અમુક લોકોને ટાઢ પડે તોય તકલીફ હોય છે અને ટાઢ ના પડે તોય તકલીફ હોય છે ! છતાં જનરલી જોવા જાવ તો આ શિયાળામાં મુખ્યત્વે 7 તકલીફો છે…
***
તકલીફ (1)
આ વખતે ટાઢ એટલી એવરેજ પડી છે કે સ્વેટર પહેરીએ તો પરસેવો થઈ જાય છે અને ના પહેરીએ તો સાલી, ઠંડી લાગી જાય છે !
***
તકલીફ (2)
બરફ પડ્યો… પણ તે આબુમાં કે શિમલામાં પડવાને બદલે રાજકોટમાં પડ્યો ! અને એ પણ માવઠામાં !
***
તકલીફ (3)
આપણે જે પીએ છીએ તેની કોઈ ગેરંટી જ નથી ! કેમકે નકલી ટોલ પ્લાઝા અને નકલી કફ સિરપની જેમ હજી નકલી દારૂ પકડાયો નથી !
***
તકલીફ (4)
NRIઓ આવે છે ત્યારે જોડે એક જ બાટલી લાવે છે અને આપણી ચાર બાટલી પી જાય છે ! ઉપરથી કહે છે કે યાર, તમારી ઓરિજિનલ જેવી ના લાગી હોં ?
***
તકલીફ (5)
થર્ટી ફર્સ્ટ તો રવિવારે છે એટલે વાંધો નથી, પણ બોસ, તકલીફ એ છે કે પહેલી તારીખે સોમવાર છે અને એ દિવસે ઓફિસમાં જવું જ પડશે !
***
તકલીફ (6)
નલિયામાં કેટલી ઠંડી પડી એના આંકડા હજી સોશિયલ મિડીયામાં આવ્યા નથી, અને આ વરસે પારો કેટલો નીચો જશે એની આગાહી અંબાલાલે પણ કરી નથી ! આમાં નવરી બજારને પંચાત માટે કોઈ ટોપિક મળતો નથી….
***
તકલીફ (7)
ઠંડી એટલી વધારે પણ નથી પડતી કે કુંવારાઓને પરણી જવાનું મન થાય ! અને એટલી ઓછી પણ નથી પડતી કે પરણેલાઓને છૂટાછેડા લેવાનું મન થાય !
- આમાં ને આમાં વસ્તી વધારાનો દર એમ નો એમ જળવાઈ રહ્યો છે ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment