‘બહેનોં ઔર ભાઈઓ…’ તથા ‘આવાઝ કી દુનિયા કે દોસ્તોં..’ જેવા સંબોધનોથી જે આજે પણ મશહૂર છે એવા અમીન સયાની, આ મહિનાની 21 તારીખે 91 વરસના થશે !
એક જમાનો એવો હતો કે જ્યારે નાનાં નાના શહેરના થિયેટરમાં પડેલી ફિલ્મની પબ્લિસીટી માટે જે સાઈકલ રીક્ષામાં માઈકનાં ભૂંગળા લઈને બેસતા, એ પણ અમીન સયાનીના લહેકામાં જ પ્રચાર કરતા ! અરે, એ વખતે ભાગ્યે જ કોઈ ફિલ્મી ગાયનોનું ઓરકેસ્ટ્રા હતું જેના શોમાં સૂત્રધારને અમીન સયાનીનો ‘વહેમ’ ના હોય ! એ હિસાબે જુઓ તો એક સમયે આખા ભારતમાં કમ સે કમ પાંચેક હજાર લોકોને અમીન સયાનીની સ્ટાઈલનો ‘ચેપ’ લાગ્યો હતો !
અમીન સયાની પછી મિનિમમ બે ડઝન રેડિયો એનાઉન્સરો આવી ગયા (અને આજકાલ પાંચેક ડઝન જેટલા રેડીયો-જોકી છે) છતાં અમીન સયાનીની લોકપ્રિયતાની તોલે આવે એવું કોઈ નીકળ્યું નથી. આજના સિનિયર સિટીઝનો જે લોટના ડબ્બા જેવા વાલ્વ રેડિયો અને નાસ્તાના ડબ્બા જેવા ટ્રાન્ઝિસ્ટર રેડિયો સાંભળીને મોટા થયા છે એમને તો હજી વગર રેડિયે અમીન સયાનીના અવાજના ભણકારા પોતે ઇચ્છે ત્યારે સંભળાઈ શકે છે !
અવાજના આ બેતાજ બાદશાહની કહાણી અનોખી છે. જો તમને એમ કહીએ કે અમીનભાઈને શરૂઆતમાં ‘હિન્દી’ જ ફાવતું નહોતું, તો નવાઈ લાગે ને ? જી હા, મુંબઈમાં જન્મેલા અમીન સયાની તે વખતની એક ગુજરાતી શાળામાં ભણતા હતા ! એમનું અંગ્રેજી પણ સારું હતું પણ હિન્દી ઉચ્ચારોમાં થોડા લોચા હતા. પણ એનો મતલબ એમ નહીં કે એમનું હિન્દી ખરાબ હતું. ઉલ્ટું, એમનાં મમ્મી કુલ્સુમ સયાની એક ‘રાહબર’ નામનું ગાધીવાદી વિચારસરણીનું પાક્ષિક, જે ઉર્દૂ, હિન્દી અને ગુજરાતીમાં પ્રગટ થતું હતું, તેનાં સંપાદક હતા અને આ ભાઈસાહેબ સ્કુલમાં હતા ત્યારથી મમ્મીને મદદ કરવા પહોંચી જતા હતા. (વગર પગારે !)
અચ્છા, જો તમે એમ માનતા હો કે અમીન સયાનીને પેલી ‘બિનાકા ગીતમાલા’થી રેડિયોમાં બ્રેક મળ્યો, તો મિત્રો, ત્યાં પણ આપણી ભૂલ થાય છે. હકીકતમાં આ આખો રેડિયોમાં બોલવાનો કસબ અમીનકુમારને નાનપણથી જ ફાવી ગયો હતો કેમકે એમના મોટાભાઈ હમીદ સયાની ઓલરેડી સરકારી રેડિયોમાં એનાઉન્સર હતા ! આ ક્યારની વાત છે ? અરે ભાઈ, આઝાદી પહેલાંની !
એ વખતે પણ ઓલ ઇન્ડિયા રેડિયો હતો, પણ અંગ્રેજોની માલિકીનો ! એમાં ન્યુઝ બુલેટિનો ઉપરાંત ભારતના જે ધનવાન લોકોને રેડિયો પોષાતો હતો એમના માટે મનોરંજન કાર્યક્રમો પણ રજુ થતા હતાં. એમના મોટાભાઈ એમને અવારનવાર રેડિયો સ્ટેશને લઈ જતા. માત્ર સાત જ વરસની ઉંમરે તેમણે અમીનકુમારને પોતાનો વોઈસ રેકોર્ડ કરતાં શીખવાડી દીધેલું.
આગળ જતાં રેડિયો ઉપર બાળકો માટેના પ્રોગ્રામોમાં એમને તક મળવા લાગી. (આ વાત છેક 1940ની છે.)
પરંતુ જેમ જેમ અમીનભાઈ મોટા થતા ગયા તેમ તેમ નાના મોટા રેડિયો કાર્યક્રમોમાં ભાગ લેતા થઈ ગયા. જેમકે રેડિયો, નાટક, રેડિયો રૂપક અને ઇન્ટરવ્યુ વગેરે. મોટાભાગનું કામ ઇંગ્લીશમાં થતું હતું. પરંતુ આઝાદી પછી અમીનભાઈને લાગ્યું કે અંગ્રેજીના બદલે હિન્દી ભાષામાં કામ કરવું જોઈએ. તો જનાબ પોતાની એક સ્ક્રીપ્ટ લઈને ઓલ ઇન્ડિયા રેડિયોમાં પહોંચી ગયા ! અહીં એમનું ઓડિશન લેવામાં આવ્યું. પરંતુ મોટાભાઈની ઓળખાણ હોવા છતાં એમને સ્પષ્ટ કહી દેવામાં આવ્યું કે ‘ભાઈ, તારા હિન્દી ઉચ્ચારોમાં અંગ્રેજી અને ગુજરાતીની છાંટ આવે છે !’
જોકે અમીનભાઈ મહેનત કરવામાં ક્યાં પાછળ પડે એવા હતા ? એમણે પોતાનું હિન્દી ઉચ્ચારણ સુધારવા માટે હિન્દી નાટકો, હિન્દી કવિ સંમેલનો વગેરેમાં જવા માંડ્યું. આખરે 1952માં એમને એક જબરદસ્ત બ્રેક મળ્યો ! બન્યું એવું કે ભારત જ્યારે આઝાદ થયું ત્યારે શ્રીલંકા પણ વગર મહેનતે આઝાદ થઈ ગયું હતું, રાઈટ ? તો એ વખતે અંગ્રેજો કોલંબોમાં એક પાવરફૂલ રેડિયો સ્ટેશન ચાલુ હાલતમાં છોડીને જતા રહેલા. એમાં અંગ્રેજીમાં પ્રોગ્રામો ચાલ્યા કરતા હતા. એમને પણ હિન્દીમાં બ્રોડકાસ્ટિંગ શરૂ કરવાના વિચારો આવતા હતા પણ અવઢવમાં હતા.
એ જ વખતે ભારતમાં એક મોટી ઘટના બની. કેન્દ્રના બી. વી. કેસકર નામના માહિતી-પ્રસારણ ખાતાના મિનિસ્ટરે આખા દેશનાં રેડિયો સ્ટેશનો ઉપરથી હિન્દી ફિલ્મોનાં ગાયનોના પ્રસારણ ઉપર પ્રતિબંધ ઠોકી દીધો ! કેમ ? એમની દલીલ એવી હતી કે આ ગાયનો અશ્ર્લીલ છે અને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નથી. (અને હા, એ ભાજપી કે સંઘી નહોતા, હોં?)
બસ, આ તક મળતાં જ રેડિયો સિલોને પોતાની હિન્દી સર્વિસ ચાલુ કરી દીધી ! (વિદેશ વિભાગના નામે) અહીં રેડિયોમાં જાહેરખબરો પણ આવવા લાગી ! એમાં એક અડધો કલાકનો એવો પ્રોગ્રામ જોઈતો હતો જેને કોઈ યુવાન માણસ જાતે લખે, જાતે બોલે, જાતે રેકોર્ડ પણ કરે અને રેડી કરીને મોકલી આપે ! આમાં જ અમીન સયાનીની લોટરી લાગી ગઈ ! કેમકે આ ત્રણેય ટેલેન્ટમાં તે ઓલરેડી પાવરધા થઈ ચૂક્યા હતા. આ પ્રોગ્રામ એટલે…. ‘બિનાકા ગીતમાલા’ ! રાઈટ ?
જોકે શરૂઆતમાં આ અડધો કલાકનો શો હતો. પેલી બિનાકા ટુથપેસ્ટવાળા પણ મુખ્ય સ્પોન્સર તરીકે પાછળથી જોડાયા. આગળ જતાં આ ગીતમાલા એક કલાકનો થઈ ગયો અને સળંગ 42 વરસ ચાલ્યો. હવે તમે એમ ના પૂછતા કે રેડિયો સિલોનને હિટ કરવવામાં પેલા મિનિસ્ટરની કોઈ સાઠગાંઠ તો નહોતી ને? કેમકે છેક પાંચ વરસ વીત્યાં પછી છેક 1957માં ઓલ ઇન્ડિયા રેડિયોએ વિવિધ ભારતીના નામે કોમર્શિયલ સર્વિસ શરૂ કરી !
જોકે કેસકર સાહેબની જીદ ના હોત તો પણ અમીન સયાની જેવી ટેલેન્ટને કોણ રોકી શક્યું હોત ? કેમકે બિનાકા ગીતમાલા ઉપરાંત એમણે 'એસ કુમાર કા ફિલ્મી મુકદ્દમા', ' સેરીડોન કે સાથી', ' બોર્નવિટા ક્વિઝ', 'શાલીમાર સુપરલેક જોડી', વગેરે મળીને કુલ 54000 રેડિયો પ્રોગ્રામ રજુ કર્યા છે. આ ઉપરાંત લગભગ 19000 જેટલી રેડિયો જિંગલ અથવા રેડિયો જાહેરાતોમાં અવાજ આપ્યો હતો તે તો જાણે દાળના તપેલામાં વઘાર જ સમજવાનો !
અને હલો, એ જમાનામાં દરેક ફિલ્મ રિલીઝ થાય તેની સાથે સાથે રેડિયો ઉપર એનાં ગાયનો સાથે પંદર પંદર મિનિટના પ્રાયોજિત પ્રોગ્રામ આવતા હતા એમાં પણ જો અવાજ અમીન સયાનીનો ના હોય તો આપણને લાગતું હતું કે બોસ, નક્કી આ પિક્ચર ફ્લોપ જવાનું ! એવો હતો અમીન સયાનીનો વટ !
***
- મન્નુ શેખચલ્લી
E-mail :mannu41955@gmail.com
વાહ!
ReplyDeleteએ સ્કુલનું નામ ‘ન્યુ ઇરા’. હું ત્યાં ૧૧મું ધોરણ ભણ્યો. ઉદયન ઠક્કર ૧૧ વર્ષ ભણ્યો. પણ અમે મળ્યા કૉલેજમાં. સિનિયર.
બીજો એક સલિલ ત્રિપાઠી હતો. ટ્વિટર પર બહુ ઍક્ટિવ છે.
સતીષ શાહ પણ New Eraite!
(સૌરભ શાહ દ્વારા પ્રાપ્ત માહિતી)
આટલી બધી ઊંડાણભરી માહિતી પહેલી વખત મળી ; અને પણ તમારી રોચક, દિલચસ્પ શૈલીમાં, લલિતભાઈ ! વાહ !!!
ReplyDelete