પાંચ રાજ્યોની ચૂંટણીઓ પછી ધડાધડ EXIT પોલનાં અનુમાનો આવી રહ્યાં છે! જોવાની વાત એ છે કે આમાં કોને ગાદી મળશે અને કોણ ગાદી વિનાનો રહેશે એની જ ચર્ચા છે! પ્રજાનું શું થશે એની તો વાત જ નથી…
એટલે જ અમે પ્રજાના એંગલથી એક પોલ બહાર પાડી રહ્યા છીએ !
***
EXITની વાત છે તો…
- થશે એવું કે જીતનારા ઉમેદવારો પોતાના મતવિસ્તારમાંથી EXIT કરી જશે અને રાજ્યની રાજધાનીમાં પહોંચી જશે.
- એ જ રીતે હારનારા ઉમેદવારો મતવિસ્તારથી EXIT કરીને પોતપોતાના ઘરે જતા રહેશે.
- દિલ્હીની ન્યુઝ ચેનલોવાળા પણ રાજ્યોમાંથી EXIT કરીને પાછા દિલ્હી ભેગા થઈ જશે.
- બસ, પ્રજા હતી ત્યાં ને ત્યાં રહેશે. એ ક્યાંય EXIT કરી શકશે નહીં !
***
‘પોલ’ની વાત છે તો…
- હવે નેતાઓ એકબીજાની પોલ ખોલવાનું થોડા સમય માટે મુલતવી રાખશે.
- હારેલા નેતાઓ EVMની પોલ ખોલવા માટે થોડા ધમપછાડા કરશે, પણ પછી બધું ઠંડુ પડી જશે.
***
ઓપિનિયન POLLની વાત છે તો…
થશે એવું કે જે કરોડો લોકોએ POLL એટલે કે મતદાનમાં ભાગ લીધો છે એમને હવે કોઈ પૂછશે જ નહીં !
- અને ‘ઓપિનિયન’ આપનારાઓ ગળાં ફાડીને વિશ્ર્લેષણો કરતા રહેશે !
***
અન્ય અનુમાનો…
‘તમને ફલાણાએ લૂંટી લીધા અને ઢીંકણાએ ઉલ્લુ બનાવ્યા’ એવું કહેનારા નેતાઓ પોતે જ હવે પ્રજાને લૂંટવાના અને ઉલ્લુ બનાવવાના પ્લાનમાં વ્યસ્ત થઈ જશે !
- અને હા, પરિણામોની 'પ્રજા' ઉપર શું અસર પડશે એના કરતાં '2024ની ચૂંટણી' ઉપર શું અસર પડશે? એની ચર્ચા વધારે થતી હશે !
- બોલો, લોકશાહી ઝિંદાબાદ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment