આપણા કવિઓ કવિતામાં એવું એવું લખી નાંખે છે કે ભલભલી ઇન્ટરનેશનલ ડિગ્રી લઈને ડોક્ટર બનેલાઓ પણ એનું નિદાન કરી શકતા નથી ! (નિદાન જ ના થાય, તો ઈલાજ પણ ક્યાંથી થાય ? કવિઓ, તમે જરા સમજો.) અમે આવા નમૂના (કવિના નહીં, કવિતાના યાર !) વીણીવીણીને શોધી લાવ્યા છીએ ! તમે પણ ડાયાગ્નોસિસ કરી જુઓ…
***
મારી છાતીમાં ઝીણો વરસાદ…
બોલો ખતરનાક બિમારી છે ને ? સાલું, છાતીની અંદર ઝીણો ઝીણો વરસાદ પડતો હોય એ તો એક્સ-રેમાં પણ ના પકડાય ને ? અને તમે MRI કરાવવા જાઓ ત્યારે જો ભૂલેચૂકે ઝાપટું પડી ગયા પછી ઉઘાડ અને તડકો નીકળ્યો હોય તો ? અમુક લોકોનાં ફેફસામાં જ પાણી ભરાય છે ને, એનું મૂળ કારણ હવે મળી ગયું ! થેન્ક યુ કવિરાજ !
***
અજવાળાં પહેરીને ઊભા શ્વાસ..
બિચારો ડોક્ટર તમારી છાતી ઉપર સ્ટેથોસ્કોપ મુકીને ભલે એમ કહેતો હોય કે ‘શ્વાસ લો… ઊંડા શ્વાસ…’ પણ બોસ, એ શ્વાસ અજવાળાં પહેરીને ઊભા હોય એની શી રીતે ખબર પડે ? અમુક ભોળા ડોક્ટરો હાથમાં બેટરી લઈને આપણને ‘આ… આ… ’ કરવા કહેતા હોય છે. પણ ડોક્ટર સાહેબ, તમે તમારી બેટરી બંધ રાખો (ઉપરથી દવાખાનાની લાઈટો પણ બંધ કરાવો) તો જ ખબર પડે ને, કે ગળામાં જે શ્વાસ છે એ કયા કલરનાં અજવાળાં પહેરીને ઊભા છે ?
અને હા, અજવાળાનું બનિયાન બનાવીને પહેરે છે કે ધોતિયું ? આ ડાયાગ્નોસિસ તો બહુ અઘરું છે ભૈશાબ ! અમારું સૂચન છે કે તમે ઉંદરડા અને સસલાં ઉપર પ્રયોગો કરો છો એવી રીતે આગિયાઓ ઉપર કંઈક દવાઓ અજમાવી જુઓ. કદાચ છે ને કંઈક ઇલાજ મળે પણ ખરો. કવિશ્રી રાહ જુવે છે.
***
આંખોમાં બેઠું ચોમાસું...
આ તો સાવ ઇઝિ છે ! કવિને પેલો ‘કંજક્ટિવાઇટિસ’ થયો છે ! બસ, જોવાનું એ જ છે કે એમાં વીજળીના ચમકારા પણ થાય છે કે નહીં ? અને જો વાદળોની ગડગડાટી થતી હોય તો એનો અવાજ અંદરથી કાનમાં પહોંચે છે કે બહારથી ? (ખરેખર ગડગડાટી બોલતી હોય તો ડોક્ટરો આંખો ઉપર સ્ટેથોસ્કોપ મુકીને સાંભળી પણ શકે ! નહીં ?) કવિરાજ, ચિંતા ના કરો. આનો ઉપાય હાથવેંતમાં છે !
