અસલી ક્યા હૈ? નકલી ક્યા હૈ ?

નકલી ટોલનાકું અને CM ઓફિસના નકલી અધિકારી તો ઠીક, મોદી સાહેબનો પણ ડીપ-ફેક વિડીયો આવી ગયો!
આ અસલી-નકલીની પહેચાન શી રીતે થાય ?

*** 

આખેઆખી નકલી બેન્ક-બ્રાન્ચ

તમારું કામ ફટાફટ થઈ જાય, તમને ખોટા ધક્કા ના ખવરાવે, તમને ચાર કાઉન્ટરના ગરબા ના ગવડાવે... તો સમજવું કે બોસ, આખેઆખી બ્રાન્ચ નકલી હશે !

*** 

ગુજરાતી મિનીસ્ટરનો નકલી વિડીયો

એ હિન્દીમાં બોલતા હોય, સળંગ બાર વાક્યો પ્રોપર હિન્દીમાં બોલી જાય, અને ‘આવડતા નહીં હૈ’, ‘ફાતા નહીં હે’ એવું એકપણ ગુજરાતી લખ્ખણ ના હોય તો સમજવું આખો વિડીયો નકલી છે !

*** 

નકલી દસ્તાવેજ

ટાઇપિંગમાં જોડણીની એકપણ ભૂલ ના હોય, ટાઈપ થયેલા અક્ષરો તૂટેલા, છુટાછવાયા, ઉપર-નીચે ના હોય... સિક્કો બિલકુલ વંચાય એવો સ્પષ્ટ હોય અને સહી પણ ‘અવાચ્ય’ ના હોય... તો ચોક્કસ સમજવું કે દસ્તાવેજ નકલી છે !

*** 

નકલી પોલીસ

બિલકુલ નમ્રતાથી વાત કરે, તમારો વાંક હોય છતાં મોટો દંડ ફટકારવા માટે રસીદબુક ના કાઢે, ઉપરથી તમને બે સારી સલાહ આપે... અને તમે માત્ર સોડાની બાટલી લઈને જતા હો તો તમને જોડેજોડે ચવાણાંનાં બે પેકેટ લઈ જવાનું ‘વિના-મુલ્યે’ સૂચન પણ કરે... તો એ અસલી પોલીસવાળો હોય જ નહીં !

*** 

નકલી ફેસબુકવાળી

દર બે દહાડે DP ના બદલતી હોય, તમારી જોડે રોમેન્ટિક ચેટ ના કરતી હોય, તમારી પાસે કદી ગિફ્ટ ના મંગાવી હોય, એ તો ઠીક, પોતાના ફોનમાં તમારી પાસે બેલેન્સ પણ ના કરાવ્યું હોય... તો એ નકલી ફેસબુકવાળી નહીં જ હોય !

*** 

નકલી સરકારી કર્મચારી

જો રીસેસના ટાઇમમાં પણ તમે એને ટેબલ પર બેસીને કામ કરતો જુઓ... તો ચેતી જજો ! એ નકલી કર્મચારી જ હશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments