સાઉથના વિલનોનાં લક્ષણો !

આજકાલ સાઉથની ફિલ્મો બહુ હિટ થઈ રહી છે. જોકે એમાં સૌથી ખતરનાક છતાં સૌથી ફની આઈટમો એમના વિલનો છે ! જુઓ એમનાં ટિપિકલ લક્ષણો…
😊😊

બધા વિલનો દાઢી તો રાખતા જ હશે ! (કંપલ્સરી લાગે છે !) જોકે હવે તો હિરો પણ દાઢીવાળા જ આવે છે, પણ ફરક એ છે કે હિરો પાસે કાંસકો હોય છે જ્યારે વિલનો કાંસકો રાખતા જ નથી ! એટલે એમની દાઢીઓ જીંથરા જેવી જ હોવાની !
🧙🏽‍♂️🧙🏽‍♂️🧙🏽‍♂️

સાઉથના વિલનો પોતે તો દાઢી રાખે જ છે પણ એની આજુબાજુ જે છ ફૂટિયા, કદરૂપા, જંગલોમાંથી ડાયરેક્ટ ઇમ્પોર્ટ કરેલા અડધો ડઝન ફોલ્ડરો હોય છે એમની પણ મોટી મોટી દાઢીઓ હોવી જરૂરી છે !
👹👹👹

અચ્છા, વિલનનો એક બાપ પણ હશે, જે પથારીવશ હશે, તેના ગળામાં અઢી કિલોની સોનાની ચેઇન પણ હશે... પણ એ ડોહો કદી દાઢી કરાવવાના દસ રૂપિયા નહીં ખરચે !
😎😎😎

સાઉથનો વિલન જ્યાં જાય ત્યાં દસ-દસ સ્કોર્પિયો જીપો લઈને જ જશે ! એમાંય નવ સીટર ગાડી હોવા છતાં એમાં પંદર પંદર ગુંડાઓ ભરશે ! જેમાંના છ-છ જણા સ્કોર્પિયોની બહાર હાથમાં તલવારો અને કોઈતા લઈને લટકતા દેખાશે !
🫣🫣

અચ્છા, દસ-દસ સ્કોર્પિયોનું ધાડું લઈને વિલન જશે ક્યાં ? તો કહે, હિરોની બિચારી વિધવા માને ધમકી આપવા ! અને બોસ, ધમકી આપીને પાછા... ! અલ્યા, આટલું કામ તો એક ફોનથી પતી જાય !
😜😜😜

સાઉથના વિલનો હંમેશાં સફેદ લુંગી ઉપર સફેદ શર્ટ પહેરશે. અથવા કાળી લુંગી ઉપર કાળું શર્ટ હશે. પણ કોઈ દહાડો ચેક્સવાળી લુંગી ઉપર રંગીન ટી-શર્ટ નહીં પહેરે ! માર્ક કરજો તમે...
🤓🤓

મને હંમેશાં નવાઈ લાગે છે કે સાઉથની ફિલ્મોમાં ફાઈટ થાય છે ત્યારે એનો હિરો કદી વિલનની લુંગી કેમ ખેંચી કાઢતો નથી ? (અડધી ફાઇટ તો ત્યાં જ પતી જાય ને !)
🤪🤪🤪

અને વિલનના ગુન્ડાઓ હાથમાં હથિયારો લઈને ધસી જતા હોય છે ત્યારે કોઈ ગુન્ડો પોતાની લુંગીમાં પોતાનો જ પગ ફસાઈ જવાથી ગુલાંટ કેમ નથી ખાઈ જતો ? યેન્ના રાસ્કલા...

😁🙏
મન્નુ શેખચલ્લી

Comments