***
મનમાં થયું છે માવઠું…
હે ભગવાન ! આ પાછું અઘરું લાવ્યા ! બોસ, આજ દિન સુધી કોઈ દરદીની ખોપડીમાં પાણી ભરાયું હોય એવો કેસ સાંભળ્યો છે ? અને પાછું અહીં તો માવઠું થાય છે ! એટલે આપણે ચોમાસું તો નોર્મલ જ ગણવાનું ! કેમ કે માવઠું તો શિયાળા કે ઉનાળામાં જ થાય ! પ્રોબ્લેમ એ છે કે અગાઉના કેસમાં જે કવિરાજની આંખોમાં ચોમાસું બેઠું હતું એને આપણા ફેમિલી ડોક્ટરો કહે છે એમ ‘સિઝનલ છે’ એવું જ સમજીને ચાલવાનું છે ? ટોટલ કન્ફ્યુઝન છે, સાહેબો !
***
શ્વાસને કહી દો, આજથી રજા છે…
આ તો એનાથી પણ અઘરું લાવ્યા, કવિરાજ ! તમે તો યાર, મનમાં આવ્યું એટલે શ્વાસને હક્ક-રજા આપી દીધી ! પણ બોસ, શરીરના બીજાં અંગોનું શું ? એમણે પણ વિક-એન્ડમાં શ્વાસ જ્યાં જાય ત્યાં જવાનું ? ના ના, તમે જસ્ટ ઇમેજીન કરો કે બિચારા અમારા ફેમિલી ડોક્ટર છાતી ઉપર સ્ટેથોસ્કોપ મુકીને કહેતા હોય કે ‘ચલો શ્વાસ લો… શ્વાસ…’ અને તમે કહી દો કે ‘સાહેબ, એ તો આજે રજા ઉપર છે !’ યાર, આ તે કંઈ રીત છે ? કાલે ઊઠીને તમે કહેશો કે શ્વાસ તો ગયા વેકેશનમાં ! તો અમારે ઓનલાઇન યોગા-ક્લાસિસમાં જઈને અનુલોમ-વિલોમ કરાવતા બાબા રામદેવને બહાનું શું બતાડવાનું ?
***
દિલમાં પ્રગટે છે દીવા ચાર…
ભલા માણસ, ચાર હોય કે બાર ! સવાલ એ છે કે ત્યાં હાર્ટમાં એવું થતું પણ હોય, તો ત્યાં સુધી કોડિયાં કોણે પહોંચાડ્યાં ? અને અંદર દિવેલ હોય કે તેલ, એ શું ધમનીઓ વાટે અંદર ગયું ? વાત કરો છો ? બાકી એક વાત નક્કી છે, તમને છૂપે-છૂપે ઓશિકાનું રૂ ચાવી જવાની આદત છેક બાળપણથી હોવી જોઈએ ! નહીંતર દીવાની વાટ અંદર બને જ શી રીતે ? કવિરાજ, તમારો આ કેસ તો એટલો ખતરનાક છે કે વર્લ્ડ-બેસ્ટ હાર્ટ સ્પેશીયાલિસ્ટો ઊંધા પડી જાય તોય સોલ્વ નહીં કરી શકે !
જોકે અમારી પાસે એક ઘરઘથ્થુ ઈલાજ છે. તમે ટ્રાય કરી જોજો… તમે છે ને, બે પાંચ મહિના માટે તેલવાળું ખાવાનું સદંતર બંધ કરી દો. અને હા, જો જુલાબ માટે દિવેલ લેતા હો તો એના બદલે હરડે લેવાનું રાખો. શક્ય છે કે દીવાઓને તેલ કે દિવેલ નહીં મળે તો કદાચ હોલવાઈ પણ જાય ! આપણે ટ્રાય કરવામાં શું જાય છે, હેં ?
***
તરસ એટલી સુક્કી કે નદી પી ગયો છું….
લો બોલો ! આનો ઈલાજ તો સિમ્પલ છે ! તમારે થોડી ધીરજ રાખવાની જ જરૂર છે. કેમકે ભલે વારંવાર જવું પડે, પણ પેશાબ વાટે બધું નીકળી તો જશે જ ! બસ કાળજી એટલી જ રાખવાની કે સાબરમતી રિવરફ્રન્ટની જેમ નદીમાં ‘સી-પ્લેન’ ઉડાડવાની લાલચ થાય તો માઇન્ડ પર કંટ્રોલ રાખવાનો. ઓકે ?
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
વાહ
ReplyDelete