રેજો આપણને શું કહી ગયા હતા ? ‘ડુગના લગાન ડેના પડેગા !’

*** 

કહે છે કે મિચેલ સ્ટાર્કનો એક બોલ હવે 7.5 લાખ રૂપિયાનો થશે !

- તો બોસ, સામેની ટીમના બેટરે જેવો બોલ ફેંકાય કે તરત ખિસ્સામાં ઘાલીને હાલતા થવું જોઈએ ને !

*** 

બીજી તરફ પક્ષપલટો કરી કરીને ભાજપમાં આવનારા નેતાઓ મૂછમાં હસી રહ્યા છે :

‘બસ આટલા જ ? એ પછી મંત્રી પદ, ચેરમેન પદ, કોન્ટ્રાક્ટ, કમિશન... એવું કશું જ નહીં ?’

*** 

અરે, મ્યુનિસિપાલિટીના અધિકારીઓ પણ મૂછમાં હસી રહ્યા છે...

‘બસ ? વીસ કરોડ ? ચોવીસ કરોડ ? અરે, આટલો ભાવ તો અમે બન્યો-બનાવેલો બ્રિજ તોડી પાડવાનાં ટેન્ડરમાં લગાવીએ છીએ !’

*** 
ખરી મઝા તો ત્યારે આવશે જ્યારે IPLનો કોમેન્ટેટર કહેતો હશે...

‘દેખિયે, અભી તક ઇસ મેચ મેં ઉન્હોં ને દેઢ કરોડ રૂપયોં કી ગેંદે ડાલી હૈ, ઉપર સે 30 મૂલ્યવાન રન દિયે હૈ... મગર ફિર ભી દસ-દસ લાખવાલે દો બેટ્સમેનોં કી વિકેટ નહીં લે પાયે હૈં ! અજીબ બાત હૈ ના...’

*** 

અને મેચ પત્યા પછી ફ્રેન્ચાઇઝીના માલિકને કટાક્ષમાં પૂછવામાં આવશે...

‘આજ કિતને વસૂલ હુએએ ?’

***

- મન્નુ શેખચલ્લી

Comments