બિઝનેસ માટે નવી લિકર પોલીસી !


ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ શા માટે આપી છે ? જેથી કરીને રાજ્ય બહારના અને દેશ બહારના બિઝનેસમેનોને આકર્ષી શકાય એટલે જ ને ? તો સાહેબો, અમારું સૂચન છે કે આ જ પોલીસી આગળ ધપાવો...

*** 

GSTને લિન્ક કરો...

જે રીતે આધારકાર્ડને બેન્ક ખાતા સાથે લિન્ક કરવું જરૂરી છે એ જ રીતે GSTને લિકર પોલીસી સાથે લિન્ક કરો !

જે વેપારી 5000 રૂપિયાથી વધારે GST ભરે છે, તેને દર 5000 રૂપિયાના GST ભરવા ઉપર 1 બોટલની પરમિટ આપો !

પછી જુઓ, ગુજરાતનું GST કલેક્શન કેવા ઐતિહાસિક રેકોર્ડ સર્જે છે !

*** 

મન્ચિંગ ઉદ્યોગને લિન્ક કરો...

આમેય બે બાટલી લઈએ છીએ ત્યારે તળેલા કાજુ, શિંગભૂજિયાં, દાળમૂઠ, તીખી સેવ, ચનાચોર ગરમ... વગેરે મળીને એકાદ કિલોનું તો મન્ચિંગ થઈ જ જાય છે ને ?
તો સિસ્ટમ સ્હેજ ફેરવી નાંખો ! જ્યારે જ્યારે ગ્રાહક બે કિલો જેટલું મન્ચિંગ ખરીદે ત્યારે તેને એક બાટલીની પરમિટ આપી જ દેવાની !

પછી તમે જુઓ, ગુજરાતનો નાસ્તા ઉદ્યોગ કેવી હરણફાળ ભરે છે ! અરે, મગફળીના તો ‘ટેકા’ના ભાવ પણ ડબલ થઈ જશે !

*** 

ટુરિઝમ ઉદ્યોગને લિન્ક કરો...

ગિરના જંગલમાં જાવ ત્યારે શું માત્ર સિંહ અને બાંધેલો પાડો જ જોવાનો ?

સાપુતારા જઈએ ત્યારે શું માત્ર ધોધ અને ઝાડવાં જોવાનાં ?
પાવાગઢ જઈએ ત્યારે શું માત્ર રોપ-વેમાં જ આટાં મારવાના ?

અને શિયાળામાં જે કચ્છનો રણોત્સવ થાય છે ત્યાં શું ધાબળા ઓઢીને ઊંટો જ જોયા કરવાના ?

આ તમામ સ્થળે ટુરિઝમ ઉદ્યોગને પ્રોત્સાહન મળે એટલા માટે દરેક પ્રવાસીને... (બોલો, કેટલું ઝડપથી સમજી ગયા ?)

*** 

મેડિકલ ઉદ્યોગને પણ..

કિડનીની હોસ્પિટલો શા માટે બાકી રહી જાય ? લોકો આટલો દારૂ પીશે તો કીડનીનાં દર્દો માટે પણ પેકેજો હોવાં જોઈએ ને ? સ્કીમ એવી હશે કે જો તમારો સ્કોર 300 બાટલીથી ઉપર થઈ જાય તો કિડનીનાં ઓપરેશનનો અડધો ખર્ચ સરકાર ઉઠાવશે ! ચિયર્સ... !!

***

- મન્નુ શેખચલ્લી

Comments

  1. Yaar Govt ni jem tame bhi Sr Citizens ne bhuli gaya Emne to policy ni khas jaroor chhe Je aa umare bhi saras friend sathe lave ene half nu permit ?

    ReplyDelete

Post a Comment