આજકાલ શેરબજારમાં ભારે તેજી છે. આવી જ એક જબરદસ્ત તેજી વખતની ઘટના છે…
***
એક નાનકડા શહેરના સ્ટોક એક્સચેન્જ બિલ્ડીંગમાં આગ લાગી ગઈ !
ત્યાં ફાયર બ્રિગેડને પહોંચતાં બે કલાક લાગી ગયા ! એ તો સારું થયું કે કોઈ જાનહાનિ ના થઈ. માત્ર બે ચાર જણા દાઝી ગયા અને થોડાં કાગળિયાં, કોમ્પ્યુટર વગેરે બળી ગયાં.
પરંતુ શેરદલાલોએ ફરિયાદ કરી કે ફાયર-બ્રિગેડ આટલી મોડી કેમ પહોંચી ?
આના માટે એક તપાસ સમિતિ નીમવામાં આવી. એ લોકોએ જઈને પૂછ્યું :
‘જ્યારે આગ લાગવાની શરૂઆત થઈ ત્યારે તમે ફાયર-બ્રિગેડને જાણ કરી હતી ખરી?’
‘અરે ! અમે ફોન કરીને રીતસર કીધું હતું કે અહીં શેરબજારમાં તણખા ઝરી રહ્યા છે !’
‘તોય એમણે જવાબ ના આપ્યો ?’
‘અરે, પંદર મિનિટ રાહ જોયા પછી અમે ફરીવાર ફોન કરીને કીધું કે સાહેબો ! અહીં શેરબજારમાં આગ લાગી છે !’
‘તો ?’
‘તો શું ? અમે એ પછી અડધો કલાક સુધી રાહ જોઈ છતાં કોઈ ના આવ્યું !’
‘બને જ નહીં !’
‘અરે બન્યું છે ! અડધો કલાક રાહ જોયા પછી અમે ફોન કરીને કીધું, આ શેરબજાર ભડકે બળી રહ્યું છે !’
‘તો પણ એ લોકો ના આવ્યા ?’
‘ના ! અમે તો બિલ્ડીંગની બહાર નીકળી ગયા ! એ પછી પણ અમે ફોન કર્યો કે અહીં આખું શેરબજાર લાલચોળ થઈ ગયું છે !’
‘તો એમણે કંઈ જવાબ જ ના આપ્યો ?’
‘આપતા હતા ને ? દર વખતે જવાબ આપતા હતા !’
‘શું ?’
‘એ જ કે એમાં શી નવી વાત કરી ? આ તો આજે સવારના છાપામાં આવી ગયું છે !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment